- National
- નોકરી દરમિયાન રીલ્સ જોતા સરકારી કર્મચારીઓ પર લગામ લગાવવાની તૈયારીમાં સરકાર, જાણો શું છે 'સોશિયલ મીડિ...
નોકરી દરમિયાન રીલ્સ જોતા સરકારી કર્મચારીઓ પર લગામ લગાવવાની તૈયારીમાં સરકાર, જાણો શું છે 'સોશિયલ મીડિયા કોડ'
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પોતાના અધિકારીઓ માટે એક વિશેષ 'સોશિયલ મીડિયા આચારસંહિતા' (સોશિયલ મીડિયા કોડ) લાગુ કરવા વિચારી રહી છે. અધિકારીઓમાં ડ્યુટી સમય દરમિયાન કે તે સિવાય પોતાની અંગત રીલ્સ, વીડિયો, સ્ટોરીઝ અને અંગત અતિશયોક્તિભર્યા વિચારો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું પગલું પહેલીવાર ભરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ અમલદારોને આ દિશામાં શક્યતાઓ ચકાસવા માટે નિર્દેશ આપ્યા છે.

તાજેતરમાં સચિવો સાથે યોજાયેલી એક બેઠક દરમિયાન, વડાપ્રધાને ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયને નાગરિકો માટેના એકીકૃત સેવા પ્લેટફોર્મ 'એક ભારત' પોર્ટલનું કામ ઝડપથી પૂરું કરવા પણ જણાવ્યું હતું. આ અંગે કેબિનેટ સેક્રેટરી ટી. વી. સોમનાથને આ અઠવાડિયે અધિકારીઓને પાઠવેલા પત્રમાં વડાપ્રધાન સાથેની બેઠકમાંથી સામે આવેલા મુખ્ય મુદ્દાઓ પર આગળની કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કર્યો છે.
સોશિયલ મીડિયા માટે નિયમાવલી લાવવાનો આ પ્રસ્તાવ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ઘણા કિસ્સાઓમાં અધિકારીઓ સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા પોતાના પદ અને કામનું વ્યક્તિગત રીતે ભવ્ય પ્રદર્શન કરતા હોય છે, જે સરકારી કર્મચારીઓ પાસેથી અપેક્ષિત આચારસંહિતા અને ગરિમાની વિરુદ્ધ છે. કેટલાક વર્તમાન અને નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલમાં આવી કોઈ ચોક્કસ નિયમાવલી ન હોવાથી તેની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. અત્યારે લાગુ આચરણના નિયમો એવા સમયે ઘડાયા હતા જ્યારે સોશિયલ મીડિયાનું અસ્તિત્વ નહોતું, જેથી તેમાં આ અંગે કોઈ સ્પષ્ટ જોગવાઈઓ નથી.

બીજી તરફ, નાગરિકોને અલગ-અલગ સરકારી સેવાઓનો લાભ લેવા માટે અલગ-અલગ વેબસાઈટ પર લોગઈન કરવું પડે છે અને તેના યુઝરનેમ તથા પાસવર્ડ યાદ રાખવા પડે છે. આ મુશ્કેલી નિવારવા 'એક ભારત પોર્ટલ'ની જરૂરિયાત અનુભવાઈ રહી છે. આ પોર્ટલ શરુ થયા પછી, નાગરિકો માત્ર એક જ યુઝરનેમ અને પાસવર્ડની મદદથી તમામ સરકારી પોર્ટલ પરથી સેવાઓ મેળવી શકશે. આ બાબતે વિવિધ વિભાગો વચ્ચે કેટલાક તબક્કાની બેઠકો પૂર્ણ થઈ ચૂકી છે.
આ ઉપરાંત, ટી. વી. સોમનાથનના પત્ર અનુસાર, વડાપ્રધાને તમામ સચિવોને પોતાના વિભાગીય સંકુચિત હિતોનું રક્ષણ કરવાને બદલે સમગ્ર સરકાર તરીકે એકજૂથ થઈને સામૂહિક લક્ષ્યો તરફ કામ કરવાની સલાહ આપી છે.

