- National
- ‘ચપ્પલ ઘસાઈ ગઈ, હાથ..’, ખેડૂતે ખેતરે જવા માટે CM પાસે માંગ્યું હેલિકોપ્ટર; ભાવુક કરી દેશે ખેડૂતનું આ...
‘ચપ્પલ ઘસાઈ ગઈ, હાથ..’, ખેડૂતે ખેતરે જવા માટે CM પાસે માંગ્યું હેલિકોપ્ટર; ભાવુક કરી દેશે ખેડૂતનું આવેદન
મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના એ એક ખેડૂતની પીડા સામે આવી છે, જે સિસ્ટમની ઉપેક્ષા અને લાચારીની હદ દર્શાવે છે. પોતાના ખેતર સુધી જવાનો રસ્તો છીનવાઇ ગયા ગયા બાદ, ખેડૂતે મુખ્યમંત્રી પાસે હેલિકોપ્ટરની માંગ કરી દીધી છે. આ માંગ કોઈ શોખ કે દેખાડાની નથી, પરંતુ બચવા માટેનો છેલ્લો પ્રયાસ છે. આ આખો મામલો ઘટ્ટિયા તાલુકાના ઉટેસરા ગામના રહેવાસી ખેડૂત માનસિંહ રાજોરિયાનો છે. તેની પાસે 3.5 વીઘા જમીન છે. આ જમીન તેના પરિવારની આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત હતી, પરંતુ 2023માં ઉજ્જૈન-ગરોઠ હાઇવેનું નિર્માણ શરૂ થયું અને આ ખેડૂતનું જીવન સંકટમાં મુકાઇ ગયું હતું. હાઇવેના નિર્માણ દરમિયાન તેના ખેતર તરફ જતા બધા રસ્તાઓ બંધ થઈ ગયા. સામે લગભગ 2 મીટર ઊંચો હાઇવે બનાવવામાં આવ્યો, પરંતુ કોઈ અંડરપાસ કે વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો નથી.
માનસિંહ જણાવે છે કે નજીકના અન્ય ખેડૂતોના ખેતરો પ્રધાનમંત્રી સડક સાથે જોડાયેલા છે, પરંતુ તેનું ખેતર વચ્ચે ફસાઈ ગયું છે. ન તો ટ્રેક્ટર, ન બળદગાડું, ન તો ચાલવાનો રસ્તો છે. ખેતર સામે દેખાય છે, પરંતુ ત્યાં સુધી પહોંચવું અશક્ય થઈ ગયું છે. પરિણામે ખેતી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. ખેડૂતે મામલતદાર, SDM અને કલેક્ટરની કચેરીઓના ચક્કર લગાવ્યા. તેમણે મુખ્યમંત્રીની હેલ્પલાઈનમાં પણ ફરિયાદ કરી, પરંતુ દરેક વખતે તેને માત્ર આશ્વાસન મળ્યું. કોઈ ઉકેલ ન દેખાયો. હવે હું આવેદનો આપતા-આપતા થાકી ગયો છું.
તેણે કહ્યું કે, હવે મારી પાસે અરજી કરવાની પણ તાકાત બચી નથી. મારા ચપ્પલ ઘસાઈ ગયા છે, મારા હાથ બંધાઈ ગયા. એટલે, હું મારા ખેતર સુધી પહોંચવા માટે હેલિકોપ્ટર માંગી રહ્યો છું.’ આ હૃદયદ્રાવક અરજીમાં ખેડૂતે આગળ લખ્યું છે કે, જો તેમના ખેતર સુધી જવા માટે રસ્તો નહીં મળે, તો તેની પાસે તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કોઈ મધ્યમ નહીં બચે. મજબૂરીમાં તેણે એમ પણ લખી દીધું કે ઝેર પીવું એ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.
ખેડૂતના માતા-પિતાની આંખોમાં પણ લાચારી સ્પષ્ટ છલકાઈ રહી હતી. માતા ગીતા બાઈ અને પિતા રામલાલ કહે છે કે તેઓ 2022-23 થી સતત ફરિયાદ કરી રહ્યા છે. જેમ-તેમ તેઓએ લસણ અને ડુંગળીનો પાક લીધો, પરંતુ પછીથી સોયાબીનમાં માત્ર મજૂરીના જ પૈસા મળે છે. હવે, પરિસ્થિતિ એવી છે કે તેઓ ઘઉં પણ વાવી શકતા નથી. અધિકારીઓએ રસ્તો આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે રસ્તો થોડા સમય બાદ બંધ થઈ ગયો, જેના કારણે લગભગ 2 લાખ રૂપિયાનું નુકસાન થઇ ચૂક્યું છે. આ બાબત અંગે, ઘટ્ટિયા તાલુકાના SDM રાજારામ કરજરેએ જણાવ્યું હતું કે ખેડૂતની અરજી મળી ગઈ છે. તેમની મુખ્ય માંગ તેમના ખેતર સુધી રસ્તો બનાવવાની છે. અગાઉ આપેલી અરજી વિચારણા હેઠળ છે અને આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. તેમને ઝડપી ઉકેલ લાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.

