- National
- DM મેધા રૂપમના પગારમાંથી રૂ. 5 લાખ કાપી સામાજિક કાર્યકર્તાને વળતર આપવા હાઈ કોર્ટનો આદેશ
DM મેધા રૂપમના પગારમાંથી રૂ. 5 લાખ કાપી સામાજિક કાર્યકર્તાને વળતર આપવા હાઈ કોર્ટનો આદેશ
દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની અને સામાજિક કાર્યકર્તા આકૃતિ ચૌધરીને એપ્રિલ 2026માં નોઈડામાં થયેલા મજૂર વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. 2 સપ્ટેમ્બરના રોજ, કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ તેમના વિરુદ્ધ બહાર પડાયેલા અટકાયતના આદેશને રદ કર્યો અને રૂ. 5 લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, હાઈકોર્ટે ગૌતમ બુદ્ધ નગરના DM મેધા રૂપમના પગારમાંથી વળતરની રકમ વસૂલવાનો નિર્દેશ આપ્યો હતો. આ કેસની સુનાવણી જસ્ટિસ અટલ શ્રીધરન અને અચલ સચદેવની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. આકૃતિ સામે અટકાયતના આદેશને રદ કરતી વખતે, તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય દ્વારા રજૂ કરાયેલી બનાવટી વાર્તાના આધારે તેને અટકાયતમાં લેવામાં આવી હતી. જ્યાં સુધી અન્ય કોઈ કેસમાં તેની ધરપકડ જરૂરી ન હોય, ત્યાં સુધી તેને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.
13 એપ્રિલ, 2026ના રોજ, નોઈડામાં એક મજૂર વિરોધ પ્રદર્શન થયું હતું, જેના પર હિંસાનો આરોપ હતો. આ કેસમાં, લખનૌના પત્રકાર સત્યમ વર્મા અને નોઈડા કાર્યકર્તા આકૃતિ ચૌધરીની સામે NSA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બંને પર સોશિયલ મીડિયા દ્વારા કામદારોને ઉશ્કેરવાનો અને વિદેશી ભંડોળ મેળવવાનો આરોપ હતો. 11 એપ્રિલે મેટ્રો સ્ટેશન પરથી આકૃતિની ધરપકડ કરવામાં આવી હતી.
1 સપ્ટેમ્બરે પણ આ કેસની સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે UP સરકારને પૂછ્યું કે, શું FIR દાખલ કરતા પહેલા આકૃતિને શાંતિ ખલેલ પહોંચાડવા બદલ નોટિસ ફટકારવામાં આવી હતી. કોર્ટે કામદારોને ઉશ્કેરતા વીડિયો અને વોટ્સએપ ચેટ્સની વિગતો પણ માંગી હતી.
2 સપ્ટેમ્બરની સુનાવણી દરમિયાન, UP સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, આકૃતિને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 130 હેઠળ નોટિસ ફટકારવામાં આવી હતી. ન્યાયાધીશ અતુલ શ્રીધરને પૂછ્યું કે શું અગાઉ BNSSની કલમ 126 હેઠળ નોટિસ ફટકારવામાં આવી હતી. સરકારે આ વાતનો ઇનકાર કર્યો હતો. કલમ 126 જાહેર વ્યવસ્થા જાળવવા સાથે સંબંધિત છે. તેમણે કહ્યું કે કલમ 130 હેઠળ કાર્યવાહી કરતા પહેલા કલમ 126 પૂર્ણ કરવી આવશ્યક છે.
પોલીસની જનરલ ડાયરી (GD)માં નોંધાયેલી માહિતીના આધારે કોર્ટે રાજ્ય સરકારના નિવેદન પર પ્રશ્ન ઉઠાવ્યો. કોર્ટે જણાવ્યું હતું કે એવું લાગે છે કે નોટિસ તૈયાર થાય તે પહેલાં જ આકૃતિની ધરપકડ કરવામાં આવી હતી. હાઈકોર્ટની બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, 'આનો અર્થ એ છે કે તે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઈ ન હતી, પરંતુ ધરપકડ થઈ ચૂકી હતી. જો નોટિસ અગાઉ મોકલી આપવામાં આવી હોત, તો કોઈ GD નંબર ન હોત અથવા તે હાથથી લખાયેલ હોત.'
કોર્ટે આકૃતિ પર કામદારોને હિંસા માટે ઉશ્કેરવાના આરોપ પર પણ સવાલ ઉઠાવ્યા. સરકારે જણાવ્યું હતું કે લોકો 11 એપ્રિલથી વિરોધ પ્રદર્શન માટે ભેગા થવા લાગ્યા હતા. ન્યાયાધીશ શ્રીધરને જવાબ આપ્યો, 'આનો અર્થ એ છે કે 11 એપ્રિલે કોઈ હિંસા થઈ નથી. જે પણ હિંસા થઈ તે આકૃતિની ધરપકડ પછી થઈ.'
1 સપ્ટેમ્બરની સુનાવણીમાં, કોર્ટે રાજ્ય સરકારને એવા વીડિયો રજૂ કરવા કહ્યું જે સાબિત કરે કે આકૃતિએ પ્રદર્શનકારીઓને પથ્થરમારો કરવા અથવા વાહનોને આગ લગાડવા માટે ઉશ્કેર્યા હતા. સરકારે આ માટે વધુ સમય માંગ્યો હતો, પરંતુ કોર્ટે જણાવ્યું હતું કે, આકૃતિ પહેલાથી જ 5 મહિનાથી જેલમાં છે અને વધુ સમય આપી શકતી નથી.
હાઈકોર્ટની બેન્ચે એમ પણ પૂછ્યું હતું કે, રેકોર્ડ પર ક્યાં કહેવામાં આવ્યું છે કે આકૃતિએ લોકોને પથ્થરમારો કરવા માટે ઉશ્કેર્યા હતા, અને શું આના કોઈ વીડિયો પુરાવા છે. સરકારે ચાર્જશીટ અને સાક્ષીઓના નિવેદનોનો ઉલ્લેખ કર્યો. ન્યાયાધીશ શ્રીધરને પ્રશ્ન કર્યો કે સાક્ષીઓએ આકૃતિનું નામ કયા આધારે આપ્યું છે અને વીડિયોમાં એવું શું છે કે, કે જેના કારણે હિંસા ભડકાવવાના આરોપ સાબિત થાય છે.
આકૃતિ ચૌધરી દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં અનુસ્નાતક ડિગ્રી ધરાવતી વિદ્યાર્થી કાર્યકર છે. ઉત્તર પ્રદેશ પોલીસે 13 મેના રોજ તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લગાવ્યો હતો. પત્રકાર સત્યમ વર્મા પર પણ આ જ કેસમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે સમયે, નોઈડા પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે દાવો કર્યો હતો કે આરોપીઓ સામે મજબૂત ઇલેક્ટ્રોનિક અને વીડિયો પુરાવા છે.

