- National
- દિલ્હી સરકારે બકરી ઈદની ગાઈડલાઈન જાહેર કરી, ગાય-વાછરડાની કુરબાની પર પ્રતિબંધ અને...
દિલ્હી સરકારે બકરી ઈદની ગાઈડલાઈન જાહેર કરી, ગાય-વાછરડાની કુરબાની પર પ્રતિબંધ અને...
દિલ્હી સરકાર દ્વારા બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા) ને લઈને નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા અંતર્ગત ગાય અને વાછરડાની કુરબાની (સેક્રીફાઈસ) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ગુનાહિત કેસ દાખલ કરવાની કડક ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ સરકારે મુસ્લિમોને અપીલ કરી છે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે કુરબાની કોઈપણ જાહેર સ્થળે ન આપવામાં આવે અને તેના કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે.
ભારતમાં 28 મેના રોજ ઉજવાનારા આ તહેવાર દરમિયાન પ્રાણી કલ્યાણ અને જાહેર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મંત્રી કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મુખ્ય સૂચનાઓ શેર કરી છે.

દિલ્હી સરકારની મુખ્ય ગાઈડલાઈન્સ:
બકરી ઈદ પર ગાય, વાછરડા, ઊંટ અને અન્ય પ્રતિબંધિત પ્રાણીઓ સહિતની ગૌવંશની પ્રજાતિઓની કુરબાની સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આમ કરનારાઓ સામે ગુનાહિત કેસ નોંધવામાં આવશે.
જાહેર સ્થળો, શેરીઓ કે રસ્તાઓ પર કુરબાની આપવાની મંજૂરી નથી; આવું કરનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કુરબાનીના કચરાને ગટર, નાળાઓ અથવા જાહેર સ્થળોએ ફેંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે; કુરબાની માત્ર નિયુક્ત કરાયેલા અને માન્ય સ્થળોએ જ કરી શકાશે.
ગુરુવારે યોજાયેલી એક સમીક્ષા બેઠક દરમિયાન મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાણીઓની ગેરકાયદેસર હેરફેર, ગેરકાયદેસર કતલ અને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
તેમણે ઉમેર્યું કે પ્રાણીઓનું રક્ષણ એ માત્ર કાયદાકીય જવાબદારી નથી પરંતુ સાંસ્કૃતિક અને નૈતિક ફરજ પણ છે. તેમણે જનતાને અપીલ કરી છે કે જો પ્રાણીઓની ગેરકાયદેસર હેરફેર, ક્રૂરતા કે ગેરકાયદેસર કતલ અંગેની કોઈ માહિતી મળે, તો તરત જ સંબંધિત વહીવટી તંત્ર અથવા પોલીસ સત્તાવાળાઓને જાણ કરવી. આ સાથે જ મિશ્રાએ લોકોને ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા પાઠવી હતી અને આ તહેવાર નિયમોના દાયરામાં રહીને શાંતિપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરી હતી.
પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા પણ કડક જાહેરનામું
બીજી તરફ, પશ્ચિમ બંગાળની નવી ભાજપ આગેવાની હેઠળની સરકારે પણ એક સત્તાવાર જાહેર નોટિસ બહાર પાડી છે. જેમાં ફિટનેસ સર્ટિફિકેટ વિના પશુઓ અને ભેંસોની કતલ પર કડક પ્રતિબંધને ફરીથી લાગુ કરવામાં આવ્યો છે. આ પ્રમાણપત્ર એ સાબિત કરવા માટે જરૂરી છે કે પશુની ઉંમર ઓછામાં ઓછી 14 વર્ષની છે અને તે સંવર્ધન (બ્રીડિંગ) માટે અયોગ્ય છે, તેમજ અન્ય નિયમોનું પાલન કરે છે.
બંગાળ સરકારના કડક નિયમો:
પ્રમાણપત્ર વિના કોઈપણ આખલો, બળદ, ગાય, વાછરડું કે ભેંસની કતલ કરી શકાશે નહીં.
આ પ્રમાણપત્ર પર બે અલગ-અલગ સત્તાધિકારીઓની સહી હોવી ફરજિયાત છે.
સ્થાનિક વહીવટી વડા (એડમિનિસ્ટ્રેટિવ હેડ) અને સરકારી પશુ ચિકિત્સા અધિકારી (વેટરનરી ઓફિસર) બંનેની મંજૂરી હોવી આવશ્યક છે.
આ નિયમોનું ઉલ્લંઘન એ સંજ્ઞેય ગુનો (કોગ્નિઝેબલ ઓફેન્સ) ગણાશે, જેમાં 6 મહિના સુધીની જેલની સજા થઈ શકે છે.
નિયમ તોડનારાઓને ₹1,000 સુધીનો દંડ પણ થઈ શકે છે.

કોલકાતાના ઈમામની ગાયની કુરબાની ન આપવા અપીલ
આ જાહેર નોટિસ પર પ્રતિક્રિયા આપતા કોલકાતાની નાખોદા મસ્જિદના ઈમામ મૌલાના મોહમ્મદ શફીક કાસમીએ પણ મુસ્લિમોને સીધી જાહેર અપીલ કરી છે કે તેઓ આ ઈદ પર ગાયની કુરબાની આપવાનું ટાળે. તેમણે ગાયના વિકલ્પ તરીકે બકરાની કુરબાની આપવાનું સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મુસ્લિમોએ વિવિધતા ધરાવતા સમાજમાં અન્યોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું ટાળવું જોઈએ.
તેમણે કહ્યું, ‘મહેરબાની કરીને ગાયની કુરબાની ન આપો. હવેથી ક્યારેય બીફ (ગાયનું માંસ) ન ખાઓ.’ જો કે, મૌલાના કાસમીએ એવો દાવો પણ કર્યો હતો કે જો મુસ્લિમો બીફ ખાવાનું બંધ કરી દેશે, તો ‘તેનાથી મુસ્લિમોને નહીં, પણ આપણા હિન્દુ ભાઈઓને સૌથી વધુ નુકસાન થશે.’
પોતાના તર્ક પાછળ તેમણે ઉમેર્યું, ‘ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા હિન્દુ પરિવારો જ બકરી ઈદ પર ગાયો વેચે છે. તેઓ પોતાની આખી જિંદગીની કમાણી એક ગાયમાં રોકે છે. જ્યારે તેઓ તેને વેચી શકતા નથી, ત્યારે તેમને મોટું આર્થિક નુકસાન થાય છે.’

