- National
- રેલવેએ કર્યો ભાડામાં વધારો: લાંબા અંતરની મુસાફરી કરનારાને ફટકો, હવે કિલોમીટરે...
રેલવેએ કર્યો ભાડામાં વધારો: લાંબા અંતરની મુસાફરી કરનારાને ફટકો, હવે કિલોમીટરે...
ભારતીય રેલવે દ્વારા આગામી 26.12.2025 થી નવી ભાડા વ્યવસ્થા (Rationalised Fare Structure) અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફેરફારનો મુખ્ય હેતુ રેલવેની કાર્યક્ષમતા વધારવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે.
ભાડામાં થયેલા મુખ્ય ફેરફારો
રેલવેએ કહ્યું સામાન્ય વર્ગ અને ટૂંકા અંતરના મુસાફરોનું ખાસ ધ્યાન રાખ્યું છે
લોકલ અને સીઝન ટિકિટ: સબર્બન (લોકલ) ટ્રેનો અને મંથલી સીઝન ટિકિટ (MST) ના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
સામાન્ય શ્રેણી (Ordinary Class): 215 કિમી સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ ફેરફાર નથી. જોકે, 215 કિમીથી વધુના અંતર માટે પ્રતિ કિમી 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
મેઈલ/એક્સપ્રેસ (નોન-એસી): આ શ્રેણીમાં પ્રતિ કિમી 2 પૈસાનો વધારો થશે.
એસી ક્લાસ (AC Class): એસી કોચમાં મુસાફરી માટે પણ પ્રતિ કિમી 2 પૈસાનો વધારો લાગુ પડશે.
દાખલા તરીકે: જો કોઈ મુસાફર નોન-એસી કોચમાં 500 કિમીની મુસાફરી કરે છે, તો તેણે 10 રૂપિયા વધારાના ચૂકવવા પડશે.
કેમ લેવાયો આ નિર્ણય?
છેલ્લા એક દાયકામાં રેલવેના નેટવર્ક અને કામગીરીમાં મોટો વિસ્તાર થયો છે. ઓપરેશનલ જરૂરિયાતો અને સુરક્ષા સુધારવા માટે માનવબળમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે ખર્ચમાં પણ વૃદ્ધિ થઈ છે:
મેનપાવર ખર્ચ: 1,15,000 કરોડ રૂપિયા.
પેન્શન ખર્ચ: 60,000 કરોડ રૂપિયા.
કુલ ઓપરેશનલ ખર્ચ (2024-25): 2,63,000 કરોડ રૂપિયા.
રેલવેએ કહ્યું આ ફેરફાર દ્વારા રેલવે આ વર્ષે અંદાજે 600 કરોડ રૂપિયાની વધારાની આવક મેળવશે. રેલવે હવે માલસામાનના પરિવહન (Cargo) પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેમાં ભારત હાલ વિશ્વમાં બીજા ક્રમે છે. તાજેતરમાં તહેવારોની સીઝન દરમિયાન 12,000 થી વધુ ટ્રેનોનું સફળ સંચાલન એ રેલવેની વધતી કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે.
રેલવે પ્રશાસન મુજબ, આ નજીવો ભાવ વધારો રેલવેને તેના સામાજિક લક્ષ્યો પૂરા કરવામાં અને સામાન્ય જનતા માટે મુસાફરી વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવામાં મદદરૂપ થશે.

