- National
- મેસ્સી ઇવેન્ટ વિવાદમાં સરકારની પીછેહટ, બંગાળના રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસે રાજીનામું આપ્યું, CM મમતા...
મેસ્સી ઇવેન્ટ વિવાદમાં સરકારની પીછેહટ, બંગાળના રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસે રાજીનામું આપ્યું, CM મમતા બેનર્જીને પત્ર લખ્યો
13 ડિસેમ્બરે, વિશ્વ વિખ્યાત ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીએ GOAT ઇન્ડિયા ટૂર 2025 માટે પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. તેમનો કાર્યક્રમ રાજ્યની રાજધાની કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં યોજાયો હતો. જોકે, આ કાર્યક્રમમાં ભારે અરાજકતા ફેલાઈ ગઈ હતી, જેના કારણે પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય વિવાદ થયો હતો.
પશ્ચિમ બંગાળના રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસે CM મમતા બેનર્જીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. CM મમતા બેનર્જીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમણે હાથેથી લખેલી નોંધમાં CM મમતા બેનર્જીને જાણ કરી હતી કે, તેઓ રાજીનામું આપી રહ્યા છે, જેથી આ મામલાની નિષ્પક્ષ તપાસ થઈ શકે.
સૂત્રો અનુસાર, સોમવારે ગંગાસાગર મેળાની સમીક્ષા બેઠક દરમિયાન, CM મમતા બેનર્જીએ મેસ્સી ઇવેન્ટ દરમિયાન થયેલી અરાજકતા અને હંગામા માટે અધિકારીઓ અને નેતાઓને ઠપકો આપ્યો હતો.
CM મમતા બેનર્જીએ સીધા રમતગમત મંત્રી અરૂપને પૂછ્યું કે શું તેઓ આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી લેવા તૈયાર છે. જો તેઓ જવાબદારી નથી લઈ શકતા, તો તેમણે પદ છોડી દેવું જોઈએ.
આ દરમિયાન, CM મમતા બેનર્જીએ DGP રાજીવ કુમાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આ પ્રકારની ઘટનાથી રાજ્યની છબી ખરડાય છે.
લિયોનેલ મેસ્સીનો ભારત પ્રવાસ શનિવારે કોલકાતામાં શરૂ થયો હતો. 15,000 રૂપિયા સુધીની ટિકિટ ખરીદનારા હજારો દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. જોકે, મેસ્સી ફક્ત 20 મિનિટ માટે મેદાનમાં જોવા મળ્યો હતો.
આનાથી દર્શકો નારાજ થઈને ગુસ્સે થયા હતા. મેસ્સી રાજકારણીઓ અને પ્રભાવશાળી લોકોથી ઘેરાયેલો હોવાના આરોપો કરવામાં આવ્યા હતા, જેના કારણે સામાન્ય ટિકિટ ધારકો તેને જોવાની તકથી વંચિત રહ્યા હતા.
હતાશ અને ગુસ્સે ભરાયેલા દર્શકોએ બોટલો ફેંકી, ખુરશીઓ તોડી અને સ્ટેડિયમમાં હંગામો મચાવ્યો. સમગ્ર ઘટનાના વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના કારણે સરકાર અને શાસક તૃણમૂલ કોંગ્રેસની વ્યાપક ટીકા થઈ. BJPએ TMC સરકાર પર જોરદાર પ્રહારો પણ કર્યા હતા.
રમતગમત મંત્રીના રાજીનામા પછી મીડિયા સાથે વાત કરતા BJPના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, અરૂપ બિશ્વાસની ધરપકડ થવી જોઈએ.
તેમણે કહ્યું કે, CM મમતા બેનર્જી 2026ની વિધાનસભા ચૂંટણી માટે આ અવ્યવસ્થિત ઘટનાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, તેનાથી ઉલ્ટું જ થઇ ગયું હતું. તેમના આ મિશનની ખરાબ વ્યવસ્થા તેમણે જ ભારે પડી ગઈ.

