- National
- SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટ...
SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે
પશ્ચિમ બંગાળના મતદારોની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) યાદીમાંથી દૂર કરાયેલા મતદારો એક દાયકાથી વધુ સમય સુધી મતદાન કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટ દ્વારા દેખરેખ હેઠળના અપીલ ટ્રિબ્યુનલ્સ જે ગતિએ અપીલ પર પ્રક્રિયા પુરી કરી રહ્યા છે, તે ગતિએ બાકી રહેલી SIR અપીલોનો ઉકેલ લાવવામાં 12 વર્ષથી વધુ સમય લાગી શકે છે. ભારતીય ચૂંટણી પંચ (ECI)એ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, એપ્રિલ 2026માં કામગીરી શરૂ કરનાર ટ્રિબ્યુનલ્સે ફક્ત 1,26,194 અપીલો પર નિર્ણય લીધો છે. જો આ ગતિ ચાલુ રહી તો, ઘણા મતદારોને તેમના મતદાન અધિકારો પાછા મેળવવા માટે ઘણો લાંબો સમય રાહ જોવી પડી શકે છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ટ્રિબ્યુનલ્સનો વર્તમાન ગતિ, અઠવાડિયાના સાતેય દિવસ કામ કરીને, દર મહિને સરેરાશ 25,238 કેસોનો નિકાલ કરી રહ્યો છે. 16 સપ્ટેમ્બરના રોજ દાખલ કરાયેલા સોગંદનામામાં, ECIએ જણાવ્યું હતું કે 37,05,235 અપીલો પેન્ડિંગ છે.
જો અપીલ ટ્રિબ્યુનલ તેમની હાલની ગતિએ, અઠવાડિયાના સાતેય દિવસ કાર્યરત રહે, તો આ કેસોનો ઉકેલ લાવવામાં 146 મહિના અથવા 12 વર્ષથી વધુ સમય લાગશે. તેથી, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને ટ્રિબ્યુનલની સંખ્યા 19થી વધારીને 42 કરવાની વિનંતી કરી છે. બંગાળમાં લોકસભાની કુલ બેઠકોની સંખ્યા પણ 42 છે. ચૂંટણી પંચે સ્વીકાર્યું કે હાલની માળખાકીય સુવિધાઓ આટલી મોટી સંખ્યામાં કેસોને હેન્ડલ કરવા માટે અપૂરતી છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ ટ્રિબ્યુનલ દ્વારા નક્કી કરાયેલી 1,26,194 અપીલોમાંથી 1,13,943 (90 ટકાથી વધુ) નામો મતદાર યાદીમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. મતદાર યાદીમાંથી તેમના નામ દૂર થયા પછી કુલ 22.2 લાખ મતદારોએ અપીલ દાખલ કરી હતી. એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં SIR હાથ ધરવામાં આવ્યો હતો, જે હેઠળ રાજ્યની મતદાર યાદીમાંથી આશરે 91 લાખ મતદારોને દૂર કરવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચે આ સોગંદનામું ભૂતપૂર્વ CM મમતા બેનર્જીના જૂથ મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ'બ્રાયન દ્વારા દાખલ કરાયેલી અરજીના જવાબમાં દાખલ કર્યું હતું. ચૂંટણી પંચે ભલામણ કરી હતી કે, ન્યાયિક અધિકારીઓને મુસાફરીનો સમય બચાવવા અને કેસના નિકાલને ઝડપી બનાવવા માટે ઘરેથી કામ કરવાની મંજૂરી આપવામાં આવે.
એક અલગ સોગંદનામામાં, ભારતના ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, અપીલ ટ્રિબ્યુનલ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કાર્ય કરી રહ્યું છે. પંચે જણાવ્યું હતું કે, કોલકાતા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશોની સમિતિ દ્વારા ઘડવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) હેઠળ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.

