- National
- વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો
વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો
વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી તેમના સંતાનોની હોય છે. પરંતુ શું વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણ માટે પુત્રવધૂ પણ જવાબદાર છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેના પતિનું અવસાન થઇ ચૂક્યું હોય? કેરળ હાઈકોર્ટનો આ ચૂકાદો વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણ અને પુત્રવધૂની કાનૂની જવાબદારી અંગેના એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પર આવ્યો છે. આ કેસ 78 વર્ષીય મહિલા અને તેના મૃત પુત્રની વિધવા પત્ની વચ્ચેનો છે. મહિલાને પાંચ સંતાનો હતા, તેમ છતા મેન્ટેનન્સ ટ્રિબ્યુનલે માત્ર વિધવા પુત્રવધૂને જ દર મહિને ₹10,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
આ કેસ શું હતો?
કેરળનો આ કેસ 78 વર્ષીય મહિલા અને તેના મૃત પુત્રની પત્ની વચ્ચેનો હતો. તે મહિલાને કુલ પાંચ સંતાનો હતા. એક પુત્રના અવસાન બાદ, મહિલાએ એ વહુના પક્ષમાં 20 ફેબ્રુઆરી, 2021ના રોજ તે પુત્રવધૂની તરફેણમાં મિલકત અંગે એક 'સેટલમેન્ટ ડીડ' કર્યો હતો, જેમાં તેણે મિલકત પર પોતાનો આજીવન અધિકાર જાળવી રાખ્યો હતો. બાદમાં, મહિલાએ ટ્રિબ્યૂનલમાં ફરિયાદ કરી કે પુત્રવધૂ તેની સંભાળ રાખતી નથી. પછી, 16 જુલાઈ, 2021ના રોજ ટ્રિબ્યૂનલે પુત્રવધૂને દર મહિને ₹10,000 ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો, જેને પુત્રવધૂએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
હાઈકોર્ટે પુત્રવધૂની તરફેણમાં ચૂકાદો આપ્યો અને સમજાવ્યો કાયદો
કેરળ હાઈકોર્ટના જસ્ટિસ હરિશંકર વી. મેનને જણાવ્યું હતું કે 'સીનિયર સિટીઝન્સ એક્ટ'ની કલમ 9 હેઠળ, વરિષ્ઠ નાગરિકને ભરણપોષણ આપવાનો આદેશ સંતાનો અથવા સંબંધીઓ વિરુદ્ધ આપી શકાય છે.
કોર્ટે નોંધ્યું કે મહિલાના અન્ય સંતાનો જીવિત હતા અને તેમાંથી એક બાળક સાથે જ રહેતી હતી.
આવી સ્થિતિમાં ભરણપોષણ ચૂકવવા માટે માત્ર મૃત પુત્રની વિધવાને જ અલગ તારવવી તે કાયદાની જોગવાઈઓ કે ઉદ્દેશ્યને અનુરૂપ નહોતું. તેથી, હાઈકોર્ટે ટ્રિબ્યૂનલના ₹10,000ની માસિક ચૂકવણીના આદેશને રદ કર્યો.
2007ના અધિનિયમની કલમ 2(a) હેઠળ, ‘સંતાનો’માં પુત્ર, પુત્રી અને પૌત્ર-પૌત્રીઓનો સમાવેશ થાય છે, પરંતુ સગીરોનો સમાવેશ થતો નથી. la, કલમ 2(g) હેઠળ સંબંધીની વ્યાખ્યા એવી રીતે કરવામાં આવી છે કે જેમાં સંતાનવિહીન વરિષ્ઠ નાગરિકના કાયદેસરના વારસદારનો સમાવેશ થાય છે, જેઓ તેમની મિલકતનો કબજો ધરાવતા હોય અથવા તેમના મૃત્યુ બાદ મિલકતનો ઉત્તરાધિકારી હોય.
કેરળ હાઈકોર્ટના આ ચૂકાદાનો અર્થ એવો ન કાઢવો જોઈએ કે પુત્રવધૂની તેની સાસુ પ્રત્યે કોઈ પણ સંજોગોમાં કોઈ જવાબદારી રહેતી નથી. હાઈકોર્ટનો નિર્ણય ખાસ કરીને 'વરિષ્ઠ નાગરિક અધિનિયમ'ના કાનૂની યોજના પર આધારિત હતો અને તેમાં કેસની વિશિષ્ટ હકીકતોને ધ્યાનમાં લેવામાં આવી હતી, જેમાં સામે મહિલાના અન્ય જીવિત સંતાનોની હાજરીને મહત્ત્વપૂર્ણ માન્યા.
આ કિસ્સામાં સાસુ દ્વારા પુત્રવધૂની તરફેણમાં એક 'સેટલમેન્ટ ડીડ' કરવામાં આવ્યું હતું, જેમાં સાસુએ પોતે પણ મિલકતમાં પોતાનો હિત-અધિકાર જાળવી રાખ્યો હતો. સાસુ વતી એવી દલીલ કરવામાં આવી હતી કે, આ દસ્તાવેજને આધારે પુત્રવધૂ તેમની સંભાળ રાખવા માટે બંધાયેલી હતી, પરંતુ તે મિલકત સાથે સંકળાયેલા લાભો પણ આપી રહી નથી. જોકે, 'વરિષ્ઠ નાગરિક અધિનિયમ' હેઠળ ભરણપોષણ માટેની કાનૂની જવાબદારી નક્કી કરતી વખતે હાઈકોર્ટે કલમ 2 અને 9ની મર્યાદાઓને મહત્ત્વપૂર્ણ માની.
આ ચૂકાદાનું કાનૂની મહત્ત્વ શું છે?
આમ જોવા જઇએ તો કેરળ હાઈકોર્ટના હજારા વિ. મેન્ટેનન્સ ટ્રિબ્યૂનલ અને અન્ય (Hajara v. Maintenance Tribunal & Ors.)ના કેસમાં નિર્ણય સ્પષ્ટ કરે છે કે જ્યારે 'વરિષ્ઠ નાગરિક અધિનિયમ' હેઠળ ભરણપોષણ નક્કી કરવામાં આવે છે, ત્યારે માત્ર પારિવારિક સંબંધને ધ્યાનમાં લેવો પૂરતો નથી; અધિનિયમમાં આપવામાં આવેલી સંતાનો અને સંબંધીની કાનૂની પરિભાષાનો પણ અમલ કરવો પડશે.
આ કેસમાં, કેરળ હાઈકોર્ટે સ્વીકાર્યું કે જ્યારે વરિષ્ઠ નાગરિકના અન્ય સંતાનો જીવિત હોય, ત્યારે મૃત પુત્રની વિધવા પત્નીને જ ભરણપોષણ પૂરું પાડવા માટે અલગ તારવી શકાય નહીં.
આ ચૂકાદો વિશિષ્ટ હકીકતો અને આ અધિનિયમ હેઠળ સામે આવેલા વિવાદ પર આધારિત છે, એટલે એવું માનવું ખોટું ગણાશે કે સાસુ-પુત્રવધૂ વચ્ચેના દરેક વિવાદનું પરિણામ સમાન જ આવશે.

