'અમને નવું જીવન આપો અથવા ઈચ્છામૃ*ત્યુ', રાજસ્થાનમાં બાળજન્મ પછી ડાયાલિસિસ પર 5 મહિલાઓ

રાજસ્થાનની સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ પર જીવતી પાંચ મહિલાઓ દ્વારા આ અપીલ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને લખેલા પત્રમાં, આ મહિલાઓએ ઈચ્છામૃત્યુ માટે પરવાનગી માંગી છે. મહિલાઓ જણાવે છે કે તેઓ પ્રસૂતિ માટે હોસ્પિટલમાં ગઈ હતી, પરંતુ હવે તેમનું જીવન અઠવાડિયામાં બે વાર ડાયાલિસિસ કરાવવા પર નિર્ભર છે.

આ મહિલાઓમાંથી એક ધનલી સુમન કહે છે કે, ડાયાલિસિસથી, અમે ફક્ત પાંચથી છ મહિના જ જીવી શકીશું. અમને ઈચ્છામૃત્યુ માટે પરવાનગી આપવી જોઈએ અથવા અમારી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવે જોકે, આ મહિલાઓ સાથે ખરેખર શું થયું તે અંગે હાથ ધરાયેલી તપાસનો અહેવાલ આ સમાચાર લખાય ત્યાં સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

New-Mothers3
bbc.com

રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં બાળજન્મ માટે સિઝેરિયન ઓપરેશન કરાવ્યા પછી મહિલાઓ ગંભીર રીતે બીમાર પડી રહી છે અથવા જીવ ગુમાવવાના કાસ સતત સામે આવી રહ્યા છે. જ્યારે સરકાર આ ઘટનાઓ અંગે પોતાના તર્ક આપી રહી છે, ત્યારે વિપક્ષ સરકાર પર આ બાબતને દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવી રહ્યું છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, જો સત્તાના ઘમંડમાં ડૂબેલી ભાજપ સરકારે સમયસર વિપક્ષ અને પીડિતોનો અવાજ સાંભળ્યો હોત, તો આ શરમજનક પરિસ્થિતિ ઊભી ન થઈ હોત. આજે પરિસ્થિતિઓ એવી છે કે લાચાર પીડિતોને રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની માંગણી કરવાની ફરજ પડી રહી છે.

BBC ન્યૂઝ હિન્દીના અહેવાલ મુજબ છેલ્લા અઢી મહિનામાં, રાજસ્થાનના કોટા, બિકાનેર, જોધપુર, ભીલવાડા અને બાંસવાડા જિલ્લામાં મહિલાઓ ગંભીર રીતે બીમાર પડી જવાના અથવા બાળજન્મ પછી જીવ ગુમાવવાના બનાવો નોંધાયા છે. આની શરૂઆત કોટામાં 4 મે થી 7 મે દરમિયાન શરૂ થઇ હતી, જ્યારે 18 મહિલાઓને પ્રસૂતિ પીડાને કારણે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલાઓએ ત્યારબાદ સિઝેરિયન દ્વારા તેમના બાળકોને જન્મ આપ્યો. કોટામાં સરકારી સુપર સ્પેશિયાલિટી ન્યૂ મેડિકલ કોલેજ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. નીલેશ જૈને જણાવ્યું હતું કે, પાંચ મહિલાઓએ જીવ ગુમાવ્યા છે. હાલમાં પાંચ અન્ય મહિલાઓનું ડાયાલિસિસ ચાલી રહ્યું છે. કોટાની આ પાંચ મહિલાઓની કિડની ફેલ થઈ ગઈ છે, અને તેઓ છેલ્લા 72 દિવસથી અઠવાડિયામાં બે વાર ડાયાલિસિસ કરાવી રહી છે.

કોટામાં બનેલી ઘટનાઓ બાદ, બિકાનેરમાં પણ આવા જ કિસ્સાઓ સામે આવ્યા અને પાંચ મહિલાઓના જીવ જતા રહ્યા. જોધપુરમાં પણ મીડિયા રિપોર્ટમાં આવા જ કિસ્સાઓ સામે આવ્યા હતા, જોકે ત્યાં કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારબાદ, મીડિયા રિપોર્ટ્સમાં ભીલવાડામાં પાંચ અને બાંસવાડામાં જીવ ગુમાવવાના ચાર કેસો સામે આવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લોકોએ આ મુદ્દા અંગે વિરોધ પ્રદર્શન કર્યા, અને તપાસ સમિતિઓની રચના કરવામાં આવી. હોસ્પિટલના ઓપરેશન થિયેટરો બંધ કરવામાં આવ્યા, અને નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

AIIMS દિલ્હી અને જયપુરની ટીમોએ હોસ્પિટલોનું નિરીક્ષણ કર્યું અને નમૂનાઓની તપાસ કરાવડાવી. જોકે, બે મહિના પછી પણ, સરકાર તપાસ રિપોર્ટના તારણો જાહેર કરવાની સ્થિતિમાં નથી.  કોટામાં મહિલાઓને મળ્યા બાદ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સરકાર પર તપાસ રિપોર્ટમાં બહાર આવેલા સત્યને છુપાવવાનો આરોપ લગાવ્યો. પ્રસૂતિ ઓપરેશન દરમિયાન વપરાતી કેટલીક દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરિસ્થિતિને તાત્કાલિક શાંત કરવા માટે, તબીબી વિભાગે બે તબીબી સ્ટાફ સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. આ ઘટનાઓ વિશે મીડિયા સાથે વાત કરતા, રાજ્યના આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખિંવસારે કહ્યું કે, આ બધી ઘટનાઓને એક જ કારણને જોડવી યોગ્ય રહેશે નહીં. નિષ્ણાતોના મતે, ઘણા કિસ્સાઓમાં ગંભીર હાઈ બ્લડ પ્રેશર, વધુ પડતું રક્તસ્રાવ, ચેપ અને અન્ય વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે જે લીવર અને કિડની ફેઇલ થવા સુધીની સ્થિતિ પેદા કરી શકે છે.

નવી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. નીલેશ જૈને સ્વીકાર્યું કે બાળજન્મ પછી મુશ્કેલીઓનો સામનો કરતી અગિયાર મહિલાઓમાંથી 5ને કિડની ફેલ્યોર થયા બાદ હાલમાં તેઓ નિયમિત ડાયાલિસિસ કરાવી રહી છે. તેમણે જણાવ્યું કે આ પાંચ મહિલાઓ છેલ્લા 72 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે અને અઠવાડિયામાં બે વાર ડાયાલિસિસ કરાવી રહી છે. આ મહિલાઓ તેમના નવજાત બાળકોને પણ જોઈ શકી નથી. પાંચેય મહિલાઓ કોટાના સામાન્ય પરિવારની છે.

રાગિની મીણા, ધનલી સુમન, પિંકી એરવાલ, આરતી ચોબદાર અને સુશીલા મહાવરે રાષ્ટ્રપતિને પત્ર લખીને જણાવ્યું છે કે, બાળજન્મ દરમિયાન તબીબી બેદરકારી અને વહીવટીતંત્રના ધ્યાનના અભાવથી નિરાશ થઈને તેઓ ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી રહી છે.

આ મહિલાઓએ સંયુક્ત રીતે એક પત્ર તૈયાર કર્યો અને સ્પીડ પોસ્ટ દ્વારા રાષ્ટ્રપતિને મોકલ્યો છે. પત્રમાં તેઓએ લખ્યું, અમે શારીરિક, માનસિક અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છીએ. કિડની ફેલ્યોરને કારણે અમે છેલ્લા બે મહિનાથી દરરોજ માત્ર 500 મિલી પાણી પર જીવી રહ્યા છીએ. અમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને દર 48 કલાકે ડાયાલિસિસ કરાવવું પડે છે. અમારા પતિઓએ તેમની ખાનગી નોકરીઓ ગુમાવી દીધી છે. આ લાચાર અને ગૂંગળામણભરી પરિસ્થિતિમાં અમારા માટે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો કોઈ રસ્તો બચ્યો નથી.

New-Mothers2
bbc.com

રાષ્ટ્રપતિને અંતિમ વિનંતી કરતા, મહિલાઓએ લખ્યું કે, અમારા કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વ્યવસ્થા કરાવીને, દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને વળતર આપવામાં આવે. જો સરકાર અને વહીવટીતંત્ર અમને ન્યાય અપાવવામાં અસમર્થ છે, તો અમને ઈચ્છામૃત્યુની પરવાનગી આપવી જોઈએ જેથી અમે અમારા જીવનનો સન્માન સાથે અંત લાવી શકીએ.

આ દરમિયાન, કોટાની ન્યૂ મેડિકલ કોલેજ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. નીલેશ જૈને જણાવ્યું કે, પાંચ મહિલાઓ ડાયાલિસિસ કરાવી રહી છે. તેઓ ઇચ્છે છે કે તેમના કિડની ટ્રાન્સપ્લાન્ટ ઝડપથી અને મફતમાં થાય, અને તેઓ ઇચ્છે છે કે આગળની સારવાર પણ મફતમાં થવી જોઇએ.

રડતા-રડતા મીડિયા સાથે વાત કરતા બીમાર ધનલી સુમને કહ્યું કે, અમે ડાયાલિસિસ પર આધાર રાખીને કેટલો સમય જીવી શકીશું? વધુમાં વધુ છ મહિના. તો, રાગિની નામની બીજી એક મહિલાએ જણાવ્યું કે, અમે ડાયાલિસિસ કરાવવા કરતાં મરવાનું પસંદ કરીશું. ડાયાલિસિસથી અમને ઉલટી, તાવ અને માથા અને અંગોમાં અસહ્ય દુ:ખાવો થાય છે. અમારી કિડની ફેલ થઈ ગઈ છે; ફક્ત અમે જ જાણીએ છીએ કે અમારા પર શું વીતી રહી છે. એટલે અમે ઈચ્છામૃત્યુની માંગણી કરી છે.

મહિલાઓએ 13 જુલાઈએ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવાનો ઇનકાર કર્યો હતો. 15 જુલાઈએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યા પછી જ વહીવટીતંત્રે તેમની સ્થિતિને ધ્યાનમાં લીધી. 16 જુલાઈએ, કોટાના અધિક જિલ્લા કલેક્ટર વિનોદ મલ્હોત્રા, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના અધિક્ષક ડૉ. નિલેશ કુમાર જૈન અને નેફ્રોલોજી વિભાગના વડા ડૉ. વિકાસ ખંડેલિયાએ મહિલાઓ અને તેમના પરિવારો સાથે વાત કરી હતી.

આ વાતચીત પછી રાગિની મીણાના પતિ લોકેશ મીનાએ જણાવ્યું કે, અમે હોસ્પિટલ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે વાત કરી. લેખિત ખાતરી મળ્યા બાદ મહિલાઓએ ડાયાલિસિસ કરાવ્યું. ખાતરી પત્રમાં જણાવાયું છે કે, મહિલાઓને હોસ્પિટલમાં ડાયાલિસિસ અને અન્ય તબીબી સુવિધાઓ સંપૂર્ણપણે મફત પૂરી પાડવામાં આવશે, અને નોંધણી તેમજ કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા પણ મફતમાં કરવામાં આવશે.

આ સાથે જ આશ્વાસનમાં વધુમાં લખ્યું છે કે, પરિવારની સુવિધાના આધારે જોધપુર AIIMS સહિત રાજ્યની કોઈપણ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા, અને ત્યારબાદની બધી સારવાર પણ મફત રહેશે. આ દરમિયાન, ધાનલીએ મીડિયા સાથે વાત કરતા રડતા-રડતા સાથે પોતાની વ્યથા વ્યક્ત કરી. તેણે કહ્યું કે, ડાયાલિસિસથી મારું શરીર ઠંડુ પડી જાય છે અને ઉલટી થાય છે. મને ચક્કર આવે છે, અને મારું શરીર નિર્જીવ થઇ જાય છે.

કોટા જિલ્લા કલેક્ટર પીયૂષ સમરિયાએ જણાવ્યું કે, કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એક મેડિકલ બોર્ડ છે. અમે આ મામલો આરોગ્ય વિભાગને સોંપ્યો છે. જો કે, જ્યારે ડાયાલિસિસ નિષ્ફળ જાય છે અથવા શરીર તેનો પ્રતિભાવ આપવાનું બંધ કરી દે છે ત્યારે ટ્રાન્સપ્લાન્ટ જરૂરી બની જાય છે.

રાગિની મીણાને પહેલાથી જ બે દીકરીઓ હતી અને હવે તેણે ત્રીજા બાળકને જન્મ આપ્યો છે. જોકે, ડિલિવરી પછી તે તેના નવજાત દીકરાનો ચહેરો જોઈ શકી નથી. તેનો ભાઈ વિકાસ હોસ્પિટલમાં હાજર છે. વિકાસે કહ્યું કે, મારી બહેને 4 મેના રોજ જન્મ આપ્યો. થોડા કલાકો પછી જ તેની તબિયત બગડી ગઈ, અને 7 મેના રોજ ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું. જ્યારે મારી બહેન હોસ્પિટલમાં આવી ત્યારે તેનું વજન 63 કિલો હતું; આજે, તે ઘટીને 41 કિલો થઈ ગયું છે. તેના સાસરિયાઓ નવજાત બાળકની સંભાળ રાખી રહ્યા છે.

New-Mothers2
bbc.com

રાગિનીના પતિ લોકેશ કહે છે કે, હું એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. શરૂઆતમાં, હું મેડિકલ લીવ પર હતો. થોડા દિવસો માટે બહાર હોવાથી મારો પગાર કાપી લેવામાં આવ્યો હતો, અને હવે મેં સંપૂર્ણપણે નોકરી ગુમાવી દીધી છે. મારી નોકરી પરિવારની આવકનો એકમાત્ર સ્ત્રોત હતી.

આ ફક્ત રાગિનીના પરિવારની પરિસ્થિતિ નથી; પાંચેય પરિવારોની આવી જ સ્થિતિ છે. ધનલી સુમનનો પતિ મોહન લાલ સુમન કહે છે, કે અમારા બે બાળકો પહેલાથી જ છે, અને બંનેને સિઝેરિયન દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી. જન્મના થોડા કલાકો પછી જ બાળકને માતાથી અલગ કરવું પડ્યું; હું પણ સમજી શકતો નથી કે ધનલી સુમન કેટલી પીડામાંથી પસાર થઈ રહી છે. ધનલીએ 4 મેના રોજ સાંજે 5 વાગ્યે જન્મ આપ્યો; ત્યારે બંને સ્વસ્થ હતા, અને રાતભર બધું બરાબર રહ્યું. 5 જુલાઈના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ, તેનો રક્તસ્ત્રાવ શરૂ થયો. ધનલી સુમનની ફરી એક વાર સર્જરી કરવામાં આવી. ત્યારબાદ, તેને ગાયનેકોલોજી વોર્ડમાં ખસેડવામાં આવી, પરંતુ સાંજ સુધીમાં, તેને કમળો થઈ ગયો. 5 જુલાઈની રાત્રે, તેને નેફ્રોલોજી વિભાગમાં ખસેડવામાં આવી અને સીધી વેન્ટિલેટર પર મૂકી દેવામાં આવી; તે ચાર દિવસ સુધી વેન્ટિલેટર પર રહી. તેણે બાળકને ICUમાં જોયું હતું પરંતુ ત્યારથી તેણે તેને જોયું નથી. બાળકની સંભાળ તેની કાકી રાખી રહી છે.

સુશીલાના પતિ ઓમ પ્રકાશે જણાવ્યું કે, આ અમારું પહેલું બાળક છે. સુશીલા હોસ્પિટલમાં પોતાના જીવન માટે લડી રહી છે, અને બાળકને પણ ગઈકાલે દાખલ કરવામાં આવ્યું હતું. બાળક લગભગ અઢી મહિનાનું છે, તેને માતાનું દૂધ ન મળતું હોવાથી, તેને પાવડર દૂધ આપવામાં આવ્યું હતું, જેના કારણે તેના પેટમાં ગઠ્ઠો બની ગયો છે.

રાજસ્થાનમાં મહિલા સ્વાસ્થ્ય મુદ્દાઓ પર કામ કરતી સંસ્થા 'જન સ્વાસ્થ્ય અભિયાન રાજસ્થાન'ના સંયોજક છાયા પચૌલીએ આ બાબતને અત્યંત ગંભીર ગણાવી. તેમણે કહ્યું કે, કોટા અને અન્ય સ્થળોએ માતાઓના જીવ ગુમાવવાની ઘટનાઓને ફક્ત હોસ્પિટલની બેદરકારી ગણાવી શકાય નહીં. તે આપણી માતૃત્વ આરોગ્ય સંભાળ માળખામાં પ્રણાલીગત ખામીઓને ઉજાગર કરે છે, જેમાં પાયાના સ્તરથી લઈને મેડિકલ કોલેજો સુધીનો સમાવેશ થાય છે. તેમના મતે, પ્રશ્ન એ છે કે ઉચ્ચ જોખમ ધરાવતી ગર્ભાવસ્થાને ઓળખવા, તેમનું નિરીક્ષણ કરવા અને તેમને સમયસર મોટી હોસ્પિટલોમાં રીફર કરવાની સિસ્ટમ પ્રભાવી કેમ ન રહી. આ મહિલાઓની સારવાર કરવામાં આવતી હોસ્પિટલો અંગે, એ તપાસવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે શું બધા સ્થાપિત પ્રોટોકોલ અને પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું, શું ત્યાં પૂરતા નિષ્ણાત ડૉક્ટરો, નર્સો અને અન્ય આરોગ્યસંભાળ કર્મચારીઓ હતા, અને દર્દીઓને ગુણવત્તાયુક્ત દવાઓ પૂરી પાડવામાં આવી હતી કે કેમ.

તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે જો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને મોટી હોસ્પિટલો સુધીની આરોગ્યસંભાળ વ્યવસ્થા મજબૂત હોત, તો ઘણી મહિલાઓના જીવન બચાવી શકાઈ હોત અને ગંભીર આરોગ્ય ગૂંચવણો અટકાવી શકાઈ હોત. સૌથી ચિંતાજનક વાત એ છે કે આ ઘટનાઓની તપાસ માટે રચાયેલી નિષ્ણાત સમિતિઓ, જેમાં AIIMS દિલ્હીની ટીમનો પણ સમાવેશ થાય છે તેમના અહેવાલો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. પચૌલીએ માંગ કરી હતી કે સરકાર પારદર્શિતા દર્શાવે અને આ અહેવાલો જાહેર કરે જેથી મૃત્યુના સાચા કારણો જાહેર થઈ શકે, જવાબદારી સ્થાપિત થઈ શકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.

About The Author

Related Posts

Top News

3 દિવસ પહેલા iPhone 18 Pro ખરીદ્યો, રિક્ષામાં બેઠેલી મહિલા પાસેથી બદમાશોએ ઝૂંટવી લીધો

નવો iPhone ખરીદવાની ખુશીના ફક્ત 3 દિવસમાં જ, એક યુવતીએ એક એવી ઘટનાનો સામનો કરવો પડ્યો જેણે તેના પરિવારને...
National 
3 દિવસ પહેલા iPhone 18 Pro ખરીદ્યો, રિક્ષામાં બેઠેલી મહિલા પાસેથી બદમાશોએ ઝૂંટવી લીધો

AIએ પોલીસ ફરિયાદ લખવામાં મદદ કરી, પછી બાઇકરે માફી માંગી, પણ પૈસા...

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે ફક્ત પ્રશ્નોના જવાબ આપવા કે કન્ટેન્ટ બનાવવા સુધી મર્યાદિત નથી. લોકો તેનો ઉપયોગ રોજિંદા જીવનના...
National 
AIએ પોલીસ ફરિયાદ લખવામાં મદદ કરી, પછી બાઇકરે માફી માંગી, પણ પૈસા...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 23-09-2026 દિવસ: બુધવાર મેષ: યોગ્ય દિશામાં પ્રયત્નો ચાલુ રાખવા, દરેક કામગીરીનું ફળ મળતું દેખાય, ધાર્મિકતા બાજુ વળશો. વૃષભ: આત્મવિશ્વાસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.