- National
- બંગાળની ખાડીમાં નવા ચક્રવાતનું સંકટ: આગામી 48 કલાક નિર્ણાયક
બંગાળની ખાડીમાં નવા ચક્રવાતનું સંકટ: આગામી 48 કલાક નિર્ણાયક
આઈએમડી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર એરિયા આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની અને વધુ મજબૂત બનવાની શક્યતા દર્શાવી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ અત્યંત મહત્વના રહેશે, કારણ કે આ સમય દરમિયાન જ નક્કી થશે કે સિસ્ટમ કેટલો તીવ્ર સ્વરૂપ ધારણ કરશે અને તેની અસર કયા રાજ્યો પર વધુ પડશે.
આ સંભવિત ચક્રવાતી સિસ્ટમને કારણે અંડમાન-નિકોબાર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓડિશાના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે જોરદાર પવનો ફૂંકાવાની આશંકા છે. જો સિસ્ટમ ઊંડા લો પ્રેશર અથવા ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તો સમુદ્રમાં ઉથલપાથલ વધશે અને લહેરોની ઊંચાઈમાં પણ વધારો જોવા મળશે. તેથી માછીમારોને અગાઉથી જ દરિયામાં ન ઉતરવાની ચેતવણી આપવામાં આવી છે.
આઈએમડીએ સ્પષ્ટ કર્યું છે કે સિસ્ટમ હજી શરુઆતી અવસ્થામાં છે, પરંતુ હવામાન મોડલ્સ દર્શાવે છે કે બંગાળની ખાડીના ઉષ્ણ પાણીમાંથી ઊર્જા મળતા તેનો બલ વધારો થઈ શકે છે. નવેમ્બર મહિનામાં અહીં થતા ચક્રવાતો સામાન્ય રીતે ઝડપથી શક્તિશાળી બનતા હોવાથી સતર્કતા વધારે જરૂરી બની છે.
તાજેતરના ચક્રવાતો પણ દર્શાવે છે કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ઘણી વખત થોડા જ કલાકોમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આઈએમડીએ રાજ્યોને આગોતરી તૈયારી મજબૂત કરવાની સલાહ આપી છે. 22 નવેમ્બરના રોજ બનેલી આ સિસ્ટમ અંગે આગામી 24 થી 48 કલાકમાં મહત્વપૂર્ણ નિર્ણાયક સંકેતો મળશે.
આઈએમડીનું કહેવું છે કે આ સંભવિત તોફાન અંગે ટૂંક સમયમાં વધુ અપડેટ જાહેર કરવામાં આવશે. હાલમાં સમગ્ર દેશની નજર બંગાળની ખાડીમાં વિકસતી આ નવી આબોહવાની સિસ્ટમ અને તેની સંભાવિત અસર પર ટકી છે.

