- National
- હવે ટ્રેનના સ્લીપર કોચમાં પણ મળશે બેડશીટ-ઓશિકું, આટલા રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવા પડશે
હવે ટ્રેનના સ્લીપર કોચમાં પણ મળશે બેડશીટ-ઓશિકું, આટલા રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવા પડશે
ટ્રેનના મુસાફરો માટે એક સારા સમાચાર છે. સ્લીપર કોચમાં મુસાફરી કરતા મુસાફરોને હવે AC કોચની જેમ જ બેડરોલની સુવિધા મળશે. હા, તમે બરાબર સાંભળ્યું! હવે જો તમે સ્લીપર કોચમાં મુસાફરી કરો છો, તો પણ તમને બેડશીટ (ચાદર), ઓશીકું અને તેનું કવર મળશે. બેડરોલ સંપૂર્ણપણે સ્વચ્છ, સેનિટાઇઝ્ડ અને ઉપયોગ માટે તૈયાર હશે. આને ભારતીય રેલ્વે દ્વારા એક અનોખી પહેલ બતાવવામાં આવી રહી છે, અને સોશિયલ મીડિયા પર મુસાફરો તરફથી પ્રશંસા પણ મળી રહી છે. અત્યાર સુધી, બેડરોલ સેવાઓ ફક્ત AC કોચ (3AC), 2AC અને ફર્સ્ટ ક્લાસમાં જ આપવામાં આવતી હતી. હવે, આ સેવા નોન-AC કોચમાં પણ આપવામાં આવશે. જો કે, આ સેવા માંગણી કરવા પર અને પૈસા ચૂકવવા પર હશે. આનો અર્થ એ છે કે, મુસાફરો દ્વારા માંગણી કરીને તેની નિર્ધારિત રકમ ચુકાવવાથી બેડરોલ આપવામાં આવશે.
હાલમાં દક્ષિણ ભારતમાં સ્લીપર ક્લાસમાં બેડરોલ સેવા ચાલી રહી છે. દક્ષિણ રેલવેના ચેન્નાઈ ડિવિઝને સ્લીપર ક્લાસના મુસાફરો માટે મુસાફરીને અનુકૂળ અને આરામદાયક બનાવવા માટે આ પગલું ભર્યું છે. દક્ષિણ રેલવેએ જાહેરાત કરી છે કે, 1 જાન્યુઆરી, 2026 થી ચેન્નાઈ ડિવિઝનમાં પસંદગીની ટ્રેનોમાં સેનિટાઇઝ્ડ, રેડી-ટુ-યુઝ બેડરોલની માંગ કરવા પર, ચુકવણી પર સેવા શરૂ કરવામાં આવશે.
પાયલોટ પ્રોજેક્ટ તરીકે, ચેન્નાઈ ડિવિઝને 2023-24માં ન્યૂ ઇનોવેટિવ નોન-ફેર રેવન્યુ આઇડિયાઝ સ્કીમ (NINFRIS) હેઠળ સ્લીપર ક્લાસના મુસાફરો માટે બેડરોલ સેવા શરૂ કરી હતી. મુસાફરોએ આ સેવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. પ્રતિસાદને જોતાં, દક્ષિણ રેલવેએ તેને કાયમી બનાવવાનો નિર્ણય લીધો. રેલ્વે હવે કાયમી, નોન-ફેર રેવન્યુ સેવા તરીકે સ્લીપર કોચમાં બેડરોલ સેવા લાગુ કરવા જઈ રહી છે.
મોટી સંખ્યામાં લોકો ટ્રેનોમાં મુસાફરી કરે છે, જેમની પાસે AC ક્લાસમાં મુસાફરી કરાવી પરવડી શકે એમ નથી અથવા કોઈ મજબૂરી અથવા કટોકટીને કારણે સ્લીપર કોચમાં મુસાફરી કરવાની ફરજ પડે છે. બેડરોલના અભાવે, સ્લીપર ક્લાસના મુસાફરોને પોતાના બેડરોલ વહન કરવા પડતા હતા, જેના કારણે તેમનો સામાન ભારે થઇ જતો હતો. હવે, તેમને પોતાની ચાદર, ઓશીકું વગેરે તેમની સાથે રાખવાની જરૂર રહેશે નહીં. શિયાળાની મુસાફરી દરમિયાન, તેઓ પૈસા આપીને ચાદર અને ઓશિકા માટે માંગણી કરી શકશે. તેઓ કવર લાગેલા ઓશિકા લઇ શકશે. આ સેવાઓ માટે એક ફી નક્કી કરવામાં આવી છે.
એક બેડશીટ: રૂ. 20, એક ઓશીકું અને ઓશિકાનું કવર: રૂ. 30, બેડશીટ, એક ઓશીકું અને ઓશિકાનું કવર: રૂ. 50
https://twitter.com/DrmChennai/status/1994337770823667911
સ્લીપર ક્લાસમાં બેડરોલ સેવાઓ પૂરી પાડવા માટે, એક લાઇસન્સ પ્રાપ્ત એજન્સી સમગ્ર બેડરોલની ખરીદી, મશીનમાં ધોલાઈ, પેકિંગ, લોડિંગ, વિતરણ અને સંગ્રહનું સંચાલન કરશે. આ સેવા રેલવેને ત્રણ વર્ષના સમયગાળા માટે રૂ. 28,27,653ની વાર્ષિક લાઇસન્સ ફી ચૂકવશે. પ્રારંભિક તબક્કામાં, આ સેવા ચેન્નાઈ વિભાગની 10 ટ્રેનો પર ઉપલબ્ધ થશે.
નીલગિરિ સુપરફાસ્ટ એક્સપ્રેસ (12671/12672/નીલગિરિ સુપરફાસ્ટ એક્સપ્રેસ), મેંગલોર સુપરફાસ્ટ એક્સપ્રેસ (12685/12686/મેંગલોર સુપરફાસ્ટ એક્સપ્રેસ), મન્નારગુડી એક્સપ્રેસ (16179/16180/મન્નારગુડી એક્સપ્રેસ), તિરુચેન્દુર સુપરફાસ્ટ એક્સપ્રેસ (20605/20606/તિરુચેન્દુર સુપરફાસ્ટ એક્સપ્રેસ), પાલઘાટ એક્સપ્રેસ (22651/22652/પાલઘાટ એક્સપ્રેસ), સિલમ્બુ સુપરફાસ્ટ એક્સપ્રેસ (20681/20682/સિલમ્બુ સુપરફાસ્ટ એક્સપ્રેસ), તાંબરમ-નાગરકોઇલ સુપરફાસ્ટ (22657/22658/તાંબરમ-નાગરકોઇલ સુપરફાસ્ટ એક્સપ્રેસ), તિરુવનંતપુરમ સુપરફાસ્ટ (12695/12696/ત્રિવેન્દ્રમ સુપરફાસ્ટ એક્સપ્રેસ), અલેપ્પી સુપરફાસ્ટ (22639/22640/એલેપ્પી સુપરફાસ્ટ એક્સપ્રેસ), મેંગલોર એક્સપ્રેસ (16159/16160/મેંગલોર એક્સપ્રેસ).
સ્લીપર કોચમાં બેડરોલ સેવાઓ શરૂ થવાથી મુસાફરો માટે આરામદાયક મુસાફરી સુનિશ્ચિત થશે. તેમના માટે સ્વચ્છ અને આરોગ્યપ્રદ બેડરોલનો ઉપયોગ તેમના ખિસ્સાને પોસાય તેવો રહેશે. આ સેવા રેલવે માટે વધારાની આવક પણ ઉભી કરશે.

