- National
- આ ગામમાં લોકો અચાનક બનાવવા માંડ્યા નવા નકલી ઘરો, ઘરમાં ન બારી-ન દરવાજા, કારણ છે પૈસા...
આ ગામમાં લોકો અચાનક બનાવવા માંડ્યા નવા નકલી ઘરો, ઘરમાં ન બારી-ન દરવાજા, કારણ છે પૈસા...
-copy35.jpg)
મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં કોલસા કંપની પાસેથી વળતર મેળવવા માટે હજારો નકલી ઘરો બનાવવામાં આવ્યા છે. જે ઘરોમાં દરવાજા કે બારીઓ નથી. જ્યાં પાણી કે રસ્તો પહોંચતો નથી. પરંતુ તેમ છતાં પણ, આજુબાજુના રાજ્યોના લોકો તેમજ વિદેશમાં રહેતા લોકો અહીં ઘરો બનાવી રહ્યા છે. ફક્ત ઔપચારિકતા પૂર્ણ કરવા માટે, ચાર દિવાલો ઉભી કરવામાં આવી છે અને તેના પર કોંક્રિટની છત બનાવવામાં આવી રહી છે. જેથી કોલસા કંપની પાસેથી વળતર મેળવી શકાય.

સિંગરૌલીનું બંધા ગામ કોલસા બ્લોક માટે ફાળવવામાં આવ્યું છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, 14 જૂન, 2021ના રોજ એક સૂચના બહાર પાડવામાં આવી હતી, જેમાં બિરલા ગ્રુપ કંપની એસ્સેલ માઇનિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (EMIL) માટે બંધા કોલસા બ્લોકની જમીન માટે સીમાંકન આદેશ બહાર પાડવામાં આવ્યો હતો.
સૂચના પછી કરવામાં આવેલા પ્રથમ વસ્તી અંદાજમાં દર્શાવવામાં આવ્યું હતું કે, કોલસા બ્લોક માટે નિર્ધારિત વિસ્તારમાં 550 પરિવારો હતા.

આ પછી, 12 મે, 2022ના રોજ, જિલ્લા કલેક્ટરે કલમ 11 લાગુ કરી, જેના પછી આ વિસ્તારમાં નવા બાંધકામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

11 એપ્રિલ, 2023ના રોજ, 4,784 માળખાઓને પુનર્વસન માટે સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી, જેનાથી તેઓ વળતર માટે પાત્ર બન્યા હતા. 2,300 કરોડ રૂપિયાના 'ગ્રીનફિલ્ડ કોમર્શિયલ કોલ માઇનિંગ પ્રોજેક્ટ' માટે રહેવાસીઓને વિસ્થાપિત કરવાના હતા. આ માટે જ વળતર આપવાનું હતું.
8 જૂન, 2024ના રોજ, EMILએ સિંગરૌલી જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો અને કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં વિસંગતતાઓનો આરોપ લગાવ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'બંધા ગામમાં મિલકતોના નિરીક્ષણ દરમિયાન, વિસંગતતાઓ જોવા મળી હતી. રેકોર્ડમાં નોંધાયેલા કેટલાક મકાનો સ્થળ પર જોવા મળ્યા ન હતા, અને બાંધકામ હેઠળના અધૂરા મકાનોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જ્યાં કલમ 11ના અમલીકરણ પછી ગેરકાયદેસર રીતે જમીન સંપાદન લાભ મેળવવાના હેતુથી બાંધકામ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.'

8 નવેમ્બર, 2024ના રોજ, કલેક્ટરે આ મકાનોના બાંધકામમાં કથિત અનિયમિતતાઓની તપાસ માટે 20 સભ્યોની ટીમની રચના કરી.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, એક ઘરના માલિક પ્રમોદ કુમારે દાવો કર્યો હતો કે, તે બનાવવા માટે તેમણે 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. ઘરમાં દરવાજા, બારીઓ અને પાણીની વ્યવસ્થા નથી. તેમણે કહ્યું, 'મેં મારા બાળકો માટે આ ઘર એ આશાથી બનાવ્યું હતું કે મને કંઈક વળતર મળશે. કોઈએ મને કહ્યું નહીં કે તે ગેરકાયદેસર છે.'
એક દૈનિક અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, તપાસમાં જાણવા મળ્યું છે કે, સિંગરૌલી ઉપરાંત મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓના લોકો અહીં ઘર બનાવી રહ્યા છે. એટલું જ નહીં, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન જેવા મધ્યપ્રદેશની આસપાસના રાજ્યોના લોકો પણ વળતર મેળવવા માટે અહીં નકલી મકાનો બનાવી રહ્યા છે. કેટલાક નામો એવા પણ છે કે જે, ભારતની બહાર યુક્રેન અને કેનેડામાં રહે છે. તેના નામે અહીં નકલી ઘરો પણ બનાવવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, સ્થાનિક મિલકત દલાલો લોકોને જમીન ખરીદવાનું કહે છે અને પછી મકાનોનું અડધું બાંધકામ કરીને પણ આપી દે છે, આના બદલામાં તેઓ કમિશન પણ લે છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, સ્થાનિક બિલ્ડર કમલેશ પ્રસાદ (31) છેલ્લા બે વર્ષમાં 30થી વધુ ઘરો બનાવ્યા હોવાનો દાવો કરે છે. બિલ્ડર કમલેશ પ્રસાદે બતાવ્યું કે, 'દરવાજા અને બારીઓ વગરનું એક રૂમનું ઘર એક અઠવાડિયામાં 1 લાખ રૂપિયામાં બનાવી શકાય છે. ત્રણ રૂમના ઘરની કિંમત 5 લાખ રૂપિયા છે અને ઘણા રૂમોવાળા એક એકરનું મોટું ઘર, જેને 'VIP હાઉસ' કહેવાય છે, તેની કિંમત 15 લાખ રૂપિયાથી વધુ છે અને તેને બનાવવામાં એક વર્ષથી વધુ સમય લાગી શકે છે.'
હાલમાં, આ ઘરો હવે જિલ્લા વહીવટીતંત્રની દેખરેખ હેઠળ છે. કોલસા કંપનીના વાંધો ઉઠાવ્યા પછી, કલેક્ટરે બંધા ગામમાં બનેલા 3362 મકાનોને ગેરકાયદેસર જાહેર કર્યા છે. 14 જૂન, 2021 પછી થયેલા તમામ બાંધકામોને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા છે. કલેક્ટર ચંદ્રશેખર શુક્લાએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર મકાનોને વળતર યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આવા 3362 ઘરોની ઓળખ કરવામાં આવી છે.
Top News
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Opinion
