- National
- શું દેશના આ રાજ્યમાં આવવાનો છે મોટો ભૂકંપ? વૈજ્ઞાનિકોને કેમ સતાવી રહી છે ચિંતા
શું દેશના આ રાજ્યમાં આવવાનો છે મોટો ભૂકંપ? વૈજ્ઞાનિકોને કેમ સતાવી રહી છે ચિંતા
ગઇકાલે જ રશિયામાં 8.8 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેણે ફરી એક વખત ભૂકંપના જોખમોને ચર્ચામાં આવી દીધા છે. વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી ચેતવણી આપી છે કે, હિમાલયનો ક્ષેત્ર, ખાસ કરીને ઉત્તરાખંડ, ભૂકંપની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. છેલ્લા લગભગ 500 વર્ષમાં ઉત્તરાખંડમાં કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી, જેના કારણે વૈજ્ઞાનિકો તેને સેન્ટ્રલ સિસ્મિક ગેપ કહે છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ વૈજ્ઞાનિક અને એશિયન સિસ્મોલોજિકલ કમિશન, સિંગાપુરના પૂર્વ અધ્યક્ષ ડૉ. પરમેશ બેનર્જીના મતે ઉત્તરાખંડ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારતના વિસ્તારો ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ છે. છેલ્લા 500-600 વર્ષોમાં આ ક્ષેત્રમાં, ખાસ કરીને ઉત્તરાખંડમાં, કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી.
આ ભૂકંપો છતા વૈજ્ઞાનિકોનું માનવું છે કે, પૃથ્વીની અંદર સંગ્રહિત ભૂકંપીય ઊર્જાનો માત્ર 5-6 ટકા જ હિસિસો નીકળી શક્યો છે. કાંગડાથી નેપાળ-બિહાર સીમા સુધી ફેલાયેલા સેન્ટ્રલ સિસ્મિક ગેપમાં ભારે માત્રામાં ઊર્જા જમા થઈ રહી છે. ઉત્તરાખંડ ભૂકંપ ઝોન 4 અને 5 માં આવે છે, જે ઉચ્ચ જોખમી ક્ષેત્રો છે. ઉત્તરકાશી (ભટવારી), રુદ્રપ્રયાગ, ચમોલી અને પિથોરાગઢ જેવા ક્ષેત્રોમાં ઘણી વખત નાના ભૂકંપના ઝટકા અનુભવાય છે. જોકે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નાના ભૂકંપનો અર્થ એ નથી કે મોટો ભૂકંપ નહીં આવે. નાના ભૂકંપ જમા ઊર્જાને પૂરી રીતે રીલિઝ નથી કરી શકતા અને આ ઊર્જાને કાઢવા માટે 7 કે 8 રિક્ટર સ્કેલથી વધુની તીવ્રતાનો ભૂકંપ જરૂરી છે.
ડૉ. બેનર્જીના મતે, ઉત્તર-પશ્ચિમ હિમાલય, ખાસ કરીને ઉત્તરાખંડમાં ભૂકંપીય ઊર્જા સતત જમા થઈ રહી છે. આ ક્ષેત્રમાં 7 કે 8 રિક્ટર સ્કેલથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવવાનું લગભગ નિશ્ચિત છે, પરંતુ તેનો સમય બતાવવો મુશ્કેલ છે. આ ભૂકંપ જ્યારે પણ આવશે, ત્યારે તે ઉત્તરાખંડ, સિક્કિમ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારે તબાહી મચાવી શકે છે. તેનું કારણ યુરેશિયન પ્લેટ અને ઇન્ડિયન પ્લેટ વચ્ચે સતત ટકરાવ છે, જે હિમાલય ક્ષેત્રમાં ભૂકંપીય ગતિવિધિઓને વધારે છે. ઉત્તરાખંડની માટી અને જમીનની સંરચના ઢીલી થવાને કારણે ભૂકંપનો પ્રભાવ વધુ વિનાશકારી હોઈ શકે છે. દિલ્હીમાં ખડકો અને જમીન અપેક્ષાકૃત મજબૂત છે. એટલે ત્યાં મોટા ભૂકંપની શક્યતા ઓછી છે.
જો કે, જો હિમાલય ક્ષેત્રમાં મોટો ભૂકંપ આવે છે, તો તેના ઝટકા દિલ્હીમાં પણ અનુભવી શકાય છે. સેન્ટ્રલ સિસ્મિક ગેપને કારણે ઉત્તરાખંડ અને હિમાલય ક્ષેત્રમાં ભૂકંપનો સતત ભય રહે છે. નાના ભૂકંપ આ ભયને ઓછો કરતા નથી, પરંતુ સંકેત આપે છે કે જમા ઊર્જા છોડવા માટે મોટો ભૂકંપ જરૂરી છે. વૈજ્ઞાનિકોની ચેતવણી મુજબ, આ ક્ષેત્રમાં ભૂકંપથી બચાવ અને તૈયારી માટે નક્કર પગલાં લેવાની જરૂરિયાત છે, જેથી સંભવિત તબાહી ઓછી કરી શકાય.

