- Governance
- ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય
ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય
જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈને તમે પરેશાન હોવ, તો હવે તમારા માટે રાહતના સમાચાર છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોના હિતમાં એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. રાજ્યના જે ગામોમાં જમીનની માપણી (પ્રમોલગેશન) બાદ ક્ષતિઓ રહી ગઈ છે, તે સુધારવા માટે હવે સમગ્ર રાજ્યમાં 'ભૂમિ સીમાંકન' નામની એકસમાન પદ્ધતિ અમલી બનાવવામાં આવશે.
આ નિર્ણયથી ખેડૂતોની વાંધા અરજીઓનો ઝડપી અને પારદર્શક ઉકેલ આવશે, જેનાથી 'ગુડ ગવર્નન્સ' અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને નવો વેગ મળશે.
જિલ્લા કક્ષાએ 'ભૂમિ સીમાંકન સમિતિ'ની રચના
મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આદેશ આપ્યો છે કે દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં એક વિશેષ સમિતિ બનાવવામાં આવે. આ સમિતિ જમીન માપણી અને ક્ષતિ સુધારણાની કામગીરી પર સીધી દેખરેખ રાખશે. આ સમિતિમાં નીચે મુજબના અધિકારીઓનો સમાવેશ થશે:
- નિવાસી અધિક કલેક્ટર અને જમીન દફતરના નાયબ નિયામક (SLR)
- પ્રાંત અધિકારી અને DILR
- મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO)
- જમીન સંપાદન અધિકારી અને સરદાર સરોવર પુન:વસવાટ એજન્સીના પ્રતિનિધિ
અરજીઓના વર્ગીકરણ માટે 7 કેટેગરી નક્કી કરાઈ
જમીન માપણીમાં રહેલી ભૂલોના વ્યવસ્થિત નિકાલ માટે મહેસૂલ વિભાગે અરજીઓને 7 અલગ-અલગ શ્રેણીમાં વહેંચી છે:
| શ્રેણી | વિગત |
| શ્રેણી-1 | સરકારી કે જાહેર હિતની જમીન ઘટી ન હોય અને કોઈ વાંધો ન હોય. |
| શ્રેણી-2 | સરકારી જમીન સુરક્ષિત હોય અને ખાતેદારને પણ કોઈ સમસ્યા ન હોય. |
| શ્રેણી-3 | સરકારી જમીન ઘટી ન હોય, પરંતુ વાંધા અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ હોય. |
| શ્રેણી-3A | સરકારી જમીન ઘટી ગઈ હોય અને વાંધા અરજીઓ પણ પેન્ડિંગ હોય. |
| શ્રેણી-4 | ગામના 30% થી વધુ સરવે નંબરોમાં કબજા ફેરફાર (અવલ-દવલ) થયો હોય. |
| શ્રેણી-5 | ગામના વાંધાઓ માત્ર કોઈ એક ચોક્કસ વિસ્તાર પૂરતા જ મર્યાદિત હોય. |
| શ્રેણી-6 | 30% થી વધુ નંબરોના ક્ષેત્રફળ અને આકૃતિમાં મોટો ફેરફાર હોય અથવા પ્રમોલગેશન જ ન થયું હોય. |
'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ' દ્વારા સ્થળ પર જ નિકાલ
આ નિર્ણયની સૌથી મહત્વની બાબત એ છે કે હવે ખેડૂતોએ કચેરીએ જવાની જરૂર નહીં પડે. મુખ્યમંત્રીએ TDO અને મામલતદારોને વધુ સત્તા આપી છે. હવે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ' બનાવવામાં આવશે, જે ગુજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ 119, 120 અને નિયમ 21 મુજબ સીધા ખેતર કે સ્થળ પર જઈને કાયદેસરની કાર્યવાહી કરી પ્રશ્નનો નિકાલ લાવશે.
સરકારે કહ્યું હતું કે, આ નવી વ્યવસ્થાથી લોકોના સમય અને શક્તિની બચત થશે અને વહીવટી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે.

