- National
- 20 હજારના પગારમાં ખરીદી દોઢ કરોડની જમીન! રામ મંદિરમાં દાનની રકમ ગણનારા બે કર્મચારીઓ આ રીતે રડાર પર આ...
20 હજારના પગારમાં ખરીદી દોઢ કરોડની જમીન! રામ મંદિરમાં દાનની રકમ ગણનારા બે કર્મચારીઓ આ રીતે રડાર પર આવ્યા
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં દરરોજ લાખો ભક્તો આવે છે અવને ભગવાન રામ માટે પૈસા, ઘરેણાં અને અન્ય વસ્તુઓ ચઢાવે છે. આ દાન મંદિરની દાન પેટીઓમાં એકત્રિત કરવામાં આવે છે. આ પેટીઓમાંથી પૈસા કાઢવા અને ગણવાનું કામ કેટલાક કર્મચારીઓને સોંપવામાં આવ્યું હતું. હવે આરોપો છે કે આ જ કર્મચારીઓએ ભક્તોના દાનમાંથી કરોડો રૂપિયાની ચોરી કરી હતીઆ મામલો એટલે ખૂબ મોટો થઇ ગયો કારણ કે આ કર્મચારીઓનો પગાર માત્ર ₹18-20 હજાર હતા. તેમણે કરોડોની જમીન અને પ્લોટ ખરીદ્યા. બસ અહીંથી આખા મામલાનો પર્દાફાશ ખુલ્યો, અને હવે SITની તપાસ ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રામ મંદિરના દાન અંગે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યા બાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો. અખિલેશ યાદવ આ મુદ્દો પ્રકાશમાં લાવનારા સૌપ્રથમ લોકોમાંના એક હતા. તેમણે આ મુદ્દો ઉઠાવ્યા પછી જ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો, જેના કારણે તપાસની માંગ અને ત્યારબાદ કાર્યવાહી શરૂ થઈ હતી. શનિવારે તેમણે X પર લખ્યું કે, ‘આ ષડયંત્રનું મૂળ દૂર નથી,’ એટલે કે વાસ્તવિક કાર્યવાહી કરવા માટે દૂર જવાની જરૂર નથી. જો પોલીસ દોષિતોને ઓળખવામાં અસમર્થ હોય, તો અમે મદદ કરી શકીએ છીએ.’
રામ મંદિરમાં દાનની ગણતરી કરવાનું કામ કેટલાક ખાસ કર્મચારીઓને સોંપવામાં આવ્યું હતું. આ એક ખૂબ જ જવાબદારીપૂર્વકનું કામ હતું, કારણ કે હજારો ભક્તો દરરોજ દાન આપે છે. જોકે, કર્મચારીઓની આવક અને તેમની સંપત્તિ વચ્ચેના વિશાળ તફાવતને કારણે તપાસ એજન્સીઓને શંકા ગઈ. એક કર્મચારીએ આશરે ₹1.5 કરોડની જમીન ખરીદી, અને બીજા કર્મચારીએ લગભગ ₹40 લાખનો પ્લોટ ખરીદ્યો. જોકે બંને માત્ર ₹18,000 થી ₹20,000 માસિક પગાર મેળવતા હતા. આ વિસંગતતા જોઇને તપાસ શરૂ થઇ. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના કારણે આ મામલો રાજ્યભરમાં ચર્ચામાં રહ્યો.
લવકુશ મિશ્રા કોણ છે અને તે શા માટે ચર્ચામાં છે?
આ સમગ્ર મામલામાં સૌથી પહેલું નામ લવકુશ મિશ્રાનું હતું. આ યુવાન અયોધ્યા નજીક રુદૌલીના શુજાગંજ વિસ્તારના મીનાપુર ફગૌલી ગામનો રહેવાસી છે. તેની જવાબદારી રામ મંદિરમાં દાનપેટીઓમાંથી પૈસા કાઢવા અને ગણવાની હતી. તપાસ ટીમ તેના ઘરે પહોંચી ત્યારે તેમને ત્યાંથી ₹10 લાખ રોકડા મળ્યા. તેમાંથી કેટલાક પૈસા કબાટમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક પૈસા છાણના ઢગલામાં છુપાવી રાખ્યા હતા. ગ્રામજનોએ એ પણ જણાવે છે કે રામ મંદિરમાં નોકરી મળ્યા પછી લવકુશની આર્થિક સ્થિતિમાં નાટ્યાત્મક સુધારો થયો હતો.
પોતાના પુત્રનો બચાવ કરતા લવકુશના પિતા બચ્ચુલાલે આગ્રહ કર્યો કે તેમનો પુત્ર સંપૂર્ણપણે નિર્દોષ છે. તેમણે સ્વીકાર્યું કે ઘરમાંથી ₹10 લાખ મળી આવ્યા હતા પરંતુ આ પૈસા તેમની ખેતીની જમીન ગીરવે મૂકીને એકઠા કરવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તેમના પુત્રનો ફૈઝાબાદમાં હાલમાં નિર્માણાધીન ઘર સાથે કોઈ સંબંધ નથી.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ લવકુશ મિશ્રાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. તેઓ પૈસાની ગણતરી પ્રક્રિયામાં તેની ચોક્કસ ભૂમિકા અને ભંડોળનો દુરુપયોગ કેવી રીતે થયો તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. તપાસ ટીમમાં 6 સભ્યોનો સમાવેશ થાય છે બે ગણવેશધારી પોલીસ અધિકારીઓ હતા અને ચાર સાદા વસ્ત્રોમાં હતા. તેમણે લવકુશના નિવાસસ્થાનની તપાસ કરી અને રોકડ રકમ જપ્ત કરી. શંકાના આધારે અન્ય એક કર્મચારીની પણ અટકાયત કરવામાં આવી છે અને હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
તપાસ એજન્સીઓ મંદિર પરિસરમાંથી CCTV ફૂટેજની બારીકાઈથી તપાસ કરી રહી છે. તેની સાથે જ, નાણાકીય રેકોર્ડ એટલે કે હિસાબ-કિતાબનું સંપૂર્ણ ઓડિટ કરવામાં આવી રહ્યું છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કેસની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાની માંગ કરી. આ માંગ યોગી સરકારે એક SIT ની રચના કરી છે. લખનૌના વિભાગીય કમિશનર વિજય વિશ્વાસ પંતને આ SITના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IPS અધિકારી કિરણ એસ. અને વિશેષ સચિવ (નાણા) નીલ રતનને તેના સભ્ય બનાવવામાં આવ્યા છે. SITએ 7 દિવસમાં પ્રારંભિક અહેવાલ રજૂ કરવાનો છે અને 15 દિવસમાં સરકારને અંતિમ અહેવાલ સોંપવાનો રહેશે.
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ પાંચ દિવસમાં બીજી વખત અયોધ્યાની મુલાકાત લીધી. તેમણે મંદિર સ્થળ પર ચાલી રહેલા બાંધકામ કાર્યની સમીક્ષા કરી. દાનની કથિત ચોરી વિશે પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેમની જવાબદારી બાંધકામ કાર્યની દેખરેખ રાખવા સુધી મર્યાદિત છે અને તેઓ આ બાબતે કોઈ ટિપ્પણી કરશે નહીં.
ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટે તપાસ શરૂ કરી છે અને તેના નિયમો અનુસાર જરૂરી પગલાં લેવામાં આવશે. કોઇ પણ ભક્તની શ્રદ્ધા સાથે ચેડા થવા દેવામાં આવશે નહીં. ભૂતપૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા વિનય કટિયારે આ બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે રામ મંદિર લાખો લોકોના સંઘર્ષ અને બલિદાનનું પ્રતિક છે. મંદિર આંદોલન દરમિયાન હજારો કાર્યકરો જેલમાં ગયા હતા, અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહે પણ પોતાનું પદ છોડી દીધું હતું. એવામાં, મંદિર સંબંધિત કોઈપણ ભ્રષ્ટાચાર સહન કરવામાં નહીં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ SSP અને DIGને આવેદન આપીને દોષિતોની ધરપકડ અને જેલ મોકલવાની માંગ કરવામાં આવશે.
અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રામ મંદિરના પ્રસાદ અંગે ભ્રષ્ટાચારનો મુદ્દો જાહેરમાં ઉઠાવ્યો હતો. તેઓ આ મામલો પ્રકાશમાં લાવનારા સૌપ્રથમ લોકોમાંના એક હતા. તેમણે મુદ્દો ઉઠાવ્યા પછી આ મામલો તેજીથી ચર્ચામાં આવ્યો; ત્યારબાદ એક SITની રચના કરવામાં આવી હતી, અને હવે કાર્યવાહી ચાલી રહી છે.
સપાના નેતા અને અયોધ્યાના ભૂતપૂર્વ ધારાસભ્ય તેજ નારાયણ પાંડે ઉર્ફે પવન પાંડેએ જણાવ્યું હતું કે ટ્રસ્ટના વરિષ્ઠ પદાધિકારીઓએ નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે રામ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા મહિપાલ સિંહે અગાઉ પ્રસાદમાં અનિયમિતતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેને હળવાશથી લેવા જોઇતા નહોતા. તેમણે માંગ કરી હતી કે જો પદાધિકારીઓ ખરેખર નિર્દોષ હોય, તો તેમણે આગળ આવીને સ્વતંત્ર તપાસને સમર્થન આપવું જોઈએ.

