- National
- 'પતિ જીવતો હોવા છતાં મંગળસૂત્ર કાઢી નાંખવું એ માનસિક ક્રૂરતા સમાન...' હાઇ કોર્ટે છૂટાછેડાના આદેશને...
'પતિ જીવતો હોવા છતાં મંગળસૂત્ર કાઢી નાંખવું એ માનસિક ક્રૂરતા સમાન...' હાઇ કોર્ટે છૂટાછેડાના આદેશને માન્ય રાખ્યો
મદ્રાસ હાઇકોર્ટે ઠરાવ્યું કે હિન્દુ પત્ની દ્વારા મંગળસૂત્ર કાઢી નાંખવું એ તેના પતિ પ્રત્યે માનસિક ક્રૂરતા સમાન છે. કોર્ટે એક મહિલાની અરજીની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. ફાસ્ટ-ટ્રેક કોર્ટે પતિની અરજી પર ક્રૂરતાના આધારે છૂટાછેડા મંજૂર કર્યા હતા, જેને પત્નીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જસ્ટિસ P. વડામલાઈની સિંગલ બેન્ચે નીચલી કોર્ટના છૂટાછેડાના આદેશને માન્ય રાખ્યો.
મીડિયા સૂત્રના જણાવ્યા અનુસાર, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ P. વડામલાઈએ મંગળસૂત્ર દૂર કરવાના મુદ્દા પર ડિવિઝન બેન્ચના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'એ જાણીતી હકીકત છે કે, કોઈપણ પરિણીત હિન્દુ મહિલા તેના પતિ જીવિત હોય ત્યારે ક્યારેય તેની 'થાલી' (મંગળસૂત્ર) દૂર કરતી નથી. પત્નીના ગળામાં પહેરવામાં આવતી 'થાલી' એક પવિત્ર વસ્તુ છે, જે વિવાહિત જીવનની સાતત્યનું પ્રતીક છે, અને પતિના મૃત્યુ પછી જ તેને નીકાળવામાં આવે છે. તેથી, અરજદાર/પત્ની દ્વારા 'થાલી' દૂર કરવી એ ઉચ્ચતમ સ્તરની માનસિક ક્રૂરતાનું કૃત્ય ગણી શકાય, કારણ કે તેનાથી પ્રતિવાદી (પતિ)ને ભારે પીડા થઈ શકે છે અને લાગણીઓને ઠેસ પહોંચી શકે છે.'
દક્ષિણ ભારતમાં, મંગળસૂત્રને 'થાલી' કહેવામાં આવે છે. સુનાવણી દરમિયાન, પત્નીએ પોતે સ્વીકાર્યું કે, તેણે તેનું 'થાલી' (મંગળસૂત્ર) દૂર કર્યું છે. કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે, પત્નીએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોવાના પતિના આરોપને પણ ફગાવી શકાય નહીં.
હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, પત્ની દ્વારા તેના પતિ વિરુદ્ધ તેના ઉપરી અધિકારીઓને ફરિયાદો મોકલવી એ માનસિક ક્રૂરતા છે. આ સંજોગોમાં, કોર્ટે તારણ કાઢ્યું કે પતિએ ક્રૂરતા સફળતાપૂર્વક સાબિત કરી છે. આમ, હાઈકોર્ટે નીચલી અદાલતો દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાના હુકમને સમર્થન આપ્યું.
આ કેસ એક નિવૃત્ત લશ્કરી કર્મચારી અને તેની પત્નીનો છે. આ દંપતીએ 1977માં લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પતિના જણાવ્યા મુજબ, લગ્નની શરૂઆતથી જ, તેની પત્ની વારંવાર તેની સાથે ઝઘડો કરતી હતી, દાવો કરતી હતી કે તેના અનેક મહિલાઓ સાથે ગેરકાયદેસર સંબંધો હતા. તેણે આરોપ મુક્યો કે, તેની પત્ની તેનું જાહેરમાં અપમાન કરતી હતી.
તેણે એમ પણ કહ્યું કે પત્નીએ સેનામાં તેના ઉપરી અધિકારીઓને પત્રો મોકલ્યા હતા અને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, જેના માટે તેને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર પછી અપીલ કરવામાં આવતા આ સજા ઓછી કરવામાં આવી હતી.
પતિએ એમ પણ કહ્યું કે, તેની પત્નીએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને તેને ગંભીર માનસિક તકલીફ આપી હતી. તેણે દલીલ કરી હતી કે, તેની પત્ની તેને છોડી પણ ચાલી ગઈ હતી, અને તેઓ ફરીથી સાથે રહી શકે તેવી કોઈ શક્યતા નથી.
બીજી બાજુ, પત્નીએ તેના પતિ પર અન્ય સ્ત્રીઓ સાથે ગેરકાયદેસર સંબંધો રાખવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું કે જ્યારે તેણે આ અંગે તેણે પૂછ્યું, ત્યારે તેણે તેને અને બાળકોને ઘરમાં બંધ કરી દીધા અને ઘરમાં આગ લગાવી દીધી. તેણે આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી. પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, તેનો પતિ બીજી સ્ત્રી સાથે રહેવા લાગ્યો હતો અને તેની સાથે લગ્ન કરવાની પરવાનગી આપવા માટે તેના પર દબાણ કરી રહ્યો હતો.
અહેવાલ મુજબ, જ્યારે તેણે ના પાડી, ત્યારે પતિએ તેનો જમણો અંગૂઠો કાપી નાખ્યો. આ અંગે પુત્રએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી, જેના કારણે પિતા સજા થઇ હતી. ત્યારપછી, પતિએ નીચલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી.
કોર્ટે તેના પતિની અરજી સ્વીકારી અને છૂટાછેડા મંજૂર કર્યા. પત્નીએ નીચલી કોર્ટના નિર્ણયને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ (ફાસ્ટ ટ્રેક કોર્ટ)માં પડકાર્યો. જોકે, ફાસ્ટ ટ્રેક કોર્ટે પણ નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો. ત્યારપછી પત્નીએ મદ્રાસ હાઇકોર્ટમાં બીજી અપીલ દાખલ કરી, જેણે પણ છૂટાછેડાના નિર્ણયને માન્ય રાખ્યો.

