- National
- દેશ માટે કારગીલ યુદ્ધ લડનારા હકીમુદ્દીનના ઘરમાં ઘૂસી પોલીસ ભારતીય નાગરિક હોવાનો પુરાવો માંગે છે
દેશ માટે કારગીલ યુદ્ધ લડનારા હકીમુદ્દીનના ઘરમાં ઘૂસી પોલીસ ભારતીય નાગરિક હોવાનો પુરાવો માંગે છે
પુણેના ચંદનનગર વિસ્તારમાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કારગીલ યુદ્ધના એક ભૂતપૂર્વ સૈનિકના પરિવાર પર પોલીસ અને કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. તેમના પરિવારે ઉત્પીડનના ગંભીર આરોપો લગાવ્યા છે. આ મામલો 26 જુલાઈની રાત્રે પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે પરિવારને મોડી રાતે તેમની નાગરિકતા સાબિત કરવા દબાણ કરવામાં આવ્યું હતું.
આ ભૂતપૂર્વ સૈનિક કારગીલ યુદ્ધમાં લડી ચૂક્યો છે, અને પરિવારના બે અન્ય સભ્યો પણ 1965 અને 1971ના યુદ્ધોમાં સામેલ રહ્યા છે. પરિવારનું કહેવું છે કે, તે લોકોએ તેમને ધમકી આપી હતી અને તેમના ભારતીય નાગરિકતાના દસ્તાવેજો બતાવવા કહ્યું હતું, નહીં તો તેમને બાંગ્લાદેશી અથવા રોહિંગ્યા ઘુસણખોર જાહેર કરવામાં આવશે. રાત્રે 12 વાગ્યાની આસપાસ, ઘરના તમામ પુરુષ સભ્યોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને સવારે 3 વાગ્યા સુધી રહેવાનું કહેવામાં આવ્યું હતું. પરિવારે દાવો કર્યો છે કે, આ દરમિયાન તેમને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું.
એક પરિવારના સભ્યએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, 'અમને સવારે 3 વાગ્યા સુધી રાહ જોવા અને અમારી નાગરિકતા સાબિત કરવા માટે દસ્તાવેજો બતાવવાનું કહેવામાં આવ્યું હતું, આવું ન કરવા પર અમને ધમકી આપવામાં આવી હતી કે, અમને બાંગ્લાદેશ અથવા રોહિંગ્યાથી આવેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ જાહેર કરવામાં આવશે.'
બીજી તરફ, પુણે પોલીસ કમિશનર અમિતેશ કુમારે મંગળવારે જણાવ્યું હતું કે, 'વિસ્તારના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) આ મામલાની તપાસ કરી રહ્યા છે. જો પોલીસ તરફથી કોઈ બેદરકારી જણાશે, તો અમે સંબંધિત પોલીસકર્મીઓ સામે યોગ્ય કાર્યવાહી કરીશું.' તેમણે વધુમાં કહ્યું હતું કે, 'પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પોલીસકર્મીઓ બળજબરીથી ઘરમાં ઘૂસી ગયા ન હતા. જોકે, પરિવારે આ મામલે આરોપો લગાવ્યા છે. DCP આ દાવાઓની પુષ્ટિ કરી રહ્યા છે.'
જ્યારે, DCP (ઝોન IV) સોમય મુંડેએ જણાવ્યું હતું કે, 'વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા કેટલાક બાંગ્લાદેશી નાગરિકોની માહિતીના આધારે અમારી ટીમે સ્થળની મુલાકાત લીધી ત્યારે પરિવારને ફક્ત દસ્તાવેજો બતાવવાનું કહેવામાં આવ્યું હતું.'
ભારતીય સેનાની 269મી એન્જિનિયર રેજિમેન્ટના કોર્પ્સ ઓફ એન્જિનિયર્સમાંથી નાયક હવાલદાર તરીકે નિવૃત્ત થયેલા 58 વર્ષીય હકીમુદ્દીન શેખે કહ્યું, "મેં 1984 થી 2000 સુધી 16 વર્ષ સુધી ગર્વથી દેશની સેવા કરી અને 1999માં કારગીલ યુદ્ધ પણ લડ્યું. હું એક ભારતીય નાગરિક છું અને મારો આખો પરિવાર મારી જેમ આ દેશનો છે. તો પછી અમને અમારી નાગરિકતા સાબિત કરવાનું કેમ કહેવામાં આવી રહ્યું છે? અમે ક્યારેય વિચાર્યું ન હતું કે મારા પરિવાર સાથે આવું કંઈક થશે.'
હકીમુદ્દીન 2013 સુધી પુણેમાં રહ્યા હતા, ત્યારપછી તેઓ તેમના વતનના શહેરમાં રહેવા ગયા. જોકે, તેમના પરિવારના બાકીના સભ્યો, જેમાં તેમના ભાઈ, ભત્રીજા અને તેમની પત્નીનો સમાવેશ થાય છે, હજુ પણ પુણેમાં રહે છે. અને 26 જુલાઈની રાત્રે, બધાને તેમની નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવ્યું. મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો રહેવાસી, આ પરિવાર 1960માં પુણે આવ્યો હતો. હકીમુદ્દીનના ભાઈ ઇર્શાદ શેખે મીડિયા સૂત્રોને જણાવ્યું, 'મારા ભાઈ જ નહીં, પરંતુ મારા બે કાકાઓ, શેખ નઈમુદ્દીન, જે ભારતીય સેનાના પાયદળ એકમમાંથી નિવૃત્ત થયા હતા, અને શેખ મોહમ્મદ સલીમ, જે આર્મીના એન્જિનિયરિંગ રેજિમેન્ટમાં હતા, તેમણે પણ દેશની સેવા કરી હતી. બંનેએ દેશ માટે 1965 અને 1971ના યુદ્ધો લડ્યા હતા.'
તેમણે કહ્યું, 'અમને સૌથી વધુ આશ્ચર્ય એ થયું કે આ જૂથનું નેતૃત્વ પોલીસ નહીં, પરંતુ 30-40 અજાણ્યા લોકોના જૂથ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ અમારા પરિવારના સભ્યો પાસેથી દસ્તાવેજો માંગી રહ્યા હતા. જ્યારે સાદા કપડામાં એક પોલીસકર્મીએ તેમને રોક્યા, ત્યારે તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. અમારા ઘરથી થોડે દૂર એક પોલીસ વાન ઉભી હતી, જ્યાં એક ગણવેશધારી અધિકારી રાહ જોઈ રહ્યો હતો.' હકીમુદ્દીનના ભત્રીજા નૌશાદ શેખે કહ્યું કે જ્યારે તેઓએ મને મારી નાગરિકતા સાબિત કરવા કહ્યું, ત્યારે અમે આધાર કાર્ડ જેવા દસ્તાવેજો બતાવ્યા. આમ છતાં, તે લોકો અમારા પરિવારના દરેક સભ્યો, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે, પર બૂમો પાડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આ દસ્તાવેજો નકલી છે. તેઓ મારી સાથે ગુંડાઓ જેવો વ્યવહાર કરી રહ્યા હતા.
હકીમુદ્દીનના બીજા ભત્રીજા નવાબ શેખે કહ્યું કે, તેમનો જન્મ પુણેમાં થયો હતો અને તેઓ ઘણા વર્ષોથી અહીં રહે છે. તેમણે કહ્યું, 'જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે સામાન્ય લોકો મદદ માટે પોલીસ પાસે જાય છે. પરંતુ જ્યારે પોલીસ પોતે ટોળાને મદદ કરે છે, ત્યારે અમને સમજાતું નથી કે અમારે કોની પાસે જવું જોઈએ. તેમણે કહ્યું કે, પરિવાર હજુ સુધી સમજી શક્યો નથી કે પોલીસ ટીમ સીધા તેમને દસ્તાવેજો બતાવવાનું કહેવાને બદલે મોડી રાત્રે ટોળા સાથે કેમ આવી?

