- National
- વીજ ટાવરોના મુદ્દે સરકારે જાહેર કરેલા વળતર સામે ખેડૂત સમાજ હજુ કેમ નારાજ છે, શું માંગ છે?
વીજ ટાવરોના મુદ્દે સરકારે જાહેર કરેલા વળતર સામે ખેડૂત સમાજ હજુ કેમ નારાજ છે, શું માંગ છે?
થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન તથા વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં માતબર વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને લેવામાં આવેલ આ નિર્ણય અનુસાર ખેડૂતોને હાલ મળતા જંત્રીના 200%ના બદલે વળતર તરીકે હવે જમીનના પ્રવર્તમાન બજારભાવના બમણા ભાવ ચૂકવવાનો નિર્ણય લીધો હતો. હવે રાજ્ય સરકારની આ જાહેરાત બાદ પણ વિરોધના સૂર ઉઠી રહ્યા છે.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, વીજ ટ્રાન્સમીશનની લાઈનના મુદ્દે ખેડૂતોએ ઉપાડેલા આંદોલનના પગલે રાજ્ય સરકારે જમીનની બજાર કિંમતના 200 ગણા અને રાઇટ ઓફ વે (ROW) કોરિડોરના વળતર પેટે ગ્રામ્ય વિસ્તારમાં ફકત 30 ટકા જ જોગવાઈ કરતા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે તેનો વિરોધ કરીને ખેડૂતો સાથે ક્રૂર મજાક સમાન હોઈ જમીન સંપાદનના કાયદા મુજબ 4 ગણા વળતરની ઉગ્ર માંગણી કરી છે.
ખેડૂતોની જમીનમાંથી પસાર થતા વીજ ટ્રાન્સમિશનની લાઈનને લઈ ખેડૂતોએ ઉપાડેલી ઉગ્ર લડતના પગલે સરકારે ટાવર બેઝ વિસ્તારની ગણતરીમાં ચારેય બાજુ વધારાના એક મીટરનો ઉમેરો કરવાની સાથે જ 765 KV લાઈનમાં 625 ચો.મીના બદલે 729 ચો.મીનું વળતર ચૂકવવાનું નક્કી કર્યું છે. જંત્રીના બદલે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય સામે ગુજરાત ખેડૂતો સમાજે વિરોધ દર્શાવ્યો છે.
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલના જણાવ્યા મુજબ આ પરિપત્ર ખેડૂત વિરોધી છે. કેમકે જમીન સંપાદનના કાયદા મુજબ કિંમતી જમીનો પરથી પસાર થતી લાઈન અને ટાવર માટે બજાર કિંમતના ચાર ગણુ વાણિજિયક વળતર ચૂકવાતુ હોય છે, અહીં તો ફકત બમણું જ વળતર ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. અને રાઇટ ઓફ વે કોરિડોરના વળતર પેટે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 30 ટકા જ ચૂકવવાની જોગવાઈ થઈ છે, જે ખેડૂતો માટે ક્રૂર મજાક સમાન છે. જ્યારે પણ ખેડૂતોના ખેતરોમાંથી હાઈ વોલ્ટેજ પાવર ટ્રાન્સમીશન લાઈન પસાર થાય કે મોટો વીજ ટાવર ઉભો કરવામાં આવે છે. ત્યારે તે ખેતીની જમીનની કિંમત કાયમી ધોરણે શૂન્ય થઈ જાય છે.
ખેડૂત તે જમીન પર ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ, પાકા કૂવા કે વાણિજિયક પ્રવૃતિ કરી શકતો નથી. અને બિનખેતીની પ્રક્રિયા પણ અટવાય છે. આથી રાજ્ય સરકારે જાહેર કરેલ પરિપત્રમાં સુધારો કરીને ખેડૂતોની માંગણી મુજબ ચાર ગણુ વાણિજિયક વળતર આપવાની જાહેરાત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી આપી હતી.
દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશ પટેલે આક્રોશ વ્યકત કરતા કહ્યું કે, નવા પરિપત્રમાં પાકના વળતરના અધિકારમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મતલબ કે અગાઉ ટ્રાન્સમિશન લાઈનના નિર્માણ, જાળવણી, સમારકામ કે અન્ય કામગીરી વખતે જ્યારે જયારે પણ પાકને નુકસાન થતુ હોય ત્યારે ખેડૂતોને નુકસાનીનું વળતર મળતું હતું, જ્યારે નવા પરિપત્રમાં માત્ર એક જ વખત વળતરની જોગવાઈ છે. આ જોગવાઈ ખેડૂત વિરોધી હોવાથી તાત્કાલિક રદ કરવી જોઈએ.
સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ પણ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, સરકાર એક તરફ ઉદ્યોગપતિઓને સસ્તા દરે અને તમામ સગવડો સાથે જમીનો ફાળવે છે. જ્યારે બીજી તરફ રાત-દિવસ મહેનત કરીને પેટિયુ રડતા ખેડૂતોની કિંમતી જમીનોમાંથી બળબજરીપૂર્વક લાઈનો પસાર કરીને નજીવું વળતર પધરાવી દે છે. આ પરિપત્ર ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડનારો અને ખાનગી ટ્રાન્સમિશન કંપનીને ફાયદો કરાવનારો છે.

