- National
- આ ઈમાનદાર ચોરે તો નોટોના બંડલ નહીં, ઘરેણાં નહીં પરંતુ ફક્ત બ્રાન્ડેડ જૂતા અને ચંપલ ચોરી લીધા
આ ઈમાનદાર ચોરે તો નોટોના બંડલ નહીં, ઘરેણાં નહીં પરંતુ ફક્ત બ્રાન્ડેડ જૂતા અને ચંપલ ચોરી લીધા
કોલકાતાને અડીને આવેલા હાવડા જિલ્લામાં એક વિચિત્ર અને ચોંકાવનારી ચોરી થઈ છે. રવિવારે વહેલી સવારે પશ્ચિમ બંગાળ રાજ્ય સચિવાલય, નબન્નથી થોડીક જ દૂર આવેલી રહેણાંક સોસાયટીમાં એક વ્યક્તિએ શાંતિથી પ્રવેશ કર્યો અને લગભગ 40 ફ્લેટની બહાર રાખેલા રૂ. 1.2 લાખના બ્રાન્ડેડ જૂતા અને ચંપલ ચોરી લીધા અને પછી ભાગી ગયો.
આ આખી ઘટના શિબપુર વિસ્તારની હેપ્પી ગાર્ડન હાઉસિંગ સોસાયટીમાં બની હતી, અને તેનું CCTV ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે. સોસાયટીના કોરિડોરમાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આ ઘટના રવિવારે સવારે 5 વાગ્યા પહેલા બની હતી. રેકોર્ડ કરવામાં આવેલ સમય 4:52 વાગ્યાનો બતાવે છે.

વાયરલ વીડિયોમાં સફેદ ફુલ-સ્લીવ શર્ટ અને ડાર્ક પેન્ટ પહેરેલો એક માણસ દેખાય છે. તેના વાળ સરસ રીતે કાપેલા છે અને તેની દાઢી અને મૂછ પણ કાપેલી છે. ચોર, જે એક ઓફિસર જેવો દેખાય છે, તે ખુલ્લા પગે અને શાંતિથી કોરિડોરમાં ફરતો જોવા મળે છે. તેના ચહેરા પર પકડાઈ જવાનો કોઈ ભય દેખાતો નથી. તેણે બે મિનિટથી વધુ સમય સુધી બંધ લાકડાના ચપ્પલ-બુટના રેક અને ખુલ્લા સ્ટેન્ડની શાંતિથી તપાસ કરી. તેણે કાળજીપૂર્વક મોંઘા અને બ્રાન્ડેડ બુટ અને ચંપલ પસંદ કર્યા, તેને પોતાની સાથે લાવેલી ચમકદાર લાલ કેરી બેગમાં ભર્યા, અને પછી, સવારે 4:54 વાગ્યે, એકદમ આરામથી ગાયબ થઇ ગયો.

સોસાયટીના રહેવાસીઓએ શિબપુર પોલીસ સ્ટેશનમાં સામૂહિક ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મુખ્ય દરવાજા પર તૈનાત સુરક્ષા કર્મચારીઓનું ધ્યાન ટાળવા માટે, ચાલાક ચોર, ઉત્તરપૂર્વીય તરફની દિવાલ પર ચઢી ગયો અને તે જ રસ્તેથી બહાર નીકળી ગયો. ઘૂસ્યા પછી, તેણે બ્લોક A અને બ્લોક Bમાં ઘણા ફ્લેટને નિશાન બનાવ્યા. રવિવારે સવારે, જ્યારે લોકો મોર્નિંગ વોક અથવા કામ માટે તેમના ઘરેથી નીકળ્યા, ત્યારે તેઓ દરવાજા પરથી તેમના જૂતા અને ચંપલ ગાયબ જોઈને સ્તબ્ધ થઈ ગયા. ઘણા લોકોને પોતાના બુટ ચપ્પલ વગર પરેશાની થઇ હતી.

એક સારા પોશાક પહેરેલા માણસે લાલ ચમકતી થેલીમાં બુટ અને ચંપલ ભર્યાની ઘટના આજુબાજુમાં હાસ્ય અને ચર્ચાનો વિષય બની છે, ત્યારે સોસાયટીના રહેવાસીઓ ખૂબ જ આઘાતમાં છે અને તેમની સલામતી અંગે ચિંતિત છે. આ ઇમારતમાં ઘણા વૃદ્ધ યુગલો એકલા રહે છે. બહારનો વ્યક્તિ કેટલી સરળતાથી સુરક્ષા ઘેરો તોડી શકે છે તે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સોસાયટીના એક વૃદ્ધ રહેવાસીએ કહ્યું, 'ચોર મારા US પોલો શૂઝ અને મારી પત્નીના નવા સેન્ડલ લઈ ગયો, જે ખૂબ મોંઘા હતા. તેણે ખાસ કરીને બ્રાન્ડેડ ફૂટવેરને નિશાન બનાવ્યા. લોકોને ભલે તે રમુજી લાગશે, પરંતુ આ વિસ્તારમાં આ ત્રીજી આવી ઘટના બની છે.'

બીજા સ્થાનિક રહેવાસીએ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું, 'તે આ વિસ્તારમાં સારી રીતે વાકેફ હોય તેવું લાગે છે. આજે તે ફક્ત મોંઘા જૂતા અને ચંપલ ચોરી રહ્યો છે, પરંતુ આવતીકાલે તે કોઈ મોટી લૂંટ અથવા ઘરફોડ ચોરી કરી શકે છે. આ અમારી સલામતી માટે ગંભીર ખતરો છે.' હાલ પૂરતી, સોસાયટીના લોકોએ શિબપુર પોલીસને CCTV ફૂટેજ સોંપી દીધા છે, જેમાં આરોપીનો ચહેરો સ્પષ્ટપણે દેખાય છે. રહેવાસીઓએ પોલીસને તાત્કાલિક FIR નોંધવા, આરોપીની ઝડપથી ધરપકડ કરવા અને વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.

