- National
- વિશ્વકર્મા પૂજાની રજા રદ, ઇદ પર 2 દિવસની રજા, આ રાજ્યમાં નોટિસને લઇને મચ્યો જોરદાર હોબાળો
વિશ્વકર્મા પૂજાની રજા રદ, ઇદ પર 2 દિવસની રજા, આ રાજ્યમાં નોટિસને લઇને મચ્યો જોરદાર હોબાળો

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિસને લઇને ભારે હોબાળો થયો છે. આ નોટિસ મુજબ,વિશ્વકર્મા પૂજાની એક દિવસની રજા રદ કરીને ઇદ પર 2 દિવસની રજા આપવાની વાત કહેવામાં આવી છે. જોકે, આ મુદ્દે હોબાળો થતા જ મ્યુનિસિપલ કોર્પોરેશન બેકફૂટ પર આવી ગઇ અને આદેશ જાહેર કરનાર અધિકારીને 'કારણ બતાવો' નોટિસ ફટકારી છે. આરોપ છે કે સંબંધિત અધિકારીએ તેના ઉપલા અધિકારીઓને જાણ કર્યા વિના નોટિસ જાહેર કરી દીધી હતી.
રિપોર્ટ્સ મુજબ, અધિકારીને 3 દિવસની અંદર કારણ બતાવવા માટે કહેવામાં આવ્યું છે કે તેણે વિશ્વકર્મા પૂજાની રજા રદ કરવા અને ઇદની રજા વધારવાની નોટિસ શા માટે જાહેર કરી. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને આ નોટિસ બાબતે કંઇ જ ખબર નહોતી. તેમણે કહ્યું કે, નોટિસ પહેલાથી જ રદ કરાઇ ચૂકી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર ધવલ જૈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ અધિકારીઓની સલાહ લીધા વિના નોટિસ જાહેર કરવામાં આવી હતી. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ અંગે કંઇ ખબર નહોતી. તે નોટિસ રદ કરી દેવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હિન્દી અને ઉર્દૂ ભાષી શાળાઓની રજાઓની પ્રકાશિત લિસ્ટમાં વિશ્વકર્મા પૂજાની રજા રદ કરી દેવામાં આવી હતી અને ઇદ પર 2 દિવસની રજા આપવામાં આવી હતી. નગર પાલિકાના શિક્ષણ વિભાગના ચીફ મેનેજર સિદ્ધાર્થ શંકર ધર દ્વારા આ નોટિસ જાહેર કરવામાં આવી હતી. જ્યારે આ બાબતે વિવાદ થયો, ત્યારે અધિકારીને 'કારણ બતાવો' નોટિસ આપવામાં આવી. જો કે હવે આ મુદ્દે રાજનીતિ પણ શરૂ થઇ ગઇ છે.
નોટિસની વાત સામે આવતા જ પશ્ચિમ બંગાળની મુખ્ય વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)એ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ તરફથી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાહુલ સિંહાએ કહ્યું કે , 'મમતા બેનર્જી તુષ્ટિકરણની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે. કોઇપણ અધિકારીમાં એટલી તાકાત નથી કે વિચાર્યા વિના કોઇ આદેશ જાહેર કરી દે. હવે તેને લઇને વિવાદ ઉત્પન્ન થયો છે ત્યારે આ અધિકારીને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.
તો, તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રિજુ દત્તાએ ભાજપના આરોપો પર પાલટવાર કર્યો છે. દત્તાએ કહ્યું કે, એક અધિકારીએ ભૂલ કરી છે અને તેમને 'કારણ બતાવો' નોટિસ પણ ફટકારવામાં છે. ભાજપ મુસ્લિમ વિરોધી પાર્ટી છે. તેની પાસે કોઇ મુદ્દો નથી, એટલે આ બધું કહી રહી છે. ભાજપ જુમલા પાર્ટી છે.