- National
- આને બાપ કેમ કહેવો? સંબંધીને ફસાવવા પિતાએ જ એકના એક દીકરાનું કાસળ કાઢી નાખ્યું અને પછી તળાવમાં ફેંકી
આને બાપ કેમ કહેવો? સંબંધીને ફસાવવા પિતાએ જ એકના એક દીકરાનું કાસળ કાઢી નાખ્યું અને પછી તળાવમાં ફેંકી દીધો
ગ્રેટર નોઈડામાં એક પિતાએ તેના એકના એક 13 વર્ષના પુત્રનું ગળું દબાવીને કાસળ કાઢી નાખ્યું. ઘટના બાદ પિતાએ વારંવાર પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો; જોકે, CCTV ફૂટેજ અને ત્યારબાદની પૂછપરછ દ્વારા તેનું કાવતરું ખુલ્લું પડી ગયું. છોકરો બુધવારે સાંજે ગુમ થઈ ગયો હતો. તે જ રાત્રે, પરિવારે બાળકના ગુમ થવાની જાણ પોલીસને કરી. ત્યારબાદ ગઈકાલે સાંજે બાળકનો મૃ*તદેહ મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન પિતાએ ખુલાસો કર્યો કે તેણે પોતાના પરિવારને ફસાવવા માટે પુત્રનો જીવ લઇ લીધો. આ ઘટના કાસના પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા સિરસા ગામમાં બની હતી.
કાસનાના સિરસા ગામની 6 પર્સન્ટ કોલોનીમાંથી સુધાંશુ (13) ગુમ થયો હતો. સુધાંશુના પિતા પ્રદીપ, ઉર્ફે પપ્પી અને પરિવારના અન્ય સભ્યોએ મોડી સાંજે પોલીસને બાળકના ગુમ થવાની જાણ કરી હતી. રિપોર્ટ મળતા જ પોલીસે તાત્કાલિક છોકરાની શોધખોળ શરૂ કરી.
તપાસ દરમિયાન, પોલીસે આસપાસના વિસ્તારમાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા. ફૂટેજમાં સુધાંશુ તેના પિતા પ્રદીપ સાથે કારમાં જતો દેખાયો હતો. આનાથી પોલીસનો શંકા ગઇ, જેના કારણે તેમણે પ્રદીપની કડકાઇથી પૂછપરછ કરી.
ગુરુવારે પોલીસ પૂછપરછ દરમિયાન પ્રદીપ વારંવાર પોતાના નિવેદનો બદલતો રહ્યો. ક્યારેક તેણે દાવો કર્યો કે તેનો પુત્ર મિત્રના ઘરે છે; ક્યારેક તેણે પોલીસને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો કે છોકરો કોઈ અલગ જગ્યાએ છે. તેણે પોલીસને કહ્યું કે તેણે તેના પુત્રને ગુલિસ્તાનપુર ગામમાં એક પરિચિત પાસે છોડી દીધો છે; જોકે, તપાસમાં આ વાત પણ ખોટી નીકળી. ત્યારે જ મોડી સાંજે, કાસના પોલીસને માહિતી મળી કે 6 પર્સન્ટ કોલોની નજીક તળાવમાં એક બાળકનો મૃતદેહ તરતો જોવા મળ્યો છે. આ માહિતી મળતા પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ. લાશ ગુમ થયેલા બાળકની હોવાનું જાણવા મળ્યું.
ત્યારબાદ, પોલીસે પ્રદીપની વધુ સઘન પૂછપરછ કરી. ત્યારબાદ પ્રદીપે આખરે કબૂલાત કરી કે મેં પહેલા દીકરાનું ગળું દબાવીને તેનો જીવ લઇ લીધો, અને પછી મેં તેના મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હતો જેથી આ ઘટના અપહરણ અથવા હત્યાનો કેસ લાગે. હું મારા પરિવારના અન્ય સભ્યોને ફસાવવા માંગતો હતો.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી પ્રદીપનો પરિવારના કેટલાક સભ્યો સાથે મિલકતના વિવાદ ચાલી રહ્યો હતો. આ જ વિવાદમાં તેણે એક જઘન્ય કાવતરું ઘડ્યું અને પોતાના જ દીકરાને ક્રૂરતાથી પતાવી દીધો. ઘટનાના ખુલાસાથી વિસ્તારમાં ખળભળાય મચી ગયો છે. લોકો આ વાત સાંભળીને હેરાન છે, કે એક પિતા પોતાના જ દીકરાનો જીવ કેવી રીતે લઈ શકે છે. પોલીસે આરોપી પિતાને કસ્ટડીમાં લઈ લીધો છે. અધિકારીઓનું કહેવું છે કે આ કેસની દરેક એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે, અને આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

