- National
- પોલીસે વીજ કંપનીના કર્મચારીની ધરપકડ કરી તો વીજ કંપનીએ પોલીસ ચોકીની વીજળી કાપી નાખી અને 3 લાખ...
પોલીસે વીજ કંપનીના કર્મચારીની ધરપકડ કરી તો વીજ કંપનીએ પોલીસ ચોકીની વીજળી કાપી નાખી અને 3 લાખ...
ઉત્તર પ્રદેશમાં આવેલા હાપુર જિલ્લામાં એક વિવાદ હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલો બે સરકારી વિભાગો વચ્ચેના ઝઘડાનો છે. જ્યારે પોલીસે શાંતિ ભંગ કરવા બદલ એક વીજ કર્મચારીને જેલમાં મોકલી આપ્યો હતો, ત્યારે તેણે પોલીસ સાથે સામે ઝઘડો કર્યો. પોલીસની કાર્યવાહીથી વીજ કર્મચારીઓ એટલા ગુસ્સે થઇ ગયા હતા કે તેમણે ચોકીનો વીજ પુરવઠો જ કાપી નાખ્યો.
ઉત્તર પ્રદેશના હાપુરમાં વીજ વિભાગ અને પોલીસ વચ્ચે ઉગ્ર અથડામણ જોવા મળી હતી. પોલીસે વીજળી વિભાગના કોન્ટ્રાક્ટ કામદારની અટકાયત કરવાથી ગુસ્સે ભરાયેલા, વીજ કર્મચારીઓએ બહાદુરગઢ પોલીસ ચોકીનો વીજ પુરવઠો જ કાપી નાખ્યો. એટલું જ નહીં, તેમણે ચોકી પર વીજળી ચોરીનો આરોપ લગાવીને રૂ. 3.43 લાખના બાકી લેણાં માટે નોટિસ પણ ચોંટાડી દીધી. આ વીજળી કાપ્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો.
આ વિવાદની શરૂઆત બહાદુરગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભદાસ્યાણા ગામમાં થઇ હતી. વીજળી કોન્ટ્રાક્ટ કામદાર પ્રદીપ કુમાર ગ્રાહક અમરપાલના ઘરે બાકી લેણાં બાબતે ગયો હતો, જ્યાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે પોલીસને બોલાવવી પડી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને શાંતિ ભંગ કરવા બદલ BNNS એક્ટની કલમ 170 હેઠળ ગુનો દાખલ કર્યો. પોલીસે કોન્ટ્રાક્ટ વર્કરની ધરપકડ કરતા વીજ કર્મચારીઓ ગુસ્સે ભરાયા હતા.
ત્યારપછી ગુસ્સે ભરાયેલા વીજ કર્મચારીઓએ બહાદુરગઢ પોલીસ સ્ટેશનમાં ચેકીંગ શરુ કર્યું હતું, જેમાં સ્ટેશન પર વીજળીના વાયરનું આખું નેટવર્ક જોવા મળ્યું. વીજળી વિભાગે પોલીસકર્મીઓ પર કેબલ કાપીને વીજળી ચોરી કરવાનો આરોપ લગાવ્યો અને તરત જ સ્ટેશનની વીજ લાઇન કાપી નાખી, જેનો એક વીડિયો પણ વાયરલ થયો. ગઢમુક્તેશ્વરના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સૂર્ય ઉદય કુમાર વર્માએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર કનેક્શન અને 3.5 લાખ રૂપિયાના બાકી બિલને કારણે કનેક્શન કાપવામાં આવ્યું હતું.
જ્યારે મામલો વધુ વકર્યો, ત્યારે ઉચ્ચ અધિકારીઓએ દરમિયાનગીરી કરાવી પડી હતી. અધિક પોલીસ અધિક્ષક વિનીત ભટનાગરે જણાવ્યું કે, કેટલીક ગેરસમજોને કારણે મતભેદ થયો હતો, જે અધિકારીઓ વચ્ચેની બેઠક પછી ઉકેલાઈ ગયો હતો. તેમણે સમજાવ્યું કે પોલીસે હુમલો અને ગુનો નોંધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી કરી છે, અને સ્પષ્ટતા પછી, હવે કોઈ વિવાદ રહ્યો નથી.

