- National
- પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'
પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરાની પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે (23 મે)ના રોજ વિજિલન્સ ટીમે જાલંધર સ્થિત તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. રમણ અરોરા પર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા લોકોને નોટિસ મોકલવાનો અને પછી પૈસા લઈને તે નોટિસ રદ કરાવવાનો આરોપ છે.
હકીકતમાં, તાજેતરમાં પંજાબ પોલીસે ધારાસભ્ય રમણ અરોરાની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી, ત્યારપછી એવું માનવામાં આવતું હતું કે અરોરા સરકારના રડાર પર હતા. શુક્રવારે, વિજિલન્સ ટીમે તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.

રમણ અરોરા જાલંધરમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓમાંના એક છે. 2022ની ચૂંટણીમાં, રમણ અરોરા જાલંધર સેન્ટ્રલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જલંધર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ સહાયક નગર નિયોજક સુખદેવ વશિષ્ઠ સાથે સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં અરોરા સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુખદેવની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. અને હવે, કથિત રીતે તેમના દ્વારા, રમણ અરોરાના ભ્રષ્ટાચારના ખેલનો પર્દાફાશ થયો છે.
શુક્રવારે પંજાબ વિજિલન્સ બ્યુરોએ તેમની ધરપકડ કરી હતી, જ્યારે તેઓ એક મંદિરમાં પૂજા કરવા ગયા હતા. સૂત્રો કહે છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર સાથેના તેમના સંબંધો બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. એવો આરોપ છે કે, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર સુખદેવ વશિષ્ઠ સાથે મળીને તે પૈસા પણ વસૂલતો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સુખદેવ વશિષ્ઠને આ કામ માટે અમન અરોરા દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે સુખદેવ વશિષ્ઠ દ્વારા લોકોના નામે નકલી નોટિસ મોકલાવતો હતો અને પછી તેમની પાસેથી પૈસા વસૂલતો હતો.

બીજી તરફ, રમણ અરોરા સામેની વિજિલન્સ કાર્યવાહી અંગે, આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે ભલે તે અમારો માણસ હોય કે બીજા કોઈનો, જો કોઈએ ભ્રષ્ટાચાર કર્યો હશે, તો તેને માફી આપવામાં આવશે નહીં. ભગવંત સરકારના મંત્રી હરપાલ ચીમાએ જણાવ્યું હતું કે, 'ધારાસભ્ય વિરુદ્ધ ઘણી ફરિયાદો મળી હતી અને તે ફરિયાદોના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.'
તેમણે વધુમાં કહ્યું, 'આમ આદમી પાર્ટીનો જન્મ જ ભ્રષ્ટાચાર વિરુદ્ધના જન આંદોલનમાંથી થયો હતો. રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને CM ભગવંત માનએ ખાસ સૂચના આપી છે કે, ભ્રષ્ટાચારમાં કોઈને પણ છોડવામાં ન આવે.'

એક સમાચાર એજન્સી અનુસાર, 54 વર્ષીય રમણ અરોરા જાલંધર સેન્ટ્રલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે અને તેમને AAP સરકારમાં એક મહત્વપૂર્ણ ચહેરો માનવામાં આવે છે. તાજેતરમાં રાજ્ય સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી, ત્યારપછી તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, તેમને આ નિર્ણય વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. રમણ અરોરા પાસે અગાઉ 14 બંદૂકધારીઓની સુરક્ષા ટીમ હતી.