- National
- ‘સહન નહીં કરું...’, SIR મુદ્દે મમતા સરકાર પર કેમ ગુસ્સે થયા CJI?
‘સહન નહીં કરું...’, SIR મુદ્દે મમતા સરકાર પર કેમ ગુસ્સે થયા CJI?
મંગળવારે SIR કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ (ECI), મમતા બેનર્જી સરકાર અને વિવિધ અરજદારોને સખત ઠપકો આપ્યો હતો. SIR કવાયતમાંથી દૂર કરાયેલા મતદારોની ચકાસણી માટે નિયુક્ત કરાયેલા ન્યાયિક અધિકારીઓ પર શંકા કરવા સામે સુપ્રીમ કોર્ટે કડક ચેતવણી આપી હતી.
CJIનો મમતા બેનર્જીને ઠપકો
પશ્ચિમ બંગાળમાં મમતા સરકારનું પ્રતિનિધિત્વ કરનારા વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામીએ કોર્ટને જણાવ્યું હતું કે ન્યાયિક અધિકારીઓ દ્વારા લગભગ 7 લાખ દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું છે, જ્યારે અગાઉ 63 લાખ દાવાઓ વિચારાધીન હતા, અને લગભગ 57 લાખ કેસ બાકી છે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, જે મતદારોના નામ યાદીમાંથી નામ દૂર કરાવામાં આવ્યા હતા, તેમની અપીલ પર કામ કરતી કોર્ટ દ્વારા નિયુક્ત ન્યાયિક અધિકારીઓ પહેલાથી જ ઓવરટાઇમ કામ કરી રહ્યા છે અને તેમને ઓછા આંકવા ન જોઈએ.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે અરજદારોને ઠપકો આપતા કહ્યું કે, ન્યાયિક અધિકારીઓને પ્રશ્ન કરવાની હિંમત પણ ના કરો! તમે તેમની પાસેથી વધુ શું કુર્બાની ઇચ્છો છો? તેઓ પશ્ચિમ બંગાળમાંથી દૂર કરાયેલા મતદારોના કેસોની સુનાવણી માટે ઓવરટાઇમ કામ કરી રહ્યા છે! હું આ સહન નહીં કરું!
કોર્ટે ચૂંટણી પંચને કોલકાતા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા સુધારણા પ્રક્રિયા અંગે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો ઉકેલ લાવવાનો પણ નિર્દેશ આપ્યો. કોર્ટ દ્વારા નિયુક્ત ન્યાયિક અધિકારીઓના નિર્ણયો પર પ્રશ્ન ઉઠાવતી નવી અરજીને કડક શબ્દોમાં ફગાવતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું કે તેમના નિર્ણયોનું સન્માન કરવું જોઈએ.

