- National
- વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય?
વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય?
વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય? આ સવાલ ગુજરાતની ચૂંટણીના પરિણામો પછી પૂછાતો થયો છે. શું ગુજરાતમાં લોકશાહી મરી જશે. શું પ્રજાનો અવાજ દબાઇ જશે.
ગુજરાતની પ્રજા સતત ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કરતી આવી છે. છેલ્લા 30 વર્ષથી વિપક્ષ સતત નબળો પડતો ગયો અને હવે તો જાણો મરવાનો આરે આવ્યો હોય તેવું દેખાઇ રહ્યું છે. એક બાજુ ભાજપે સતત પોતાનો મતો અને સમર્થકોની સંખ્યા વધારી છે તો બીજી બાજુ કોંગ્રેસનું એકધાર્યું ધોવાણ થયું છે. આવું કેમ થયું છે તેના ઘણા કારણો છે. સૌથી મોટું કારણ છે પહેલા મુખ્યમંત્રી તરીકે અને પછી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદીનું સબળ નેતૃત્વ. આ સમયગાળામાં કોંગ્રેસ પાસે કોઇ સબળ નેતૃત્ત્વ ઊભું થયું નહીં. ન તો કેન્દ્ર લેવલે ન રાજ્ય લેવલે. બીજું કારણ છે ભારતીય જનતા પાર્ટી પાસે પોતાના સંગઠન ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા મોટા સંગઠનનો આધાર છે જ્યારે કોંગ્રેસ પાસે ન તો કોઇ પ્રભાવશાળી નેતા છે અને ન તો પોતાનું કોઇ સારૂં સંગઠન છે ન તેની પાછળ સંઘ જેવા બીજા કોઇ સંગઠનનો આધાર છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી પાસે ફંડ પણ કોંગ્રેસ કરતા ઘણું વધારે છે.
32.jpg)
આ બધા કારણો તો છે જ પરંતુ તેનાથી કોઇ પાર્ટી ખતમ થવાને આરે આવી જાય તેમ નથી હોતું. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાનું જે પણ થોડુ ઘણુ વર્ચસ્વ ઊભું કર્યું છે તે તેની રણનીતિ ને કારણે છે. આમ આદમી પાર્ટીની હાલત અને કોંગ્રેસની હાલત આમ તો સરખી જ છે. માત્ર ફરક એટલો જ છે તે તેમની પાસે અરવિંદ કેજરીવાલ જેવા સબળ નેતા છે. પરંતુ આ ચૂંટણી પછી આમ આદમી પાર્ટી પણ જાણે જેટલી ગાજતી હતી તેટલી વરસી નથી.
તો હવે શું. શું ગુજરાતમાં વિપક્ષ નબળો પડતા વિધાનસભાની ચૂંટણી સુધી લોકશાહી મરી પરવારશે? લોકશાહી નો મતલબ છે એક કોઇ પાર્ટી બહુમતી લાવી સરકાર બનાવે અને વિપક્ષ તેના કામકાજ પર દેખરેખ રાખે. જો સરકાર કંઇ ખોટું કરતી હોય તો તેને અટકાવે. જે નવા કાયદા બને તેમાં પણ બન્ને સહમતીથી કામ કરે. આપણા બંધારણ મુજબ વિપક્ષના નેતાને પણ સત્તાપક્ષના નેતા જેટલું જ સન્માન આપવામાં આવ્યું છે. તેને ઘણા લોકો શેડો પ્રાઇમ મિનિસ્ટર કે ચીફ મિનિસ્ટર કહે છે. પરંતુ ગુજરાતમાં એવી સ્થિતિ છે કે મહાનગરપાલિકાઓથી લઇને વિધાનસભા સુધી વિપક્ષ એટલો નબળો છે કે તે વિપક્ષનો નેતા પણ નીમી શકશે નહીં કારણ કે તેના માટે 10 ટકા જેટલી બેઠકો હોવી જરૂરી છે. જે વિપક્ષ પાસે નથી.
હવે જો વિપક્ષ છે જ નહીં તો સરકાર પોતાની મનમાની કરી શકે. પોતાને ગમે તે રીતે કામ કરી શકે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે રીતે સતત જીતે છે તે જોતાં હજું સુધી પ્રજાને કદાચ એવું લાગતું નથી કે ભાજપની સરકાર મનમાની કરે છે. તેની પાછળનું એક મોટું કારણ પણ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ જ છે. કારણ કે જો સરકાર મનમાની કરવા જાય તો સંઘ તેનો કાન આમળી શકે છે. પ્રજામાં જો રોષ હોય તો તે અંગેની જાણ સંઘ સરકારને કરે છે. તે સતત લોકોમાંથી ફીડબેક લે છે અને સરકારને સલાહ આપે છે. તે ક્યારેય જાહેરમાં કોઇ વાત કરતું નથી પરંતુ સરકાર જો સાચે રસ્તે નથી તો તેને ટકોર તો કરે જ છે. કારણ કે સંઘ પરિવારને ખબર છે કે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લગાવી હતી ત્યારે શું થયું હતું. ત્યારે સંઘના નેતાઓ જ સક્રિય હતા. તેમણે જ ઇમરજન્સી વખતે વિપક્ષના નેતાઓને મદદ કરી હતી. આમ સરકાર ઉપર લગામ લગાવવા માટે એક વાલી તરીકે સંઘ કામ કરતું હોય છે.
1975માં ઇમરજન્સી લાગુ થતાં મોટા ભાગના વિપક્ષી નેતાઓ જેલમાં મુકાયા,પ્રેસ પર સેન્સરશિપ આવી, સરકાર સામે બોલવું મુશ્કેલ બની ગયું. તે સમયે લાગતું હતું કે હવે લોકશાહીનો અંત આવી ગયો. પરંતુ તેવું થયું નહીં. લોકોએ બહારથી ભલે શાંતિ રાખી, પણ અંદરથી અસંતોષ વધતો રહ્યો. અંતે ચૂંટણી જાહેર કરવી પડી અને ઇન્દિરા ગાંધીએ હારનો સામનો કરવો પડ્યો.
33.jpg)
લોકશાહીમાં અંતિમ શક્તિ “મતદાર” પાસે જ રહે છે.વિપક્ષ નબળો હોય તો પણ જો પ્રજા જાગૃત હોય—તો લોકશાહી ફરી ઊભી થઈ શકે છે.સરકાર ગમે તેવી હોય પરંતુ જો લોકો જાગૃત હોય તો સરકાર પ્રજાલક્ષી જ રહે છે. પરંતુ તેના માટે જરૂરી છે કે લોકો જાણકાર બને. પોતાના પ્રશ્નો મામલે અવાજ ઉઠાવે. પોતાના અધિકારો માટે લડવા તૈયાર હોય. તો પછી ભલેને વિપક્ષ નબળો હોય સત્તા તો જનતાના હાથમાં જ હોય છે.

