- Astro and Religion
- જાણી લો, દિવાળી પૂજાનું શુભ મૂહુર્ત અને પૂજા-વિધિ
જાણી લો, દિવાળી પૂજાનું શુભ મૂહુર્ત અને પૂજા-વિધિ
આજે આસો વદ અમાસ એટલે કે દિવાળી છે. કહેવાય છે કે, દરેક અમાસમાં આસો માસની અમાસ સૌથી વધુ ઘેરી હોય છે. આ રાત્રે મા લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના સ્વાગતમાં દીવડા પ્રગટાવી ભગવાનની પૂજા કરવામાં આવે છે.
દિવાળીના દિવસે સાંજના સમયે સ્થિર લગ્નમાં પૂજા કરવાને સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. જ્યારે મધ્યરાત્રિમાં નિશીથ કાળમાં દેવી લક્ષ્મીની પૂજા દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરનારી માનવામાં આવે છે.
શુભ મૂહુર્ત
પંચાંગ અનુસાર, 7 નવેમ્બરે સાંજે 6.30 વાગ્યાથી લઈને 8.30 વાગ્યા સુધી વૃષભ રાશિ, સ્વાતિ નક્ષત્ર રહેશે. આ દરમિયાન મહાલક્ષ્મીની પૂજા કરવી વધુ સૌભાગ્યદાયક રહેશે.
ચોઘડિયાની ગણનાથી દિવાળીની સાંજે 7.10 વાગ્યાથી લઈને 8.51 વાગ્યા સુધી શુભ યોગ છે. રાત્રે 8.51થી 10.32 મિનિટ સુધી અમૃત યોગ રહેશે. સાંજે 4.10 વાગ્યાથી લઈને 5.30 વાગ્યા સુધી લાભ યોગ રહેશે. ઘરમાં સુખ, સમૃદ્ધિ માટે ઘરે 7.10 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે પૂજા કરવી.
દિવાળીની પૂજા-વિધી
સામગ્રી
કમળ તેમજ ગુલાબના ફૂલ, નાગરવેલના પાન, કેસર, ચોખા, સોપારી, ફળ, ફૂલ, દૂધ, અત્તર, પતાશા, મેવા, મધ, મિઠાઈ, દહીં, ગંગાજળ, દીપક, શ્રીફળ, તાંબાનો કળશ, સ્ટીલ અથવા ચાંદીનો કળશ, ચાંદીનો સિક્કો, લોટ, તેલ, લવિંગ, લાલ કપડું, બાજટ, ઘી અને એક થાળી.
પૂજા-વિધી
બાજટ સાફ કરી લોટની મદદથી તેના પર નવગ્રહ યંત્ર બનાવો. સ્ટીલના કળશમાં દૂધ, દહીં, મધ, ગંગાજળ, લવિંગ વગેરે ભરી તેના પર લાલ કપડું બાંધો અને તેની પર શ્રીફળ મૂકો. નવગ્રહ યંત્ર પર ચાંદીનો સિક્કો મૂકો અને લક્ષ્મી-ગણપતિની માટીની પ્રતિમા સ્થાપિત કરી ગંગાજળથી સ્નાન કરાવો. ત્યારબાદ કંકુ અને ચોખાનો ચાંદલો કરો.
મંત્ર
લક્ષ્મી વિનાયક મંત્ર
ૐ શ્રીં ગં સૌમ્યાય ગણપતયે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા
લક્ષ્મી ગણેશ ધ્યાન મંત્ર
દન્તાભયે ચક્રવરૌ દધાનં, કરાગ્રગં સ્વર્ણઘટં ત્રિનેત્રમ્
ધૃતાબ્જયાલિદ્નિતમાબ્ધિ પુત્ર્યા-લક્ષ્મી ગણેશં કનાકભમીડે
ઋણહર્તા ગણપતિ મંત્ર
ૐ ગણેશ ઋણં છિન્ધિ વરેણ્યં હું નમઃ ફટ્

