- Opinion
- શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી રહ્યા છે. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ એ આવા કિસ્સાઓનું ચોંકાવનારું ઉદાહરણ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના જણાવ્યા મુજબ, પટેલે જમીનના ઉપયોગમાં ફેરફાર (સીએલયુ) માટે પ્રતિ ચોરસ મીટર ₹5થી ₹10ના દરે 'સ્પીડ મની' વસૂલી હતી જેમાંથી ₹10 કરોડથી વધુની આવક થઈ હતી. આ કિસ્સામાં 800થી વધુ અરજીઓનો સમાવેશ છે અને કૌભાંડનું કદ ₹1,500 કરોડ સુધી પહોંચી શકે છે. આવા કિસ્સાઓમાં અન્ય કલેક્ટરો જેવા કે આયુષ ઓક (સુરત), પ્રદીપ શર્મા (કચ્છ) અને કે.રાજેશ (સુરેન્દ્રનગર) પણ સસ્પેન્ડ અથવા ધરપકડમાં આવ્યા છે.
પ્રશ્ન એ છે કે આ ભ્રષ્ટાચાર પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે? તપાસમાં સીધી રીતે તેમનું નામ નથી આવ્યું પરંતુ આશીર્વાદ, પ્રભાવ કે ભલામણ તો જરૂર હોય છે. ગુજરાતમાં ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ અધિકારીઓ પર દબાણ કરીને સરકારી હુકમોમાં હસ્તક્ષેપ કરે છે. અધિકારીઓના ટ્રાન્સફરમાં પણ રાજકીય હસ્તક્ષેપ સ્પષ્ટ છે. સ્થાનિક નેતાઓ 'ભલામણ' અથવા 'આશીર્વાદ'ના નામે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે જેમાંથી અધિકારીઓ પણ લાભ લે છે.

પરંતુ ભ્રષ્ટાચાર માત્ર રાજનેતાઓની દેન નથી તે એક ચોક્કસ વ્યવસ્થા છે. પંચાયતી રાજ કાયદાઓમાં અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સસ્પેન્ડ કરવાની સત્તા છે જે રાજકીય દુરુપયોગને આમંત્રણ આપે છે. એસીબી અને ઈડીની તપાસમાં ઘણા કિસ્સા ઠંડા પડી જાય છે જે રાજકીય છત્રછાયા સૂચવે છે.
આને અટકાવવા માટે સરકારે કડક કાયદા અમલમાં મૂકવા જોઈએ જેમ કે ભ્રષ્ટાચારીની મિલ્કતો જપ્ત કરવાનો કાયદો. ડિજિટલ ટ્રાન્સપરન્સી વધારી અધિકારીઓના ટ્રાન્સફરમાં મેરીટ બેઝ પારદર્શિતા લાવવી જરૂરી છે. જો આમ ન કરાય તો ભ્રષ્ટાચારના છાંટા સરકાર પર પડશે જે વિપક્ષી પાર્ટીઓને ચૂંટણીમાં ફાયદો આપશે. આખરે ભ્રષ્ટાચાર રોકવો માત્ર નેતાઓ કે અધિકારીઓની જવાબદારી નથી તે સમાજની જાગૃતિ અને વ્યવસ્થાની પારદર્શીતા પર આધારિત છે. ગુજરાત મોડલને સાચા અર્થમાં ભ્રષ્ટાચારમુક્ત બનાવવું જરૂરી છે જેથી જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત થાય.

