- Opinion
- કરુણતા... સુરત સૌરાષ્ટ્રના યુવાનો અભ્યાસ સાથે ફી ભરવા પોતે નોકરીએ લાગ્યા!
કરુણતા... સુરત સૌરાષ્ટ્રના યુવાનો અભ્યાસ સાથે ફી ભરવા પોતે નોકરીએ લાગ્યા!

આજના સમયમાં સૌરાષ્ટ્રથી સુરત આવેલા હીરાઉદ્યોગ સાથે જોડાયેલા કામદારોના પરિવારો ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આ પરિવારોની આર્થિક તંગીની અસર માત્ર રોજિંદા જીવન પૂરતી સીમિત નથી પરંતુ તેમના બાળકો અને યુવાનોના શિક્ષણ પર પણ ઊંડી ઘા બનીને પડી રહી છે. હીરાઉદ્યોગમાં આવેલી મંદીએ અનેક પરિવારોની આવકનો સ્ત્રોત છીનવી લીધો છે જેના કારણે ઘરના યુવાનો પર અભ્યાસ ચાલુ રાખવા માટે નોકરી કરવાની ફરજ પડી રહી છે.
હાલમાં જ khabarchhe.com ની ટીમના ધ્યાનમાં એક કિસ્સો આવ્યો છે જે સમાજની કરુણતા ઉજાગર કરનારો જણાયો.
સુરત શહેરના એક જાણીતા પેટ્રોલપંપ પર બે યુવાનો પહોંચ્યા. બંનેએ મેનેજર સમક્ષ ખૂબ જ સભ્ય રીતે નોકરીની માંગણી કરી. તેમણે જણાવ્યું કે તેઓ કોલેજના અભ્યાસ સિવાયના સમયમાં કામ કરવા ઇચ્છે છે. આ શિક્ષિત યુવાનો દસથી બાર હજાર રૂપિયાની નોકરી માટે તૈયાર હતા જે સાંભળીને મેનેજરને આશ્ચર્ય થયું. મેનેજરે આ વાત માલિકને કરી પરંતુ માલિકના મનમાં શંકા જાગી કે આટલા સારા ઘરના જણાતા યુવાનોને નોકરીની શું જરૂર પડી? કદાચ તેઓ દારૂ, જુગાર કે ડ્રગ્સ જેવી ખરાબ લતમાં તો નથી ફસાયા ને?
આ શંકા દૂર કરવા માટે માલિકે યુવાનોને ફરી બોલાવીને પૂછ્યું ‘તમે અભ્યાસ કરતા હોવા છતાં નોકરી કેમ કરવા માગો છો?’ યુવાનોએ જે જવાબ આપ્યો તે સાંભળીને દરેકનું હૃદય દ્રવી ઊઠે તેવું હતું. તેમણે કહ્યું કે તેમના પિતા હીરાઉદ્યોગમાં નોકરી ગુમાવી ચૂક્યા છે. મહિનાઓથી ઘરમાં કોઈ આવક નથી. પિતાએ સ્પષ્ટ કહી દીધું છે કે ‘જો તમારે અભ્યાસ ચાલુ રાખવો હોય તો નોકરી કરીને ફી ભરો.’ આ બંને યુવાનોનું સપનું માત્ર કોલેજ પૂરું કરવાનું નથી પરંતુ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવાનું છે. તેઓ માતા-પિતા પરનો આર્થિક બોજ હળવો કરવા અને પોતાના સપનાં પૂરા કરવા માટે ફીના પૈસા ભેગા કરવા નોકરી કરવા માગતા હતા.
આ વાત સાંભળીને પેટ્રોલપંપના માલિકનું હૃદય પીગળી ગયું. તેમણે બંને યુવાનોને લાગણીસભર રીતે નોકરી આપી. આજે આ યુવાનો હસતા મોઢે અભ્યાસની સાથે નોકરી પણ કરી રહ્યા છે.
આ ઘટના એક મોટો સવાલ ઉભો કરે છે. સૌરાષ્ટ્રના આવા કેટલાય બાળકો અને યુવાનોનું ભવિષ્ય શું થશે? શું તેઓ આમ જ નોકરીઓ કરતા રહેશે? શું ઝોમેટો, સ્વિગી કે પોર્ટર જેવી ડિલિવરીની નોકરીઓ જ તેમનો ભાગ્યવિધાતા બનશે?
આ સમસ્યા માત્ર એક પરિવાર કે બે યુવાનોની નથી પરંતુ સમગ્ર સમાજની છે. હીરાઉદ્યોગની મંદીએ હજારો પરિવારોને રસ્તા પર લાવી દીધા છે. આ પરિવારોના બાળકોનું શિક્ષણ અધવચ્ચે ન અટકી જાય તેની ચિંતા કોણ કરશે? આ કરુણ પરિસ્થિતિનું નિવારણ શું છે? શું સરકાર આ યુવાનો માટે કોઈ યોજના લાવશે? શું રાજકારણીઓ મતની રાજનીતિ બાજુએ મૂકીને આ મુદ્દે ધ્યાન આપશે? કે પછી સમાજસેવકો અને ભામાશાઓ જેવા લોકો આગળ આવીને આ યુવાનોના સપનાંને બચાવશે?
આ યુવાનોની આંખોમાં સપનાં છે, હૃદયમાં હિંમત છે પરંતુ હાથમાં માત્ર મર્યાદિત સાધનો છે. જો સમાજ અને સરકાર સમયસર જાગે નહીં તો આવા અનેક યુવાનોના સપનાં અધૂરા રહી જશે.
સરકાર અને સમાજ માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે. આજના યુવાનો એ આવતીકાલનું ભવિષ્ય છે તેમને સારું શિક્ષણ, સારો ખોરાક અને સારું ભવિષ્ય આપવું એ આપણી સૌની સંયુક્ત જવાબદારી છે.
Related Posts
Top News
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Opinion
