- Opinion
- રેકડી/લારીવાળા પાસે ભાવ કરાવવા ના બેસતા, મોલમાં તો કરાવતા નથી આપણે
રેકડી/લારીવાળા પાસે ભાવ કરાવવા ના બેસતા, મોલમાં તો કરાવતા નથી આપણે

(ઉત્કર્ષ પટેલ)
આપણે બધા જીવનમાં એવા દિવસો જોયા છે જ્યારે સવારનો ચા-નાસ્તો રેકડીવાળાની લારી પાસે ઊભા રહીને કર્યો હોય કે રસ્તાને કિનારે ફૂટપાથ પર શાકભાજીનો પાથરો લઈને બેઠેલી માસીની પાસેથી બે-ચાર ટામેટાં ખરીદ્યાં હોય. એમની આંખોમાં એક આશા હોય છે એક નમ્ર અપેક્ષા કે આજે થોડુંક વેચાણ થશે! ઘરમાં ચૂલો બળશે! અને બાળકોને બે ટંકનું ખાવાનું મળશે. પણ આપણે કેટલી વાર એમની સાથે ભાવતાલ કરવા બેસી જઈએ છીએ?! કેટલી વાર એમને કહીએ છીએ કે "બે રૂપિયા ઓછા કરો ને!"?! આ બે રૂપિયા આપણા માટે એક ચિલ્લર જેટલું મૂલ્ય ધરાવે પણ એમના માટે એ બે રૂપિયા એમના બાળકની નોટબુકનો હિસાબ બની શકે છે.
આજે જ્યારે આપણે મોલમાં જઈએ છીએ ત્યારે એક ચળકતી દુનિયામાં પગ મૂકીએ છીએ. ત્યાં ભાવતાલ કરવાની હિંમત નથી થતી. મોલની દુકાનમાં ભાવ ફિક્સ હોય છે અને એક પ્રકારની ભવ્યતા હોય છે. પણ એ ભવ્યતા પાછળનું સત્ય એ છે કે ત્યાંનો નફો મોટા ઉદ્યોગપતિઓના ખિસ્સામાં જાય છે. બીજી તરફ રેકડીવાળો કે ફૂટપાથ પર શાકભાજી વેચતી બા/બહેનનો નફો એમના ઘરની ચોપડીમાં ઉમેરાય છે. એ નફો એમના બાળકોના સપનાંઓને રંગ આપે છે. તો પછી આપણે શા માટે એમની સાથે ભાવતાલ કરીએ છીએ? શા માટે એમની મજબૂરી પર દયા નથી ખાતા?!!

એક નાની લારી, એક મોટું સપનું:
રસ્તા પર ઊભેલી એ નાની લારી કે ફૂટપાથ પર શાકભાજીનો પથારો ફક્ત એક વેપાર નથી એ એક પરિવારની આશા છે. એ લારીવાળા ભાઈની આંખોમાં જુઓ, એમની મજબૂરીને સમજવાનો પ્રયત્ન કરો. સવારે ચાર વાગે ઊઠીને એ બજારમાંથી માલ લાવે છે, દિવસભર ધૂળ-ધુમાડામાં ઊભો રહે છે, અને સાંજે ઘરે જાય ત્યારે એના હાથમાં બે-ત્રણ સો રૂપિયા હોય છે. એ રૂપિયામાંથી એ ઘરનો ખર્ચો ચલાવે છે, બાળકોને શાળાએ મોકલે છે અને થોડું બચે તો બીજા દિવસના માલની ખરીદી કરે છે. આ એક ચક્ર છે જેમાં એ ફસાયેલો છે અને આપણે એમની સાથે ભાવતાલ કરીને એ ચક્રને વધુ કઠિન બનાવીએ છીએ.
એક વખત વિચારો જો આપણે એમને બે રૂપિયા ઓછા નહીં કરાવીએ બલ્કે બે રૂપિયા વધુ આપીએ તો શું થશે? એ બે રૂપિયા એમના ચહેરા પર એક હળવું સ્મિત લાવશે. એ સ્મિતમાં આશાનો સંચાર થશે. કદાચ એ બે રૂપિયાથી એમનું બાળક એક નવી પેન્સિલ ખરીદી શકશે કે એક નવું સપનું જોઈ શકશે. આ નાની મદદ આપણા માટે કંઈ નથી પણ એમના માટે બધું છે.

સ્થાનિક/લોકલને વ્યક્તિઓને સાથ આપીએ, ગરીબ/જરૂરિયાતમંદ નું જીવન સુધારીએ:
આજે દેશમાં એક નારો ગુંજે છે એમ કહીએ તો ચાલે કે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે "લોકલ ફોર વોકલ". આ નારો ફક્ત મોટા ઉદ્યોગો કે બજારો માટે નથી એ નારો આપણા રસ્તા પરના નાના વેપારીઓ માટે પણ છે. આપણે જો આ નાના લારીવાળા, ફૂટપાથ પર શાકભાજી વેચતી મહિલાઓને સાથ આપીશું તો એમનો વેપાર વધશે. એમનો વેપાર વધશે તો એમનું જીવન સુધરશે. એમનું જીવન સુધરશે તો એમના બાળકોને શિક્ષણ મળશે, અને એ બાળકો એક દિવસ આ ગરીબીના ચક્રમાંથી બહાર નીકળશે.
આ નાના વેપારીઓ આપણી આસપાસ છે. એ આપણા ગામના, શહેરના, સમાજના ભાગ છે. એમની સફળતા આપણી સફળતા છે. જ્યારે આપણે એમની પાસેથી ખરીદી કરીએ છીએ ત્યારે આપણે ફક્ત એક વસ્તુ નથી ખરીદતા આપણે એમના પરિવારની આશા ખરીદીએ છીએ. આપણે એમના બાળકોના ભવિષ્યમાં રોકાણ કરીએ છીએ. આ એક એવું રોકાણ છે જેનું વ્યાજ આપણને પૈસામાં નહીં પણ સમાજની સમૃદ્ધિમાં મળશે.

એક નાનું પગલું, સમાજમાં મોટો બદલાવ લાવી શકશે:
કલ્પના કરો... એક દિવસ આપણે બધા નક્કી કરીએ કે રેકડીવાળા કે શાકભાજીવાળી માસી પાસેથી ખરીદી કરતી વખતે ભાવતાલ નહીં કરીએ. એના બદલે એમને એક સ્મિત સાથે થોડું વધારે આપીએ. આ નાનું પગલું લાખોના જીવન બદલી શકે છે. એ રેકડીવાળો કદાચ બીજા દિવસે થોડો વધુ માલ લાવી શકશે. એ શાકભાજીવાળી માસી કદાચ એક લારી ખરીદી શકશે. એમના બાળકોને શાળામાંથી ઘરે નહીં બોલાવવા પડે, આવી મજુરી નહીં કરાવવી પડે અને એમને ભણવાનો મોકો મળશે.
આ બધું શરૂ થાય છે આપણાથી. આપણે જો નાના વેપારીઓને સાથ આપવાનું શરૂ કરીશું, તો એક દિવસ એમની લારી નાની દુકાન બનશે અને એક નાનકડા ધંધામાં ફેરવાશે. એમના બાળકો ડોક્ટર, ઇજનેર કે શિક્ષક બનશે. આ એક ચેઈન રિએક્શન છે જે આપણા એક નાના નિર્ણયથી શરૂ થઈ શકે છે.

આપણી જવાબદારી...
આજે આપણે જે સમાજમાં જીવીએ છીએ એ સમાજ આપણને ઘણું આપે છે. એના બદલામાં આપણે પણ કંઈક આપવાની જવાબદારી છે. એ જવાબદારી છે નાના માણસોને ટેકો આપવાની, એમની મજબૂરીને સમજવાની અને એમના હાથ મજબૂત કરવાની. રેકડીવાળા કે ફૂટપાથ પર શાકભાજી વેચતી મહિલાઓને ઓછું કરવાનું પાપ નથી કરવું. એના બદલે એમને વધુ આપીને, એમના જીવનમાં થોડી રોનક લાવવાનું પુણ્ય કમાઈએ.
આવો, આજથી શરૂઆત કરીએ. બીજી વખત જ્યારે રેકડી પાસે ઊભા રહીએ ત્યારે ભાવતાલ નહીં કરીએ. એક સ્મિત સાથે એમની મહેનતને સલામ કરીએ. એક નાનું પગલું આપણે ઉઠાવીશું તો હજારો જીવનમાં પ્રકાશ ફેલાશે. આ નાના વેપારીઓ આપણા સમાજનું ગૌરવ છે, અને એમને સાથ આપવો એ આપણું કર્તવ્ય છે. તો પાછી ચાલો મોલમાં જવાને બદલે નજીકની કરિયાણાની દુકાને જઈએ, નજીકના શાકમાર્કેટમાં જઈએ.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)
Related Posts
Top News
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?
Opinion
