- Politics
- BMC ઈલેક્શન: મુંબઈમાં કોને મળશે કેટલી સીટ, જાણો એક્ઝિટ પોલમાં કોણ છે રાજા
BMC ઈલેક્શન: મુંબઈમાં કોને મળશે કેટલી સીટ, જાણો એક્ઝિટ પોલમાં કોણ છે રાજા
મહારાષ્ટ્રમાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) સહિત 29 મહાનગરપાલિકાઓ માટે ગુરુવારે સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. મતદાન પૂર્ણ થતાની સાથે જ જાહેર થયેલા વિવિધ એક્ઝિટ પોલના આંકડા ભાજપની આગેવાની હેઠળની 'મહાયુતિ' ગઠબંધન માટે મોટી જીતના સંકેત આપી રહ્યા છે. આ સર્વે મુજબ ઉદ્ધવ અને રાજ ઠાકરેનું ગઠબંધન બીજા ક્રમે જ્યારે કોંગ્રેસ ત્રીજા ક્રમે રહેવાની શક્યતા છે.
એક્ઝિટ પોલના મુખ્ય આંકડા: કોણ જીતશે કેટલી બેઠકો?
1. JVC એક્ઝિટ પોલ (સીટ શેર):
- મહાયુતિ (ભાજપ ગઠબંધન): 138 બેઠકો
- શિવસેના (UBT): 59 બેઠકો
- કોંગ્રેસ: 23 બેઠકો
- અન્ય: 07 બેઠકો

2. સકાળ (Sakal) એક્ઝિટ પોલ:
- ભાજપ ગઠબંધન: 119 બેઠકો
- શિવસેના (UBT) - NCP (SP) - MNS: 75 બેઠકો
- કોંગ્રેસ: 20 બેઠકો
3. એક્સિસ માય ઈન્ડિયા (સીટ શેર):
- ભાજપ ગઠબંધન: 131-151
- શિવસેના (UBT)- MNS: 58-68
- કોંગ્રેસ-VBA-RSP: 12-16
- અન્યઃ 6-12
મતદાન દરમિયાન વિવાદ અને ફરિયાદો
મુંબઈની પ્રતિષ્ઠિત BMC ચૂંટણીમાં મતદાન દરમિયાન 'શાહી'ને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવ્યા હતા કે મતદારોની આંગળી પર લગાવવામાં આવતી શાહી 'એસીટોન'થી સરળતાથી ભૂંસી શકાય છે. વિપક્ષી નેતાઓએ આ મુદ્દે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. જોકે, ચૂંટણી પંચે આ દાવાઓને ફગાવી દેતા તપાસના આદેશ આપ્યા છે અને ખાતરી આપી છે કે કોઈ મતદાર બે વાર મતદાન કરી શકશે નહીં.

મતદારો અને ચૂંટણી સ્ટાફની હાલાકી
અનેક મુંબઈગરાઓએ મતદાન યાદીમાં નામ ન હોવા અથવા મતદાન મથકો બદલાઈ જવા અંગે ફરિયાદો કરી હતી. માત્ર મતદારો જ નહીં, પણ ચૂંટણી ફરજ પરના સ્ટાફે પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્ટાફના જણાવ્યા અનુસાર, તેમને આપવામાં આવેલી યાદીમાં ફોટા ખૂબ જ ખરાબ રીતે પ્રિન્ટ થયા હોવાથી મતદારોની ઓળખ ચકાસવી કંટાળાજનક અને મુશ્કેલ બની હતી. મુંબઈનો રાજા કોણ બનશે તેનો નિર્ણય તો 16 તારીખે જ થશે.

