- Politics
- ડાબેરીઓની છેલ્લી આશા હતી LDF, હવે કોઈ રાજ્યમાં નથી બચી લેફ્ટ સરકાર
ડાબેરીઓની છેલ્લી આશા હતી LDF, હવે કોઈ રાજ્યમાં નથી બચી લેફ્ટ સરકાર
ભારતમાં ડાબેરી શાસનનો છેલ્લો ગઢ પતનની આરે છે. કેરળ ચૂંટણીના વલણો દર્શાવે છે કે પિનરાયી વિજયનની ડાબેરી સરકાર જવાની છે. CPI(M)ની આગેવાની હેઠળનો લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ને ફક્ત 26 બેઠકો પર વિજય મળતો દેખાઈ રહ્યો છે. વિજયન સરકાર ભારતમાં ડાબેરી વિચારધારા પર ટકેલી છેલ્લી સરકાર હતી. આ પહેલા પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં ડાબેરી પક્ષોના ગઢ પહેલાથી જ તૂટી ચૂક્યા હતા. વર્ષ 2011માં મમતા બેનર્જીના સત્તામાં આવ્યા પછી બંગાળમાંથી CPI(M)ના સુપડસાફ થઈ ગયા હતા. ત્રિપુરામાં ભાજપે 2018માં ડાબેરીઓના 25 વર્ષના શાસનનો અંત લાવ્યો. એવામાં સવાલ છે કે, શું દેશના ઇતિહાસમાં આ પહેલી વાર હશે, જ્યારે દેશના કોઈ પણ રાજ્યમાં ડાબેરી સરકાર નહીં હોય?
ભારતની સ્વતંત્રતા પછી 1957માં દેશના દક્ષિણી રાજ્ય, કેરળમાં પ્રથમ વખત ડાબેરી સરકારની રચના થઈ. તે સમયે, ઇ.એમ.એસ. નંબુદિરીપાદ વિશ્વની પ્રથમ લોકશાહી રીતે ચૂંટાયેલી માર્ક્સવાદી સરકારના મુખ્યમંત્રી બન્યા. તે ભારતની પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર પણ હતી. નંબુદિરીપા 2 વર્ષ એટલે કે 1957 થી 1959 સુધી બે વર્ષ માટે મુખ્યમંત્રી રહ્યા હતા.ત્યારબાદ દેશમાં સાત વર્ષ સુધી ‘નો-લેફ્ટ’ સમયગાળો રહ્યો, જ્યાં સુધી 1967 સુધી કેરળમાં નંબુદિરીપાદે ફરી એકવાર કેરળમાં મુખ્યમંત્રી ન બની ગયા. કેરળમાં આ ડાબેરી સરકાર 1977 સુધી સત્તામાં રહી, ત્યારબાદ એક વર્ષ માટે કોંગ્રેસ સરકારે સત્તા સંભાળી.
જોકે, ત્યાં સુધીમાં, લેફ્ટે બંગાળમાં ખાતું ખોલી દીધું હતું. જ્યોતિ બસુના નેતૃત્વ હેઠળ, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) CPI (M)એ 1977માં પહેલી વાર સરકાર બનાવી. આ સરકાર 2011 સુધી સત્તામાં રહી. તે વર્ષે, મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ બંગાળમાં ડાબેરી પક્ષના ગઢને ધ્વસ્ત કરીને સત્તા કબજે કરી.
બીજી તરફ, 1978માં, નૃપેન ચક્રવર્તીના નેતૃત્વ હેઠળ ત્રિપુરામાં પહેલી વાર CPI (M) સરકારની રચના થઈ. 1993માં જ્યારે આ જ પક્ષના માણિક સરકાર મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેઓ 2018 સુધી સતત તેઓ ખુરશી પર રહ્યા. લગભગ 25 વર્ષ સુધી, ત્રિપુરા ડાબેરીઓનો અદમ્ય ગઢ રહ્યો. જો કે, 2018માં, ભાજપે માત્ર આ વર્ચસ્વને ન માત્ર પડકાર્યો, પરંતુ, પ્રથમ વખત સરકાર બનાવીને, CPMને રાજ્યમાંથી વિદાઇ આપી દીધી. 1977માં બંગાળમાં સત્તા સંભાળ્યા પછી 2018માં ત્રિપુરામાં સરકારના પતન સુધી, ડાબેરી પક્ષ ક્યાંક ને ક્યાંક સરકારમાં રહી.
ત્યારબાદ પણ, ડાબેરી સરકારો સમગ્ર દેશમાંથી સંપૂર્ણપણે સાફ ન થઈ. કેરળમાં, 2016માં CPMના નેતૃત્વ હેઠળની LDF સરકાર વર્ષ 2016માં સત્તામાં આવી હતી, જેમાં પિનરાયી વિજયન મુખ્યમંત્રી બન્યા હતા. કેરળના ચૂંટણી પરિણામોના ફેરફારવાળી પરંપરામાં ચોંકાવતા 2021માં વિજયનના નેતૃત્વમાં ડાબેરીઓએ ફરીથી ચૂંટણી જીતી હતી. આ સરકાર 2026 સુધી કેરળમાં સત્તા પર રહી. જો કે, ચૂંટણી ચિત્ર સૂચવે છે કે વિજયનનું મુખ્યમંત્રી નિવાસસ્થાન અને LDFની સત્તામાંથી વિદાઇ નક્કી છે. ત્યાં LDF ફક્ત 26 બેઠકો મળતી દેખાય રહી છે.
તેનાથી વિપરીત, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની UDF 64 બેઠકો પર લીડ જાળવી રહી છે. આ પરિણામોએ કેરળમાં કોંગ્રેસની સત્તામાં વાપસી માટે સ્પષ્ટ માર્ગ મોકળો કર્યો છે. જોકે આ ગઠબંધનમાં પણ રિવોલ્યુશનરી માર્ક્સિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા અને કોમ્યુનિસ્ટ માર્ક્સિસ્ટ પાર્ટી જેવા કેટલાક ડાબેરી પક્ષો છે, પરંતુ તેમની અસર ન બરાબર છે.

