- Politics
- મધ્ય પ્રદેશ: ભાજપના ધારાસભ્યની ઇનોવા કાર ફાયર બ્રિગેડના પાણીથી ધોવાતા રાજકીય વિવાદ સળગ્યો
મધ્ય પ્રદેશ: ભાજપના ધારાસભ્યની ઇનોવા કાર ફાયર બ્રિગેડના પાણીથી ધોવાતા રાજકીય વિવાદ સળગ્યો
મધ્ય પ્રદેશના સિંગરોલીથી ભાજપના ધારાસભ્ય રામનિવાસ શાહના સરકારી બંગલા બહાર તેમની ટોયોટા ઇનોવા કારને ફાયર બ્રિગેડના વાહન વડે ધોવામાં આવી રહી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મોટી રાજકીય બબાલ ઊભી થઈ છે. સરકારી અને ઈમરજન્સી સંસાધનોનો પોતાના ખાનગી વાહન માટે દુરુપયોગ કરવાના આક્ષેપો બાદ વિપક્ષે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
તપાસ અનુસાર, મંગળવારે સવારે સામે આવેલા આ વાયરલ વીડિયોમાં સિંગરોલી નગર નિગમના ત્રણ કર્મચારીઓ ફાયર એન્જિન સાથે જોડેલી હોસ પાઇપ વડે ધારાસભ્યની કાર પર પાણી છાંટીને તેને સાફ કરતા સ્પષ્ટ દેખાય છે. ઈમરજન્સી સેવા માટે વપરાતા વાહનનો રાજકીય નેતાની ગાડી ધોવા માટે ઉપયોગ થતાં જ સોશિયલ મીડિયા પર પણ લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ અંગે જ્યારે NDTV દ્વારા સિંગરોલી નગર નિગમના કમિશનર સવિતા પ્રધાન સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે આ ઘટના અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.

આ વીડિયો સામે આવ્યા બાદ મધ્ય પ્રદેશ વિધાનસભાના વિપક્ષી નેતા ઉમંગ સિંઘારે ભાજપ ધારાસભ્ય પર આકરા પ્રહારો કરતા મુદ્દાને વધુ ગરમાવ્યો હતો. સિંઘારે કહ્યું, જ્યારે સામાન્ય જનતાના ઘરમાં આગ લાગે છે ત્યારે બુઝાવવા માટે સમયસર ફાયર બ્રિગેડ પહોંચતી નથી, પરંતુ સિંગરોલીમાં ભાજપના ધારાસભ્યએ ફાયર બ્રિગેડને પોતાનું પ્રાઇવેટ વૉશિંગ સેન્ટર બનાવી દીધું છે. તેમણે ઈમરજન્સી સેવાનો અંગત સ્વાર્થ માટે ગેરઉપયોગ કરવા બદલ સરકારી મશીનરીની જવાબદારી નક્કી કરવાની માગ કરી હતી.
https://twitter.com/YTKDIndia/status/2092386753802010680
બીજી તરફ, આ વિવાદ અંગે સવાલો પૂછાતા ધારાસભ્ય રામનિવાસ શાહે શરૂઆતમાં પોતાના રાજકીય વિરોધીઓ પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે લોકોએ પહેલા એ સમજવું જોઈએ કે શું કોઈ ધારાસભ્ય પોતે પોતાની ગાડી ધોવડાવે? આ સાથે તેમણે સિંગરોલીમાં કોંગ્રેસના રાજકીય અસ્તિત્વ અને તેમની ચૂંટણી કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઈમરજન્સી સેવા માટે નક્કી કરાયેલા ફાયર ટેન્ડરનો આ રીતે કાર ધોવા માટે ઉપયોગ યોગ્ય છે? ત્યારે શાહે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે ખુલાસો કરતા કહ્યું કે હું આ વિષય પર કંઈ કહી શકું તેમ નથી. હું ભોપાલથી પાછો આવ્યો હતો અને એક સરકારી શાળામાં સાયકલ વિતરણના કાર્યક્રમમાં ગયો હતો. ત્યાંથી મારે બી.પી. મંડલ સાહેબની જન્મજયંતિના કાર્યક્રમમાં જવાનું હતું અને ત્યારબાદ શાંતિ સમિતિની બેઠક હતી. હું સમયે બંગલે હાજર જ નહોતો, એટલે મને કેવી રીતે ખબર હોય કે ત્યાં શું થયું? શાહે ઉમેર્યું કે તેમણે માત્ર પોતાના ડ્રાઇવરને ગાડી જલ્દી લઈને આવવા માટે સૂચના આપી હતી.

પોતાનો બચાવ કરતા ધારાસભ્ય શાહે એવી શક્યતા પણ દર્શાવી હતી કે ફાયર ટેન્ડર ત્યાં હોવાનું કારણ કંઈક અલગ હોઈ શકે છે. તેમણે દાવો કર્યો કે તેમણે એવું સાંભળ્યું હતું કે નગર નિગમની ટાંકીઓમાં પાણીની સમસ્યા હતી અને ઉપરના માળ સુધી પાણી પહોંચતું નહોતું. કદાચ નગર નિગમના અધિકારીઓના નિવાસસ્થાને પાણી પૂરું પાડવા માટે આ વાહન મોકલવામાં આવ્યું હોય.
જ્યારે પત્રકારોએ વારંવાર પૂછ્યું કે શું આ સંજોગોમાં પણ ફાયર બ્રિગેડનો વાહન ધોવા માટે ઉપયોગ યોગ્ય ગણાય? ત્યારે શાહે જવાબદારી ડ્રાઇવર પર ઢોળતા કહ્યું, ત્યાં શું થયું હતું તે ડ્રાઇવરને પૂછો.

