- Politics
- IPS બુશરા બાનોની અચાનક બદલી પર રાજકીય ઘમાસાણ, 'અસલામ-આલેકુમ' બોલવા બદલ વિવાદ
IPS બુશરા બાનોની અચાનક બદલી પર રાજકીય ઘમાસાણ, 'અસલામ-આલેકુમ' બોલવા બદલ વિવાદ
પશ્ચિમ બંગાળમાં 2021 બેચના એક મુસ્લિમ મહિલા IPS અધિકારીની અચાનક કરવામાં આવેલી બદલીને કારણે ભારે રાજકીય હોબાળો મચ્યો છે. ખડગપુરમાં એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી બુશરા બાનોની સોમવારે અચાનક બદલી કરી દેવામાં આવી હતી. આ કાર્યવાહી એક દક્ષિણપંથી સંગઠન દ્વારા તેમના યુટ્યુબ વીડિયોમાં ઈસ્લામિક અભિવાદનનો ઉપયોગ કરવા સામે વિરોધ નોંધાવ્યાના 24 કલાકની અંદર જ કરવામાં આવી છે. એક તરફ વિપક્ષી નેતાઓએ આ પગલાંને નફરત અને કટ્ટરતાથી પ્રેરિત ગણાવ્યું છે, તો બીજી તરફ ભાજપ સરકારે તેને માત્ર એક 'રૂટિન ટ્રાન્સફર' (નિયમિત બદલી) ગણાવી છે.
IPS બુશરા બાનો ખડગપુરમાં એડિશનલ SP તરીકે સેવા આપી રહ્યા હતા, ત્યાંથી તેમની બદલી કરીને સ્ટેટ આર્મ્ડ પોલીસની ચોથી બટાલીયનમાં ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે બુશરા બાનોએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે સાઉદી અરેબિયામાં શિક્ષકની નોકરી છોડીને ભારત પાછા ફર્યા બાદ UPSCની તૈયારી સુધીની પોતાની સફર વિશે વાત કરી હતી. જોકે, વિવાદ વધતાં આ વીડિયો ચેનલ પરથી હટાવી લેવાયો છે, પણ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં જન્મેલા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માંથી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરનાર બુશરા બાનો વીડિયોની શરૂઆતમાં 'અસલામ-આલેકુમ' કહીને દર્શકોનું સ્વાગત કરે છે. વીડિયોમાં તેઓ PhD પૂર્ણ કર્યા પછી ગલ્ફ દેશમાંથી પરત ફરીને સિવિલ સર્વિસિસની તૈયારી કેવી રીતે કરી તેની વિગતો આપે છે. તેઓ આ વીડિયોમાં AMUની રેસિડેન્શિયલ કોચિંગ એકેડેમી નો આભાર માનતા કહે છે કે, ‘હું આ બધું તમારી સાથે એટલા માટે શેર કરી રહી છું જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ આનાથી મદદ અને પ્રોત્સાહન મળી શકે.’

બુશરા બાનોના આ વીડિયોમાં ઈસ્લામિક શબ્દોના ઉપયોગ સામે 'હિંદુ લીગલ ફંડ' નામના એક દક્ષિણપંથી સંગઠને ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ સંગઠને પશ્ચિમ બંગાળના હોમ સેક્રેટરીને સત્તાવાર ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, એક મહિલા IPS અધિકારીએ વીડિયોની શરૂઆતમાં 'અસલામ-આલેકુમ' બોલવાને બદલે 'વંદે માતરમ' કે 'જય હિંદ' જેવા રાષ્ટ્રીય નારા કે શબ્દોનો ઉપયોગ કરવો જોઈતો હતો.
સોશિયલ મીડિયા પર પણ તેમને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં તેમના પર ‘UPSC જેહાદ’ના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સંગઠને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોસ્ટ કરીને લખ્યું હતું ‘તેમણે પોતાના વીડિયોની શરૂઆત અસલામ-આલેકુમથી કરી, વચ્ચે 'ઈનશાઅલ્લાહ' (ઈશ્વરની મરજી) અને અંતમાં 'જઝાકઅલ્લાહ' (ભગવાન તમારું ભલું કરે) શબ્દો વાપર્યા, પરંતુ ક્યાંય 'વંદે માતરમ' કે 'જય હિંદ' ન કહ્યું. ભારતીય રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા એક સરકારી અધિકારીએ જાહેર સંચારમાં તટસ્થતા જાળવવી જોઈએ અને રાષ્ટ્રીય અભિવાદનનો જ ઉપયોગ કરવો જોઈએ. અમે આ મામલે યોગ્ય સમીક્ષા અને કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ.’

આ ફરિયાદના ગણતરીના દિવસોમાં જ બાનોની બદલી કરી દેવામાં આવતા રાજકારણ ગરમાયું છે.
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ શુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની શાસનવ્યવસ્થા પર ધાર્મિક પક્ષપાતનો ગંભીર આક્ષેપ મૂક્યો હતો. ટ્વિટ કરતાં મોઇત્રાએ લખ્યું કે ‘જે દેશના વડાપ્રધાને ઉઘાડા ડીલે સાધુઓ અને સેંગોલ સાથે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું હોય, ત્યાં માત્ર 'અસલામ-આલેકુમ' અને 'ઈનશાઅલ્લાહ' બોલવા બદલ એક મુસ્લિમ મહિલા IPS અધિકારીની બદલી કરી દેવી તે અત્યંત હાસ્યાસ્પદ છે. આપણો દેશ નફરત અને કટ્ટરતાના ઝેરમાં હોમાઈ રહ્યો છે. ઈશ્વર ભારતની રક્ષા કરે. બુશરા, અમે તમારી સાથે છીએ.’
સાંસદ મોઇત્રાએ વધુમાં ઉમેર્યું હતું કે તાજેતરમાં BRICS સમિટ દરમિયાન પણ આ જ ભાજપ સરકારે ભારત મંડપમની અંદર જ અલગથી પ્રાર્થના સ્થળ ઊભા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા સપ્તાહ પહેલાં પણ મોઇત્રાએ આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમોમાંથી મુસ્લિમ અધિકારીઓની બાદબાકી કરવામાં આવી રહી છે.
બીજી તરફ, કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ આ મામલે 'IPS એસોસિએશન'ને તુરંત હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તેમણે લખ્યું, ‘મહિલા અધિકારીની પડખે ઊભા રહેવાના બદલે રાજ્ય સરકારે બીજા જ દિવસે તેમની બદલી કરી દીધી. મોદીજી, તમે કેવા ભારતનું નિર્માણ કરી રહ્યા છો?’
તેલંગાણાના મંત્રી અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને આ ઘટનાને ચિંતાજનક ગણાવતા ટ્વિટ કર્યું કે, ‘જ્યારે સામાન્ય આદર-સત્કાર કે અભિવાદનના શબ્દો જ કોઈ સરકારી સેવકને નિશાન બનાવવાનું કારણ બની જાય, ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણે લઘુમતીઓને કેવો સંદેશ આપી રહ્યા છીએ?’

સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ અને પત્રકારો આ ઘટનાની સરખામણી ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી અનુજ ચૌધરીના કિસ્સા સાથે કરી રહ્યા છે. વર્ષ 2025માં સંભલમાં સર્કલ ઓફિસર (CO) તરીકે ફરજ બજાવતા અનુજ ચૌધરી વર્દી પહેરીને, હાથમાં ગદા રાખીને એક ધાર્મિક યાત્રામાં સામેલ થયા હતા. આ ઘટનાના થોડા જ દિવસોમાં તેમને પ્રમોશન આપીને ફિરોઝાબાદના ASP બનાવી દેવાયા હતા.
ચૌધરીએ વર્ષ 2025માં જ્યારે હોળી અને શુક્રવારની નમાજ એક જ દિવસે આવી હતી ત્યારે વિવાદિત નિવેદન પણ આપ્યું હતું કે, ‘હોળી વર્ષમાં એક વાર આવે છે, જ્યારે જુમ્મા વર્ષમાં 52 વાર આવે છે. જેમને હોળીથી તકલીફ હોય તેમણે ઘરે બેસવું જોઈએ.’ તે સમયે વિપક્ષે તેમની ભારે ટીકા કરી હતી.

ફરિયાદ મળ્યાના તુરંત બાદ જ બુશરા બાનોની ટ્રાન્સફર કરી દેવાતા, શું આ કાર્યવાહી માત્ર વિરોધને કારણે જ કરવામાં આવી છે? તેવા સવાલો ઉભા થયા છે. ભાજપ આને વહીવટી પ્રક્રિયા ગણાવી રહ્યું છે, જ્યારે વિપક્ષ તેને ધાર્મિક દ્વેષથી પ્રેરિત નિર્ણય ગણાવી રહ્યો છે.

