- Politics
- ઉત્તર પ્રદેશમાં આગામી MLC ચૂંટણી પહેલા લોચા, પિતાનું નામ બી.કોમ, મતદારનું નામ પાગલ રેહાન, અન્ય એક ના...
ઉત્તર પ્રદેશમાં આગામી MLC ચૂંટણી પહેલા લોચા, પિતાનું નામ બી.કોમ, મતદારનું નામ પાગલ રેહાન, અન્ય એક નામ મૂર્ખચંદ... તપાસના આદેશ
‘રામ ને યાદવ કો મારા’, પિતાનું નામ મૂર્ખચંદ, જ્યારે અન્ય એક મતદારનું નામ અલી કે પાસ હૈ છે, અને તેના પિતાનું નામ અબ્દુલ રહેમાન છે. બુધવારે મોડી સાંજે આ અજીબોગરીબ એન્ટ્રીઓ સામે આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. ચૂંટણી પંચે મધ્યરાત્રિએ જ આ બાબતની નોંધ લીધી અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. ઝાંસીના ડિવિઝનલ કમિશનર પાસેથી અહેવાલ માંગ્યો છે. શુક્રવારે ચૂંટણી થવાની છે, એવામાં કમિશનરને ગુરુવારે બપોર સુધીમાં અહેવાલ સુપરત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. તો, ભાજપે પણ આ અનિયમિતતાઓને લઈને ચૂંટણી પંચમાં અનેક ફરિયાદો નોંધાવી છે, જેના પગલે તપાસના આદેશ અપાયા છે. ભાજપે ખાસ કરીને મતદાર યાદીમાં મોટી સંખ્યામાં ડુપ્લિકેટ એન્ટ્રીઓ હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. ઉત્તર પ્રદેશમાં આ શુક્રવારે શિક્ષકો અને સ્નાતક માટે અનામત એવી 11 વિધાન પરિષદ (MLC) બેઠકો માટે મતદાન થવાનું છે.
ચૂંટણી પંચે રાત્રે સવા એક વાગ્યા પછી X હેન્ડલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે અલાહાબાદ-ઝાંસી સ્નાતક મતવિસ્તારની મતદાર યાદીમાં કેટલાક અજીબોગરી નામો છે. ઝાંસીના ડિવિઝનલ કમિશનર, જેઓ આ મતવિસ્તાર માટે 'ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર' છે, તેમને આ બાબતની તપાસ કરવા અને બપોર સુધીમાં અહેવાલ સુપરત કરવા સૂચના આપવામાં આવી છે.
વાયરલ થયેલી મતદાર યાદીમાં નામોને જોઇને કોઈપણ વ્યક્તિ આશ્ચર્યચકિત થઇ શકે છે. ભાગ 81માં, ક્રમ નંબર 696 પર, નરેન્દ્ર યાદવ" નામના મતદારના પિતાનું નામ બી.કોમ લખેલું છે, અને સરનામું EWS આવાસ વિકાસ કોલોની છે. તેવી જ રીતે, ભાગ 15માં, અનુક્રમ નંબર 82 પર એક મતદારનું નામ મોહમ્મદ પાગલ રેહાન અને તેના પિતાનું નામ મોહમ્મદ હાશિમ છે. સરનામું દારાગંજ દર્શાવવામાં આવ્યું છે. ભાગ 189માં અનુક્રમ નંબર 1034 પર, મૂર્ખ કાલી દેવી નામની નોંધ જોવા મળે છે.
આમાંના કેટલાક નામો એટલા વિચિત્ર છે કે પ્રથમ દૃષ્ટિએ જ તે નકલી લાગે છે. ભાગ 9માં અનુક્રમ નંબર 119 પર મતદારનું નામ ‘ઈરફાન અલી ને કહા’ લખેલું છે. તેવી જ રીતે, ભાગ 2માં, અનુક્રમ નંબર 1205 પર મતદારનું નામ ‘ફૈઝ અબ્બાસ ને કહા’ નોંધાયેલું છે. ભાગ 252માં અનુક્રમ નંબર 566 પર, મતદારનું નામ ‘ખાલિદ અલી ને કહા’ લખેલું છે. ભાગ 69માં અનુક્રમ નંબર 351 પર, મતદારનું નામ ‘ટક્કર મારના’, અને પિતાનું નામ પણ ‘ટક્કર મારના’ જ લખવામાં આવ્યું છે.
ભાગ 72માં અનુક્રમ નંબર 415 પર, ‘રામ ને યાદવ કો મારા’, જેના પિતાનું નામ ‘મૂર્ખ ચંદ યાદવ’ છે. તેનું સરનામું રતૌરા, સરાયઇનાયત લખવામાં આવ્યું છે. તેવી જ રીતે, ભાગ 133માં, અનુક્રમ નંબર 768 પર રવિ શર્મા નામના મતદારના પિતાનું નામ ‘રામ ને શર્મા કો મારા’ લખેલું છે. આ કેટલાક એવા ઉદાહરણો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અમે મતદાર યાદીમાં આ નામોની હાજરીની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતા નથી. જોકે, ચૂંટણી પંચે રાત્રે 1:30 વાગ્યે તપાસના આદેશ આપ્યા છે, તો માનવામાં આવે છે કે તેને પણ આ અનિયમિતતાઓની માહિતી છે.
ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને મતદાર યાદીમાંથી બોગસ અને ડુપ્લિકેટ મતદારોને દૂર કરવાની માંગ કરી છે. ચૂંટણી પંચ સાથે સંપર્ક માટેના ભાજપના રાજ્ય સંયોજક અખિલેશ કુમાર અવસ્થીએ જણાવ્યું હતું કે, અલ્હાબાદ-ઝાંસી ગ્રેજ્યુએટ મતવિસ્તાર માટે ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત મતદાર યાદીમાં મોટી સંખ્યામાં બોગસ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ મતવિસ્તારના પ્રભાવશાળી નેતાઓએ એક જ વ્યક્તિની 2-3 વખત નોંધણી કરાવી દીધી છે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) મનીષ કુમાર વર્માને પણ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમણે આ બાબતે તપાસના આદેશ આપ્યા છે.
ગ્રેજ્યુએટ મતવિસ્તારની ચૂંટણીમાં 24 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ મતદાન કરવા માટે પાત્ર નથી; તેમ છતા ઝાંસી અને અન્ય જિલ્લાઓની મતદાર યાદીઓમાં એવા ઘણા મતદારોનો સમાવેશ થાય છે જેમની ઉંમર આ મર્યાદા કરતા ખૂબ ઓછી છે. ચૂંટણી પંચની મતદાર યાદીમાં જે વ્યક્તિઓના જન્મનું વર્ષ 2001, 2002, 2003, 2004 કે 2005 છે, તેઓ ગ્રેજ્યુએટ મતવિસ્તારની ચૂંટણીમાં મતદાન કરવા માટે લાયક નથી. મતદાર યાદીમાં મોટી સંખ્યામાં ડુપ્લિકેટ નોંધણીઓ જોવા મળી છે.
આ અગાઉ પણ મતદાર યાદીમાં બોગસ મતદારોનો સમાવેશ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે, જેનાથી ચૂંટણી પ્રભાવિત થઇ હતી. ભાજપના મહાનગર અધ્યક્ષ સંજય ગુપ્તાએ વિભાગીય કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ પાસે માંગ કરી છે કે, મતદાર યાદીમાં સામેલ આ બોગસ મતદારો મતદાન ન કરી શકે. આ સૂચના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને આપવામાં આવે, જેથી 23 ઓક્ટોબરે નિર્ધારિત મતદાન પ્રક્રિયા કોઈપણ મુશ્કેલી વિના સંપન્ન થઈ શકે.
અનુરોધ કરવામાં આવ્યો છે કે, રિટર્નિંગ ઓફિસર (RO) સમક્ષ રજૂ કરવામાં આવેલી પ્રથમ મતદાર યાદીમાં સામેલ આવા તમામ બોગસ મતદારોના નામ તાત્કાલિક દૂર કરવાની માંગ કરવામાં આવી છે. યાદીમાં અંકિત મતદાર, જેમની જન્મતારીખ 2002 પછીની છે, તેમના નામ યાદીમાંથી કાઢી નાખવા જોઈએ. જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) મનીષ કુમાર વર્માએ પુષ્ટિ કરી છે કે તેમને આવેદનપત્ર મળ્યું છે અને હાલમાં બોગસ મતદારોની યાદીની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કોઈ પણ મતદાર એકથી વધુ વખત મતદાન ન કરી શકે.
ભાજપના નેતાઓએ તેમની ઔપચારિક ફરિયાદમાં જણાવ્યું છે કે મતદાર યાદીમાં 4397 બોગસ મતદારો છે. પ્રયાગરાજમાં સૌથી વધું 3163, કૌશામ્બીમાં 320, જાલૌનમાં 179, ઝાંસીમાં 178, બાંદામાં 140, ફતેહપુરમાં 139, લલિતપુરમાં 109, હમીરપુરમાં 81, ચિત્રકૂટમાં 68 અને મહોબામાં 20 મતદારોના નામ નોંધાયેલી ઠઠે
પ્રયાગરાજ, અલાહાબાદ-ઝાંસી સ્નાતક મતવિસ્તારની ચૂંટણી પહેલાં મતદાર યાદીમાં બોગસ'મતદારો હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રએ એક નવો નિર્દેશ જાહેર કર્યો છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉપમા પાંડેએ તમામ મતદારોને અનુરોધ કર્યો છે કે જો તેમનું નામ કોઈ અલગ વિભાગ (ભાગ નંબર) અથવા અલગ તાલુકામાં જોવા મળે, તો પણ તેમણે પોતાનો મત માત્ર તેમના નિર્ધારિત સ્થળે જ આપે. જો કોઈ વ્યક્તિ એકથી વધુ જગ્યાએ મતદાન કરતી પકડાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભાજપે જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ને આવા બોગસ મતદારોની યાદી સાથે એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. ત્યારબાદ DMએ અધિકારીઓને આ નોંધણીઓની ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તપાસ બાદ ફરિયાદો સાચી હોવાની સંભાવના જણાતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ મોડી સાંજે આ અપીલ કરી હતી.

