- Politics
- શું NCPના બંને જૂથોનું વિલીનીકરણ થશે? શરદ પવારે કરી દીધો ખુલાસો, જણાવ્યો આગામી પ્લાન
શું NCPના બંને જૂથોનું વિલીનીકરણ થશે? શરદ પવારે કરી દીધો ખુલાસો, જણાવ્યો આગામી પ્લાન
મહારાષ્ટ્રમાં NCP (SP)ના પ્રમુખ શરદ પવારે સોમવાર 28 સપ્ટેમ્બર 2026ના રોજ તે અટકળોને ફગાવી દીધી હતી કે તેમની પાર્ટી અન્ય કોઈ રાજકીય જૂથ સાથે ભળી જશે અથવા ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની નજીક જઇ શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પાર્ટી તેના સંગઠનને મજબૂત કરવા અને સ્વતંત્ર રીતે રાજકીય લડાઈ લડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
મુંબઈમાં વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓની બેઠકને સંબોધતા પવારે સ્પષ્ટ કર્યું કે, પાર્ટીની અંદર ચાલી રહેલી કોઈપણ ચર્ચાનો ઉદ્દેશ્ય તેમના નેતૃત્વમાં NCP (SP)ને મજબૂત કરવાનો હતો. પવારે કહ્યું કે જે લોકો તેમના જૂથ સાથે ફરી જોડાવા ઈચ્છે છે તેમણે તેમની પાર્ટીમાં જોડાવું પડશે, સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું સંગઠન અન્ય કોઈ રાજકીય જૂથ સાથે વિલીનીકરણ કરશે નહીં.
તેમની આ ટિપ્પણી NCPના બંને જૂથો વચ્ચે સંભવિત સમાધાન અંગે મહિનાઓથી ચાલી રહેલી અટકળો વચ્ચે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પવારની મુલાકાત બાદ આ અફવાઓએ વેગ પકડ્યો હતો, જેનાથી મહારાષ્ટ્રમાં સંભવિત રાજકીય પરિવર્તન અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સુનેત્રા પવારની પાર્ટી અને શરદ પવારના જૂથ વચ્ચે કોઈ વિલીનીકરણ થશે નહીં.
આ બેઠકમાં વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓના સાંસદો, ધારાસભ્યો અને પક્ષના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં દુષ્કાળની સ્થિતિ, મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)ની પરીક્ષા પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગેની ચિંતાઓ પર ફોકસ કરવામાં આવ્યું હતું.
શરદ પવારે જણાવ્યું હતું કે પાર્ટીની કોર કમિટીએ દુષ્કાળ રાહત અંગેની તેની માંગણીઓને આખરી ઓપ આપી દીધો છે અને તેઓ બેથી ચાર દિવસમાં રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરશે. તેમણે ચેતવણી આપી હતી કે જો આ માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી શકે છે. તેમણે 265 તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કરવાના સરકારના નિર્ણયની ટીકા કરતા તેમણે કહ્યું કે અસરગ્રસ્ત ઘણા વિસ્તારોને તેમાં સામેલ કરવામાં આવ્યા નથી. તેમણે કેળાના ખેડૂતોને સહાય ન મળવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
શરદ પવારે પાર્ટી કાર્યકરોને રાજકારણ અને ચૂંટણીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની વધતી જતી ભૂમિકાને સમજવા પણ અનુરોધ કર્યો. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી વ્યવસ્થાપન, જનતા સુધી પહોંચવા અને પાર્ટીની સંગઠનાત્મક પ્રવૃત્તિઓને મજબૂત કરવા માટે AIનું જ્ઞાન અત્યંત મહત્ત્વપૂર્ણ રહેશે.

