- Politics
- ભાજપના સાંસદના ઘરે ચોરી, કિંમતી સામાન સાથે ગટરનું ઢાંકણું પણ લઈ ગયા ચોર
ભાજપના સાંસદના ઘરે ચોરી, કિંમતી સામાન સાથે ગટરનું ઢાંકણું પણ લઈ ગયા ચોર
ચોરોએ દિલ્હીના VIP વિસ્તાર ગણાતા ફિરોઝશાહ રોડ પર સ્થિત રાજ્યસભાના સાંસદ ડૉ. રાધા મોહન દાસ અગ્રવાલના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું હતું. હાઉસ નંબર 18માં થયેલી આ ચોરી દરમિયાન ચોરો માત્ર કિંમતી વસ્તુઓ જ નહીં, પરંતુ ગટરનું ઢાંકણું પણ ચોરી લઇ ગયા. આ ઘટના બાદ દિલ્હી પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ હવે તપાસ કરી રહી છે કે ચોરો સાંસદના નિવાસસ્થાનમાં કેવી રીતે ઘૂસ્યા અને આ ગુનાને ક્યારે અંજામ આપવામાં આવ્યો.
ડૉ. રાધા મોહન દાસ અગ્રવાલ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. તેમનું નિવાસસ્થાન ફિરોઝશાહ રોડ પર આવેલું છે, જે દિલ્હીના VIP વિસ્તારોમાં ગણાય છે અને ત્યાં ઘણા સાંસદો તથા જાણીતી હસ્તીઓના નિવાસસ્થાનો આવેલા છે. આવા વિસ્તારમાં ચોરીની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા કર્યા છે.

ચોરીની જાણ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ચોરોના આવવા-જવાના માર્ગોની માહિતી મેળવવા માટે આ વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ ઘટનાનો સમય અને તેમાં કેટલા લોકો સામેલ હતા એ જાણવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.
ફોરેન્સિક ટીમ સાંસદના નિવાસસ્થાનની અંદર તપાસ કરી રહી છે અને ઘરના વિવિધ ભાગોમાંથી ફિંગરપ્રિન્ટ્સ તથા અન્ય મહત્ત્વપૂર્ણ પુરાવા એકત્રિત કરી રહી છે. પોલીસ સમગ્ર પરિસરની તપાસ કરી રહી છે જેથી ગુનેગારો સુધી પહોંચવામાં મદદરૂપ થઈ શકે તેવા કોઈ પુરાવા મળી શકે.

હેરાનીની વાત એ છે કે ચોરો અન્ય કિંમતી વસ્તુઓ સાથે-સાથે ગટરનું ઢાંકણું પણ ઉખાડીને લઇ ગયા. હાલમાં ચોરી થયેલી વસ્તુઓની સંપૂર્ણ યાદી અંગેની વિગતો સામે આવી નથી. પોલીસ આ વિસ્તારમાં લાગેલા CCTV ફૂટેજની સમીક્ષા કરી રહી છે, જેથી માહિતી મળી શકે કે ચોર કયા માર્ગે પરિસરમાં ઘૂસ્યા હતા અને ગુનાને ક્યારે અંજામ આપવામાં આવ્યો. તો ફોરેન્સિક ટીમ ઘરમાંથી ફિંગરપ્રિન્ટ્સ સહિતના પુરાવા એકત્રિત કરી રહી છે.
બાથરૂમના નળ અને ગટરના ઢાકણ ચોરી કરવાને લઇને પોલીસ પણ તપાસ કરી છે. આ માટે CPWD અધિકારીઓનો સંપર્ક કરીને નિવાસસ્થાનના મેન્ટેનેન્સ સાથે સંકળાયેલ કર્મચારીઓ અને ત્યાં આવતા-જતા લોકો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી છે.
ડૉ. રાધા મોહન દાસ અગ્રવાલ વ્યવસાયે બાળરોગ નિષ્ણાંત છે અને RSS પૃષ્ઠભૂમિમાંથી આવે છે. વર્ષ 2002માં તેમણે હિન્દુ મહાસભાની ટિકિટ પર ગોરખપુર નગર બેઠક પરથી ચૂંટણી લડી હતી અને તત્કાલીન ભાજપના નેતા શિવ પ્રતાપ શુક્લાને હરાવ્યા હતા. ભાજપમાં જોડાયા પછી તેઓ સતત ચાર વખત આ જ બેઠક પરથી 2002, 2007, 2012 અને 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
વર્ષ 2022માં તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તે જ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તેમની પરંપરાગત બેઠક છોડી દીધી. ત્યારબાદ, ભાજપે તેમને જુલાઈ 2022માં રાજ્યસભા માટે ચૂંટ્યા. તેઓ હાલમાં પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી છે અને ઘણા રાજ્યોમાં સંગઠનની જવાબદારીઓ સંભાળે છે.

