- Politics
- BMC જીતવા 20 વર્ષ બાદ સાથે આવ્યા ઠાકરે બ્રધર્સ, બોલ્યા- ‘દિલ્હીમાં બેસેલા 2 લોકોને રોકવા સાથે આવ્યા,...
BMC જીતવા 20 વર્ષ બાદ સાથે આવ્યા ઠાકરે બ્રધર્સ, બોલ્યા- ‘દિલ્હીમાં બેસેલા 2 લોકોને રોકવા સાથે આવ્યા, મરાઠી માણુશ..’
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર બાદ વિપક્ષી પાર્ટીઓ BMC ચૂંટણીને લઈને સક્રિય થઈ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (UBT) અને રાજ ઠાકરેની પાર્ટી, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ BMC સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ માટે હાથ મળાવી લીધા છે.
ઠાકરે ભાઈઓ (ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે) મુંબઈમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને જેમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, ‘મહારાષ્ટ્રનું નેતૃત્વ ફક્ત ઠાકરે જ કરી શકે છે.’ તેમણે મહારાષ્ટ્ર આંદોલનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર 107 લોકોની શહીદી બાદ પ્રાપ્ત થયું હતું. ત્યારે એ આંદોલનની આગેવાની તેમના દાદા કરી રહ્યા હતા. મારા અને રાજ ઠાકરેના પિતા પણ આ આંદોલનમાં સામેલ હતા.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મરાઠી લોકોના અધિકારોનું રક્ષણ કરવા માટે મહારાષ્ટ્રની રચનાના વર્ષો બાદ શિવસેનાની સ્થાપના કરવામાં આવી હતી. શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે ગઠબંધનની જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે જે લોકો પહેલા મહારાષ્ટ્ર ઇચ્છતા હતા, તે જ લોકો હવે નવી પહેલ કરી રહ્યા છે. અમે દિલ્હીમાં બેઠેલા 2 લોકોને રોકવા માટે આવ્યા છીએ. અમે એક સાથે રહેવા માટે સાથે આવ્યા છીએ. અમારી વિચારસરણી એક છે.
તેમણે કહ્યું કે અમને મરાઠાઓના સંઘર્ષ અને બલિદાન યાદ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દિલ્હીમાં બેઠેલા લોકો આપણને તોડી રહ્યા છે. આ વખતે આપણે તૂટશું નહીં. જો આવું થશે તો તે આપણા બલિદાનનું અપમાન હશે. તો રાજ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર અને મુંબઈ કોઈપણ ઝઘડા કરતા મોટા છે. આજે બંને ભાઈઓ સાથે છીએ. બેઠકોનું વિભાજન મહત્ત્વ ધરાવતું નથી. મુંબઈના મેયર મરાઠી હશે, તે આપણાં જ રહેશે. આ અગાઉ, ઠાકરે ભાઈઓ મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને રાજ ઠાકરે સાથે તેમના પુત્ર અમિત ઠાકરે પણ હતા. ઠાકરે પરિવાર એક સાથે શિવાજી પાર્ક પહોંચ્યો હતો.
શિવસેના (UBT) પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ ઠાકરે ભાઈઓના સાથે આવવા પર કહ્યું કે જનતા માટે કોઈ કામ થયું નથી અને જનતાના પૈસા લૂંટાઈ ગયા છે. તેમણે રાજકારણ માટે ભેગા થવાના પ્રશ્નને ફગાવી દેતા કહ્યું કે રાજકારણ અમારા માટે સેવાનું માધ્યમ છે. આ મહાયુતિ (મહાગઠબંધન) પૂરી જૂઠી છે. પ્રિયંકા ચતુર્વેદીએ એમ પણ કહ્યું કે મેયર અમારા જ હશે, મરાઠી જ હશે.
સંજય રાઉતે કહ્યું કે, આ એક ખૂબ મોટો દિવસ છે. બાળાસાહેબ ઠાકરેનો આખો પરિવાર એક સાથે આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આ એક પારિવારિક તો છે જ, પરંતુ આ એક રાજકીય ગઠબંધન પણ છે. આનાથી અમને BMC અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ખૂબ મોટો ફાયદો થશે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે BMC જીતવા જઈ રહ્યા છે.
ઠાકરે ભાઈઓ 20 વર્ષ બાદ એકસાથે આવ્યા છે. બંને પાર્ટીઓ વચ્ચે બેઠક વહેંચણી અંગે સહમતિ બની ચૂકી છે. શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદ સંજય રાઉત શિવતીર્થ પહોંચીને રાજ ઠાકરેને મળ્યા હતા. ત્યારબાદ રાજ ઠાકરેની પાર્ટીના નેતાઓએ મોડી સાંજે માતોશ્રી પહોંચીને ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી.
નોંધનીય છે કે બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધનની જાહેરાત 23 ડિસેમ્બરે થવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ તે મુલતવી રાખવામાં આવી હતી. શિવસેના (UBT) અને MNS વચ્ચે કેટલીક બેઠકો પર પેંચ ફસાયો હતો. ઉદ્ધવની પાર્ટી છેલ્લી BMC ચૂંટણીમાં જીતેલી 84 બેઠકોમાંથી 12-15 બેઠકો MNSને આપવા તૈયાર હતી. પરંતુ પેંચ મુશ્કેલ ગણાતી બેઠકો પર ફસાયો હતો.

