- Sports
- શું રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફી પછી નિવૃત્તિ લેવી જોઈએ? સૌરવ ગાંગુલીના નિવેદનથી ખળભળાટ
શું રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફી પછી નિવૃત્તિ લેવી જોઈએ? સૌરવ ગાંગુલીના નિવેદનથી ખળભળાટ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી એ વાત સાથે બિલકુલ સહમત નથી કે રોહિત શર્માએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. 37 વર્ષીય રોહિત શર્માએ ગયા વર્ષે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા પછી T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, ટીમ ઈન્ડિયા માટે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યા પછી, રોહિત શર્મા ODI આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

ODI વર્લ્ડ કપ માટે હજુ બે વર્ષ બાકી છે, તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, રોહિત શર્મા યુવાનો માટે જગ્યા બનાવશે. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી રોહિત શર્મા સાથે વાત કરી શકે છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મીડિયા સાથે વાત કરતા યાદ અપાવ્યું કે, રોહિત શર્માએ થોડા મહિના પહેલા જ ICC ટાઇટલ જીત્યું છે અને તેમનું સન્માન કરવું જોઈએ. સૌરવ ગાંગુલીએ કહ્યું, 'રોહિત શર્માની નિવૃત્તિ વિશે ચર્ચા કેમ થઈ રહી છે?' આ પ્રશ્ન શા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે? તેણે થોડા મહિના પહેલા જ વર્લ્ડ કપ (T20) જીત્યો હતો.'
સૌરવ ગાંગુલીએ કહ્યું, 'મને ખબર નથી કે પસંદગીકારો શું વિચારી રહ્યા છે, પરંતુ રોહિત શર્મા ખૂબ સારું રમી રહ્યો છે. ભારત ન્યુઝીલેન્ડ કરતા ઘણું સારું છે. ભારતે 2023ના વર્લ્ડ કપની ફાઇનલ રમી હતી, 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને તેઓ આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં હજુ પણ અપરાજિત છે. આ જ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતની તકો વિશે પૂછવામાં આવતા, ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, આ મેચમાં ભારત એક મજબૂત દાવેદાર છે.

સૌરવ ગાંગુલીએ કહ્યું, 'ભારત એક મજબૂત દાવેદાર છે. ટીમ ઈન્ડિયા સારા ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડી ખૂબ જ સારા ફોર્મમાં છે. વિરાટ કોહલી છે, શુભમન ગિલ છે, શ્રેયસ ઐયર છે, રોહિત શર્મા છે અને KL રાહુલ છે, બધા જ સારા ફોર્મમાં છે. આ એક સારો મુકાબલો હશે. ભારતની બોલિંગ લાઇનઅપ ખૂબ જ મજબૂત છે. કોઈ પણ જીતી શકે છે, કોઈ પણ હારી શકે છે. જો રોહિત શર્મા રવિવારે ટ્રોફી ઉપાડે છે, તો તે સૌરવ ગાંગુલી અને MS ધોની પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ત્રીજો ભારતીય કેપ્ટન બનશે. સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ભારત 2002માં શ્રીલંકા સાથે ચેમ્પિયન્સ ટ્રોફીનો સંયુક્ત વિજેતા હતો. આ પછી, ટીમ ઈન્ડિયાએ 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં બીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. હવે વર્ષ 2025માં, ટીમ ઈન્ડિયા પાસે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઇતિહાસ રચવાની તક છે.