સૂર્યાએ વ્યથા રજૂ કરતા કહ્યું- મને લાગ્યું હું ઓલિમ્પિક્સ અને આગામી T20 વર્લ્ડ કપમાં કેપ્ટન રહીશ પણ...
ભારતને T20 વર્લ્ડ કપનું ગૌરવ અપાવનાર કેપ્ટન જ્યારે સૂર્યકુમાર યાદવને જ્યારે આ વર્ષે ટૂર્નામેન્ટ પછી તરત જ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, ત્યારે આ નિર્ણય તેના માટે મોટો આઘાત સમાન હતો. જુલાઈ 2024માં ભારતની T20 કેપ્ટનશીપ સંભાળ્યા પછી, સૂર્યકુમારે તેના કાર્યકાળ દરમિયાન એક પણ T20 સીરિઝ હાર્યો નહોતો. તેના નેતૃત્વ હેઠળ ભારતે એશિયા કપ અને T20 વર્લ્ડ કપ બંને જીત્યા. આમ છતા પસંદગીકારોએ શ્રેયસ ઐય્યરને ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ માટે તેનાથી આગળ નીકળીને કેપ્ટન બનાવ્યો.
હવે, પહેલીવાર, સૂર્યકુમાર યાદવે બહાર થયા પછી તેના મનમાં શું ચાલી રહ્યું હતું તે ખુલીને જણાવ્યું છે. તેણે સ્વીકાર્યું કે શરૂઆતમાં તેણે પસંદગીકારોના નિર્ણયને સ્વીકારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થોડા સમય પછી તે જ પ્રશ્ન તેને અંદરથી પરેશાન કરવા લાગ્યો કે ‘આવું કેવી રીતે થઈ શકે? આ કેવી રીતે શક્ય છે?’
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન આકાશ ચોપરા સાથે વાત કરતા સૂર્યકુમારે કહ્યું કર્યો કે ટીમની જાહેરાત થઈ અને તેમાં તેનું નામ નહોતું, તો તેની પહેલી પ્રતિક્રિયા સ્મિત કરવાની હતી. તેણે કહ્યું દબાણ કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તે સ્મિત કરીને પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરે છે.
તેણે કહ્યું, જ્યારે મારું નામ નહોતું તો હું હસ્યો. છેલ્લા એક કે બે વર્ષથી, જ્યારે પણ મેં મુશ્કેલ પરિસ્થિતિઓમાં રહ્યો છું અથવા વસ્તુઓ મારા અનુસાર થઇ નથી, ત્યારે મેં હંમેશાં સ્મિત કરવાનો અને શાંત રહેવાનો પ્રયાસ કર્યો છે. મને મળેલી તકો માટે હું હંમેશાં આભારી રહ્યો છું.
જોકે, સૂર્યકુમારે સ્વીકાર્યું કે 2026ની શરૂઆતમાં તેને બિલકુલ અપેક્ષા નહોતી રાખી કે આટલો વહેલો આવો નિર્ણય તેની સામે આવશે. તેને લાગ્યું હતું કે, તે આગામી બે વર્ષ સુધી ટીમને આગળ લઇ જશે, જેમાં ઓલિમ્પિક્સ અને આગામી T20 વર્લ્ડ કપ જેવા મોટા લક્ષ્યો સામે હતા તેણે કહ્યું કે, મેં વિચાર્યું હતું કે હું આગામી બે વર્ષ માટે, 2026 પછી આ ટીમને આગળ લઇ જઇશ. ઓલિમ્પિક્સ આવશે, અને પછી એક T20 વર્લ્ડ કપ અને આગળ વિવિધ પડકારો હશે. પરંતુ તમે શું વિચારો છો અને બીજી વ્યક્તિ શું વિચારે છે તે બે ખૂબ જ અલગ બાબતો હોઈ શકે છે. જો પસંદગીકારોને લાગ્યું કે ભવિષ્ય માટે આ શ્રેષ્ઠ નિર્ણય છે, તો તેમણે તે નિર્ણય લીધો. મેં તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપી.
સૂર્યકુમારે શ્રેયસ ઐય્યરને કેપ્ટન બનાવવા સામે પણ કોઈ વાંધો ઉઠાવ્યો નથી. તેણે કહ્યું કે તે શ્રેયસને લાંબા સમયથી ઓળખે છે અને એક ખેલાડી, એક વ્યક્તિ અને એક કેપ્ટન તરીકે તેમના પર વિશ્વાસ છે. પરંતુ, ખરી મુશ્કેલી થોડા સમય પછી શરૂ થઈ. સૂર્યકુમારે સ્વીકાર્યું કે પસંદગીકારોના નિર્ણયને સમજવાનો પ્રયાસ કરવા છતા તે આ પ્રશ્નથી બહાર નીકળી શકતો નહોતો કે આખરે આ ફેરફારની જરૂરી શા માટે પડી.
સૂર્યકુમારે કહ્યું કે, હું થોડો નિરાશ થયો હતો. કારણ કે તમે બે વર્ષમાં એક પણ સીરિઝ ગુમાવી નથી. તમે વર્લ્ડ કપ અને એશિયા કપ જીત્યા. સ્વાભાવિક રીતે, તમે ઇચ્છો છો કે તે વસ્તું ચાલુ રહે. જ્યારે બધું આટલું સારું ચાલી રહ્યું હતું ત્યારે આ ફેરફાર કેમ? આ ફેરફારનું કારણ શું હતું? મારા મનમાં એ જ વાત ચાલી રહી હતી. તેણે કહ્યું કે ટીમમાંથી બહાર થયા પછી, તે લગભગ દોઢ મહિના સુધી ઘરે રહ્યો, આ પ્રશ્ન પર વિચાર કરતો રહ્યો.
સૂર્યા કહે છે કે, હું વિચારી રહ્યો હતો, આવું કેવી રીતે થઈ શકે? આ કેવી રીતે શક્ય છે? અમે હમણાં જ વર્લ્ડ કપ જીત્યો છે. હા, IPL એટલી સારી ન ગઇ, જેટલી હું ઇચ્છતો હતો, પણ હું ઘરે બેઠો હતો. મિત્રો આવ્યા, પરિવાર આવ્યો. બધાએ કહ્યું કે, 'કોઈ વાંધો નહીં, તે જીવનનો ભાગ છે. પરંતુ બધા ઘરે જતા રહે છે, ત્યારે તમે ઘરે એકલા રહી જાવ છો. આ તે સમય હતો જ્યારે વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનને પહેલીવાર પોતાના ભવિષ્ય વિશે ફરીથી વિચાર કરવો પડ્યો હતો.
સૂર્યકુમારે એ પણ જણાવ્યું કે પસંદગી સમિતિએ ટીમની જાહેરાતના લગભગ બે કે ત્રણ દિવસ પહેલા તેમનો સંપર્ક કર્યો હતો. તેને અગાઉથી જાણ કરવામાં આવી હતી કે તેનું નામ ઈંગ્લેન્ડ સીરિઝ માટે ટીમની યાદીમાં નહીં હોય. સૂર્યકુમારે કહ્યું કે, તેઓએ મને બે કે ત્રણ દિવસ પહેલા ફોન કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે આગળ વધવાનો સમય છે. મેં કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, કારણ કે તે મારો નિર્ણય નહોતો. જેણે પણ નિર્ણય લીધો, તેણે ટીમ માટે સમજીને લીધો હશે. તમે નિર્ણય લીધો અને મને જાણ કરી, તેમાં કોઈ વાંધો નથી.
સૂર્યકુમારનું આ નિવેદન સમગ્ર ઘટનાની બીજી બાજુ પર પ્રકાશ પાડે છે. એક તરફ, પસંદગીકારો પાસે બેટિંગ ફોર્મમાં ઘટાડો અને ભવિષ્ય માટે ટીમ તૈયાર કરવા જેવા કારણો હતા. જ્યારે બીજી તરફ, તેના નેતૃત્વ હેઠળ ભારતીય T20 ટીમનો રેકોર્ડ અસાધારણ રહ્યો હતો. એટલે કે, પ્રશ્ન ફક્ત એ જ નહોતો કે સૂર્યકુમારનું સ્થાન કોણ લેશે, પરંતુ એ પણ હતો કે જે કેપ્ટને ભારતને સતત જીત અપાવી તેને શા માટે પડતો મૂકવામાં આવ્યો? હવે, સૂર્યકુમારે પોતાની પીડા અને મૂંઝવણને શબ્દોમાં વ્યક્ત કરી છે.

