- World
- ‘બલૂચિસ્તાન અટલ બિહારી વાજપેયીને નહીં ભૂલી શકે’, બલૂચ નેતાને પૂર્વ ભારતીય વડાપ્રધાન કેમ યાદ આવ્યા?
‘બલૂચિસ્તાન અટલ બિહારી વાજપેયીને નહીં ભૂલી શકે’, બલૂચ નેતાને પૂર્વ ભારતીય વડાપ્રધાન કેમ યાદ આવ્યા?
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના અલગાવવાદી નેતા મીર યાર બલોચે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા છે. ગુરુવારે વાજપેયીની 101મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા મીર યારે કહ્યું કે, તેઓ એક શાનદાર નેતા હતા, જેમણે પોતાનો એક અદ્ભુત વારસો છોડ્યો છે. બલૂચિસ્તાનના લોકો ખાસ કરીને અટલ બિહારી વાજપેયીને યાદ કરે છે અને તેમના વારસાનું સન્માન કરે છે. મીર યારે તેમના સોશિયલ મીડિયા પર ભારતીય નેતાઓને સતત યાદ કરતા રહ્યા છે, જ્યારે પાકિસ્તાની સેના અને સરકારની આકરી ટીકા કરે છે.
મીર યારે તેમના X એકાઉન્ટ પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસ્થાપકોમાંથી એક વાજપેયીની તસવીર શેર કરલા લખ્યું કે, ‘આજે, 25 ડિસેમ્બર, 2025ના રોજ, બલૂચિસ્તાન પ્રજાસત્તાકના લોકો વિશ્વભરના લાખો લોકો સાથે મળીને અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ મનાવી રહ્યા છે. તેઓ એક એવા રાજનેતા હતા જેમનું જીવન પ્રામાણિકતા, શિષ્ટાચાર અને પોતાના દેશ પ્રત્યેની અટલ પ્રતિબદ્ધતા દ્વારા પરિભાષિત હતું.’
મીર યારે આગળ લખ્યું કે, ‘અટલ બિહારી વાજપેયી સત્ય બોલતા હતા, પ્રામાણિકતાથી કાર્ય કરતા હતા અને રાજકારણને એક કવિની આત્માની ગરિમા સાથે નિભાવતા હતા. મિત્રો અને વિરોધીઓ સાથે સમાન રૂપે કામ કરવાની તેમની ક્ષમતાએ તેમને સાર્વજનિક જીવનમાં એક દુર્લભ વ્યક્તિ બનાવ્યા. તેમનું સન્માન ફક્ત શક્તિ માટે નહીં, પરંતુ તેમના ચારિત્ર્ય, વિનમ્રતા અને નૈતિક શક્તિ માટે કરવામાં આવે છે.’
મીર યાર બલોચે પોતાની પોસ્ટના અંતમાં કહ્યું કે, ‘વાજપેયીના જન્મદિવસ પર, બલૂચિસ્તાન પ્રજાસત્તાકના લોકો તેમના સ્થાયી વારસાનું સન્માન કરે છે. તે એ વાતને યાદ અપાવે છે કે મહાન નેતાઓ ક્યારેય હકીકતમાં મૃત્યુ પામતા નથી. તેમના મૂલ્ય પેઢીઓને માર્ગ બતાવતા રહે છે. તેઓ ઇતિહાસમાં વિવેક, જ્ઞાન, પ્રામાણિકતા અને સાહસથી ભરેલા ભવિષ્યની આશામાં જીવંત રહે છે.’
3 વખત વડાપ્રધાન રહ્યા અટલ બિહારી વાજપેયી
અટલ બિહારી વાજપેયી ભારતના સૌથી પ્રખ્યાત રાજકારણીઓમાંથી એક છે. વાજપેયી લગભગ પાંચ દાયકા સુધી રાજકારણમાં સક્રિય રહ્યા. તેઓ 9 વખત લોકસભા અને 2 વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા. અટલ બિહારી વાજપેયી 1980માં રચાયેલી ભાજપના સંસ્થાપક અધ્યક્ષ હતા.
અટલ બિહારી વાજપેયી 1996 થી 2004 સુધી, 3 વખત ભારતના વડાપ્રધાન રહ્યા. વડાપ્રધાન ઉપરાંત, વાજપેયીએ વિદેશ મંત્રી, સંસદની ઘણી મહત્ત્વપૂર્ણ સ્થાયી સમિતિઓના અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. વાજપેયીને વર્ષ 2015 સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

