- World
- આ લોકો દુનિયામાં ભારતનું નામ ડૂબાડે છે? પૈસા ગમે એટલા હોય પણ સ્વભાવ ન બદલાય, હોટલનો સામાન ચોરી કરીને...
આ લોકો દુનિયામાં ભારતનું નામ ડૂબાડે છે? પૈસા ગમે એટલા હોય પણ સ્વભાવ ન બદલાય, હોટલનો સામાન ચોરી કરીને જતા પકડાયા
ઇન્ડોનેશિયાના બાલીમાં એક હોટલમાંથી ચેક આઉટ કરતી વખતે ચાર ભારતીયોને રોકવામાં આવ્યા હતા. તે ચારેય ભારતીયો પર હોટલનો સામાન ચોરી કરવાનો આરોપ હતો. જોકે, હોટેલ મેનેજમેન્ટે કોઈ કાનૂની કાર્યવાહી કરી ન હતી. પરસ્પર ચર્ચા દ્વારા આખો મામલો સમેટી લેવામાં આવ્યો હતો. ત્યાર પછી મુલાકાતીઓને હોટલમાંથી ચેક આઉટ કરવાની મંજૂરી આપવામાં આવી.
તરુણ ગૌતમ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી. તેણે પોતાની પોસ્ટમાં 4 ભારતીયોને કડક શબ્દોમાં ઠપકો પણ આપ્યો. તરુણે તેની પોસ્ટમાં લખ્યું, 'ભારતીય પ્રવાસીઓ હજુ પણ પાઠ શીખતા નથી. ઇન્ડોનેશિયાના બાલીના ઉબુદમાં પ્રવાસે ગયેલા કેટલાક ભારતીય પ્રવાસીઓને હોટલ સ્ટાફ દ્વારા હોટલમાંથી વસ્તુઓ ચોરી કરતા રંગે હાથે પકડવામાં આવ્યા હતા. તમે બીજા દેશમાં જઈને આવું જઘન્ય કૃત્ય કે ગુનો કેમ કરો છો? એક ભારતીય તરીકે, આ જોવું ખૂબ જ શરમજનક છે.'
ત્યાંના એક સ્થાનિક સમાચારપત્રમાં છપાયેલા સમાચાર અનુસાર, સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના 19 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે (સ્થાનિક સમય) પયાંગન જિલ્લાના કેલુસા ગામમાં સ્થિત અસ્વરા રિસોર્ટ ઉબુદમાં બની હતી. સ્થાનિક પોલીસ પ્રવક્તા ગુસ્તી ન્ગુરાહ સુઆર્ડિતાએ ચોરી અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, ચારેય પ્રવાસીઓ 16 એપ્રિલે હોટેલમાં આવ્યા હતા અને ત્રણ દિવસ અને બે રાત માટે બે રૂમ બુક કરાવ્યા હતા. તેઓ 19 એપ્રિલની સવારે ચેક આઉટ કરવાના હતા. ત્યાં સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું.
પરંતુ જ્યારે ચારેય પ્રવાસીઓનો ચેક આઉટ કરવાનો સમય આવ્યો, ત્યારે રિસોર્ટના કર્મચારીઓને રૂમમાંથી ઘણી વસ્તુઓ ગુમ થઈ ગઈ હોવાનું જણાયું. તેમણે તાત્કાલિક આ ભારતીય પ્રવાસીઓને રોક્યા અને તેમના બેગની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન, પ્રવાસીઓના બેગમાંથી ગુમ થયેલી વસ્તુઓ મળી આવી.
રિસોર્ટના રૂમમાંથી ચોરાયેલી વસ્તુઓમાં એક ટુવાલ, એક પૂલ ટુવાલ, એક હેર ડ્રાયર, એક કીમોનો ઝભ્ભો (નાઈટગાઉન જેવો ડ્રેસ), એક ડોરમેટ, એક TV રિમોટ કંટ્રોલ બોક્સ અને કેટલાક વાસણોનો સમાવેશ થાય છે. પ્રવાસીઓ આ બધી વસ્તુઓ બેગમાં લઈ જઈ રહ્યા હતા.
https://twitter.com/TARUNspeakss/status/2046642563470459070
અહીં તમને એ બતાવી દઈએ કે, ચોરી કરી હતી છતાં, રિસોર્ટ મેનેજમેન્ટે ચારેય સામે કોઈ કાનૂની કાર્યવાહી કરી ન હતી. પરસ્પર ચર્ચા દ્વારા મામલો ઉકેલાઈ ગયો હતો.

