- World
- અમેરિકામાં 92 વર્ષના જજ સામે માદુરોનો કેસ! USમાં ન્યાયાધીશો નિવૃત્ત કેમ નથી થતા?
અમેરિકામાં 92 વર્ષના જજ સામે માદુરોનો કેસ! USમાં ન્યાયાધીશો નિવૃત્ત કેમ નથી થતા?
વિશ્વની સૌથી શક્તિશાળી અદાલતોમાંની એક ગણાતી અમેરિકન ન્યાયિક વ્યવસ્થા ફરી એકવાર સમાચારમાં છે. એનું કારણ એ છે કે, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનો કેસ 92 વર્ષના ન્યાયાધીશ સમક્ષ છે. આ સુનાવણીએ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે અમેરિકન ન્યાયાધીશો આટલી મોટી ઉંમરે પણ કેવી રીતે અને શા માટે કામ કરવાનું ચાલુ રાખે છે? શું અમેરિકામાં નિવૃત્તિ જેવી કોઈ વસ્તુ નથી? તો ચાલો આપણે આ સમગ્ર બાબત સમજી લઈએ.
જ્યારે 92 વર્ષના US ડિસ્ટ્રિક્ટ જજ એલ્વિન હેલરસ્ટીન વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના કેસની સુનાવણી માટે બેન્ચ પર બેઠા, ત્યારે ફરી એકવાર પ્રશ્ન ઉભો થયો કે, શું ઉંમર ખરેખર ન્યાયાધીશના પ્રદર્શનમાં અવરોધ છે? અમેરિકામાં તેનો જવાબ સ્પષ્ટ છે- બિલકુલ નહીં. ન્યાયાધીશ હેલરસ્ટીને માદુરો કેસમાં કાર્યવાહી જે રીતે હાથ ધરી તે અમેરિકન ન્યાયિક વ્યવસ્થાના માળખાને પ્રકાશિત કરે છે, જ્યાં ઉંમર નહીં પણ યોગ્યતા અને બંધારણીય રક્ષણને સર્વોપરી માનવામાં આવે છે.
ઘણા દેશોમાં 90 વર્ષથી વધુ ઉંમરના ન્યાયાધીશ દ્વારા મુખ્ય કેસોની સુનાવણી કરાવી કંઇક અજુગતું થઇ રહ્યું હોય તેવું લાગે છે, પરંતુ USમાં તે પુરી રીતે સામાન્ય ગણાય છે. આ US બંધારણના કલમ IIIને કારણે છે. આ કલમ હેઠળ, ફેડરલ ન્યાયાધીશો (સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સહિત)ને આજીવન નિમણૂકો મળે છે. આનો અર્થ એ છે કે, ન્યાયાધીશો માટે કોઈ ફરજિયાત નિવૃત્તિ વય નથી હોતી. તેમને ફક્ત મહાભિયોગ દ્વારા દૂર કરી શકાય છે. આ સિસ્ટમનો હેતુ ન્યાયાધીશોને રાજકીય દબાણથી બચાવવા અને ન્યાયિક સ્વતંત્રતાને મજબૂત બનાવવાનો છે. આ જ કારણ છે કે અમેરિકન ન્યાયિક પ્રણાલી દુનિયાથી એકદમ અલગ જ છે. અહીં ન્યાયાધીશોની નિમણૂક આજીવન કરવામાં આવે છે, અને તેમને તેમના પદ પરથી દૂર કરવામાં ઉંમર ક્યારેય પરિબળ નથી હોતી.

યુનાઇટેડ સ્ટેટ્સમાં લોકો લાંબા સમય સુધી જીવે છે, તેથી ન્યાયાધીશોની કારકિર્દી હવે 30થી 40 વર્ષ કે તેથી વધુ સુધી વિસ્તરે છે. તાજેતરના અભ્યાસો અનુસાર, ફેડરલ ન્યાયાધીશની સરેરાશ ઉંમર લગભગ 69 વર્ષ છે. તેમને નિવૃત્તિ લેવા દબાણ કરવાનો કોઈ સીધો કાનૂની રસ્તો નથી.
જે ન્યાયાધીશો સંપૂર્ણપણે નિવૃત્તિ લેવા માંગતા નથી, તેમના માટે 'વરિષ્ઠ દરજ્જો'નો વિકલ્પ છે. 65 વર્ષની ઉંમર અને ઓછામાં ઓછા 15 વર્ષની સેવા પછી, વરિષ્ઠ ન્યાયાધીશોને તેમનો સંપૂર્ણ પગાર મળે છે, પરંતુ ઓછા કેસ સાંભળવામાં આવે છે. આવું એકતરફ અનુભવ સાચવે છે અને બીજી તરફ નવી નિમણૂકો માટે જગ્યા પણ બનાવે છે.
નિવૃત્તિ માટે જાહેર દબાણ મોટે ભાગે સુપ્રીમ કોર્ટ સ્તરે જ જોવા મળે છે.
રુથ બેડર ગિન્સબર્ગે સ્વાસ્થ્ય ખરાબ હોવા છતાં રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો. તેમનું 2020માં 87 વર્ષની વયે ઓફિસમાં જ તેમનું અવસાન થયું હતું. આનાથી ડોનાલ્ડ ટ્રમ્પને એમી કોની બેરેટની નિમણૂક કરવાની મંજૂરી મળી, જેનાથી સુપ્રીમ કોર્ટના 6-3 રૂઢિચુસ્ત બહુમતી વધારે મજબૂત થઈ ગઈ.
ગયા ઓગસ્ટમાં, US કોર્ટ ઓફ અપીલ્સે 98 વર્ષીય જજ પૌલિન ન્યુમેનના સસ્પેન્શનને લંબાવ્યું, જેમણે તેમની ફિટનેસનું મૂલ્યાંકન કરવા માટે ન્યુરોલોજીકલ ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો હતો. પૌલિન ન્યુમેન કોર્ટના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ન્યાયાધીશ અને પ્રખ્યાત પેટન્ટ નિષ્ણાત હતા, પરંતુ તેમના કાનૂની પડકારને કોર્ટમાં ફગાવી દેવામાં આવ્યો હતો.
એલ્વિન હેલરસ્ટીન ન્યૂ યોર્કમાં US ફેડરલ ડિસ્ટ્રિક્ટ જજ છે. તેઓ 1998થી આ પદ પર છે અને હવે તેઓ વરિષ્ઠ હોદ્દો ધરાવે છે. તેઓ 92 વર્ષના છે, પરંતુ તેઓ હજુ પણ હાઇ-પ્રોફાઇલ કેસ સંભાળે છે. માદુરો ઉપરાંત, તેમણે 9/11 હુમલાઓ, ટ્રમ્પ સંબંધિત કેસ અને ઘણા અન્ય વેનેઝુએલાના લોકો સાથે સંકળાયેલા ડ્રગ કેસોની સુનાવણી કરી છે. એપ્રિલ 2024માં, તેમણે માદુરોના નજીકના વિશ્વાસુ જનરલ ક્લાઇવર અલ્કાલાને 21 વર્ષની જેલની સજા ફટકારી.

