- World
- પ્રેમ કરતી વખતે ગર્લફ્રેન્ડ પર 31 કરોડનો ખર્ચ કર્યો, બ્રેકઅપ બાદ પૈસા વસૂલવા કેસ કર્યો, કોર્ટે આપ્યો...
પ્રેમ કરતી વખતે ગર્લફ્રેન્ડ પર 31 કરોડનો ખર્ચ કર્યો, બ્રેકઅપ બાદ પૈસા વસૂલવા કેસ કર્યો, કોર્ટે આપ્યો ચુકાદો
સિંગાપોરમાં એક ભારતીય મૂળના CEOએ તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા પછી કોર્ટમાં અરજી કરી છે. તેમના રિલેશનશિપ દરમિયાન, તેણે કથિત રીતે તેને Prada અને Dior જેવી મોંઘી બ્રાન્ડ ભેટ આપી હતી. તેણે ભેટો પર ખર્ચાયેલા પૈસા વસૂલવા માટે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને કોર્ટમાં બોલાવી હતી. જોકે, તે કેસ હારી ગયો, અને કોર્ટે ચુકાદો આપ્યો કે તેણે ભેટો પર જે પણ પૈસા ખર્ચ્યા હતા તે સ્વેચ્છાએ ખર્ચ્યા હતા.
વાદી ચંદ્ર અગ્રવાલ છે, જે ભારતીય લોજિસ્ટિક્સ કંપની TCI એક્સપ્રેસના CEO અને મેનેજિંગ ડિરેક્ટર છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ કેસની સુનાવણી સિનિયર જજ લી સીઓ કાન દ્વારા કરવામાં આવી હતી. તેમના લેખિત ચુકાદામાં, ન્યાયાધીશે જણાવ્યું હતું કે, ચંદ્રાએ બધી ભેટો સ્વેચ્છાએ આપી હતી કારણ કે તે સમયે તે પ્રેમમાં હતો. ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે, જ્યારે તે મહિલા સાથે સંબંધમાં હતો, ત્યારે તે તેના પર 'ફિદા' હતો અને તેથી તેની પર તે મોંઘી ભેટોનો વરસાદ કરતો હતો, પરંતુ જ્યારે તે બંનેનું બ્રેકઅપ થયું, ત્યારે તે ગુસ્સે થઈ ગયો.
કોર્ટે એ પણ શોધી કાઢ્યું કે, ચંદ્રાએ લી સાથે સંબંધ રાખતી વખતે અન્ય મહિલાઓ સાથે પણ શારીરિક સંબંધો રાખ્યા હતા.
ચંદ્રા તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ફેલિસિયા લીને 2019માં મળ્યા હતા. તેમનો સંબંધ સપ્ટેમ્બર 2022થી ડિસેમ્બર 2023 સુધી ચાલ્યો હતો. સંબંધ દરમિયાન, તેમનો વિવાદ થયો, જેના કારણે તેમનું બ્રેકઅપ થયું. બ્રેકઅપના થોડા મહિના પછી, ચંદ્રાએ માર્ચ 2024માં લી સામે દાવો દાખલ કર્યો. મુકદ્દમામાં, તેમણે જણાવ્યું હતું કે તેમણે લીને ભેટમાં જે વસ્તુઓ આપેલી હતી, તે લોન હતી.
ચંદ્રાએ લી પર આરોપ મુક્યો કે, તેણે ક્રેડિટ કાર્ડ પર આશરે 19 કરોડ, વિદેશ પ્રવાસ પર 12 કરોડ, લીના ફ્લેટ માટે 16 લાખ, અને સ્ટેનફોર્ડ-NUS એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ ફી માટે આશરે 28 લાખ ખર્ચ કર્યા હતા. ચંદ્રા કોર્ટમાં બે અન્ય મોટી રકમના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયા. તેમણે દાવો કર્યો હતો કે તેમણે ભૂતપૂર્વ એમ્પ્લોયર દ્વારા ચૂકવવામાં આવતા દેવાની ચૂકવણી કરવા માટે લીને ઉછીના આપ્યા હતા. અરજદારે કોર્ટમાં હાથથી લખેલો એક કરાર પણ રજૂ કર્યો.
કરારમાં બંનેના હસ્તાક્ષર હોવાનો આરોપ છે, પરંતુ લીએ આવા કોઈપણ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, CEOએ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને તેના અમેરિકન એક્સપ્રેસ કાર્ડની ઍક્સેસ આપી હતી, અને કહ્યું હતું કે 'તે જે ઇચ્છે તે લઈ લે'. કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, જ્યારે લીએ ચંદ્રાને પૈસા પરત કરવા વિશે પૂછ્યું, ત્યારે તેણે કથિત રીતે કહ્યું કે, તેની કોઈ જરૂર નથી, 'હું કંઈ મની-લેંડર (પૈસા ધીરનાર) નથી.'

