- World
- ભારતીય મૂળની વસુંધરા ઓસ્વાલ કોણ છે? યુગાન્ડાની જેલ તેના માટે બની નર્ક
ભારતીય મૂળની વસુંધરા ઓસ્વાલ કોણ છે? યુગાન્ડાની જેલ તેના માટે બની નર્ક

ભારતીય મૂળના અબજપતિ બિઝનેસમેન પંકજ ઓસવાલની પુત્રી વસુંધરા ઓસવાલ આ દિવસોમાં લાઇમલાઇટમાં છે. સોશિયલ મીડિયા પર વસુંધરાએ યુગાન્ડા જેલમાં વિતાવેલા દિવસો બાબતે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એટલું જ નહીં, વસુંધરા ઓસ્વાલે દાવો કર્યો છે કે યુગાન્ડામાં તેના માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું છે.
ચોંકાવનારી વાત એ છે કે જે વ્યક્તિની હત્યામાં વસુંધરાને જેલમાં બંધ રાખવામાં આવી તે જીવતો નીકળ્યો. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. વસુંધરાએ યુગાન્ડા સરકારને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. યુગાન્ડાની મીડિયા અનુસાર, વસુંધરા પર તેના પિતા પંકજ ઓસવાલના પૂર્વ કર્મચારી મુકેશ મેનારિયાનું અપહરણ અને હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો. પરંતુ તપાસ બાદ મુકેશ તંઝાનિયામાં મળ્યો અને તે બીમાર હતો.
મીડિયાને આપેલા નિવેદનમાં, વસુંધરાએ દાવો કર્યો કે આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં બંધ કરવામાં આવી હતી. વસુંધરાનો આરોપ છે કે જેલમાં તેમને ખાવાનું આપવામાં આવતું નહોતું અને તેને નાહવાની પણ મંજૂરી નહોતી. તેના પિતા પંકજ ઓસવાલને તેમની પાસે જીવિત રહેવા સુધીનું ખાવાનું પહોંચાડવા માટે મોટી રકમ ખર્ચવી પડી.
તેણે આરોપ લગાવ્યો કે જેલમાં તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. તેના વિરોધ કરવા છતા, પોલીસકર્મીઓ તેની સાથે ગેરવર્તન કરતા રહ્યા. વસુંધરાનો આરોપ છે કે તેને 1 ઓક્ટોબર, 2024ના રોજ કસ્ટડીમાં લેવામાં આવી હતી. ત્યારબાદ 21 ઓક્ટોબરે તેને જામીન મળ્યા. આ દરમિયાન, જેલમાં તેને નર્ક જેવું જીવન જીવવું પડ્યું. તેને એક કોઠરીમાં કસ્ટડીમાં રાખવામાં આવી હતી.