- Tech & Auto
- 3 કલાકમાં 1668 KM, ભાડું માત્ર રૂ.600! આનંદ મહિન્દ્રા પણ WIG ક્રાફ્ટના ચાહક બન્યા
3 કલાકમાં 1668 KM, ભાડું માત્ર રૂ.600! આનંદ મહિન્દ્રા પણ WIG ક્રાફ્ટના ચાહક બન્યા

કોલકાતાથી ચેન્નાઈ સુધીની મુસાફરી, જે આશરે 1,668 Kmની છે અને પૂર્ણ થવામાં ઓછામાં ઓછા 30 કલાક લાગે છે, તે હવે થોડા કલાકોમાં જ પૂર્ણ થઈ શકે છે. હા, IIT મદ્રાસમાં કાર્યરત સ્ટાર્ટઅપ વોટરફ્લાય ટેક્નોલોજીસ એક ઇલેક્ટ્રિક Sea Glider વિકસાવી રહી છે. જેના કારણે આ યાત્રા માત્ર 3 કલાકમાં પૂર્ણ થઈ શકશે અને તેનું ભાડું માત્ર 600 રૂપિયા રહેશે. તમને આ વાંચીને આશ્ચર્ય તો જરૂર થશે પણ જો બધું બરાબર રહ્યું તો આ વાત ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે.
હકીકતમાં, IIT મદ્રાસના ઇન્ક્યુબેશન સેલ દ્વારા સમર્થિત સ્ટાર્ટઅપ વોટરફ્લાય ટેક્નોલોજીસે આ ચોંકાવનારો દાવો કર્યો છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ કંપનીના આ દાવાના ચાહક બની ગયા છે. આનંદ મહિન્દ્રાએ તો ત્યાં સુધી કહ્યું કે, IIT મદ્રાસ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં સિલિકોન વેલીને સખત સ્પર્ધા આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે…!
તાજેતરમાં બેંગલુરુમાં એરો ઇન્ડિયા 2025માં, વોટરફ્લાય ટેક્નોલોજીસે ભારતમાં એક નવા પરિવહન મોડની ડિઝાઇનનું પ્રદર્શન કર્યું. તેને WIG ક્રાફ્ટ નામ આપવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વિગ ક્રાફ્ટ સમુદ્ર સપાટીથી 4 મીટર ઉપર ચાલશે અને આની મદદથી, કોલકાતાથી ચેન્નાઈ ફક્ત 600 રૂપિયામાં મુસાફરી કરી શકાશે.

આનંદ મહિન્દ્રાએ આ ઇલેક્ટ્રિક સીગ્લાઇડરની ડિઝાઇનની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પરની એક પોસ્ટનો જવાબ આપતા તેમણે કહ્યું, 'સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાની વાત આવે ત્યારે IIT મદ્રાસ સિલિકોન વેલીને તેની સ્પર્ધા માટે ટક્કર આપી રહ્યું છે...! લગભગ દર અઠવાડિયે એક નવા 'ટેકવેન્ચર'ના સમાચાર આવે છે. આની અંદર મને જે પસંદ આવ્યું છે તે ફક્ત આપણા ભવ્ય જળમાર્ગોનો ઉપયોગ કરવાનું વચન જ નથી આપતું, પરંતુ એ હકીકત પણ છે કે આ યાન ખૂબ જ અદ્ભુત રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે!'

મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, વોટરફ્લાય ટેક્નોલોજીસ એક ઇલેક્ટ્રિક Sea Glider વિકસાવી રહી છે. વિંગ-ઇન-ગ્રાઉન્ડ (WIG) ક્રાફ્ટ તરીકે પણ ઓળખાય છે. આ વિગ ક્રાફ્ટને વિમાન અને જહાજોના સારા વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ આ વિગ ક્રાફ્ટ પાણીની સપાટીથી લોન્ચ કરવામાં આવશે. જે સપાટીથી આશરે 4 મીટર ઉપર ચાલશે અને કાર્યક્ષમતા વધારવા માટે ગ્રાઉન્ડ ઇફેક્ટનો ઉપયોગ કરશે. તેની ગતિ 500 Km/h સુધીની હોઈ શકે છે.
મીડિયા સૂત્રને આપેલા એક નિવેદનમાં, વોટરફ્લાયના CEO અને સહ-સ્થાપક હરીશ રાજેશે જણાવ્યું હતું કે, 'WIG ક્રાફ્ટ દ્વારા કોલકાતાથી ચેન્નાઈ સુધીની 1,600 Kmની મુસાફરીનો ખર્ચ પ્રતિ સીટ માત્ર 600 રૂપિયા થશે, જે AC 3-ટાયર ટ્રેનની ટિકિટ કરતાં ઘણો સસ્તો છે, જેની કિંમત 1,500 રૂપિયાથી પણ વધુ છે.'
IIT Madras promises to rival silicon valley in terms of nurturing startups…!
— anand mahindra (@anandmahindra) February 25, 2025
Almost every week there’s news of a new ‘TechVenture’
What I like about this one is not just the promise of exploitation of our vast waterways, but the fact that the design of the craft is stunning!… https://t.co/UttbRFYQGW
તેમણે એમ પણ કહ્યું કે, આ યાન પાણીમાંથી ઉડાન ભરી શકશે અને ચાર મીટરની સ્થિર ઊંચાઈ જાળવી શકશે. જેના કારણે કોઈપણ પ્રકારના એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત, આ યાન પાણી, બરફ, રણ કે અન્ય કોઈપણ ભૂપ્રદેશમાં પણ ઉડી શકશે. વોટરફ્લાય આ સીગ્લાઇડર્સ એરલાઇન્સને વેચવાની યોજના બનાવી રહી હોવાના અહેવાલ છે. વોટરફ્લાય 2029 સુધીમાં દુબઈથી લોસ એન્જલસ અને ચેન્નાઈ-સિંગાપોર જેવા આંતરરાષ્ટ્રીય રૂટનું મેપિંગ પણ કરશે તેવું જાણવા મળ્યું છે.