- Tech and Auto
- સેમસંગે લોન્ચ કરી S26 સીરિઝ, વિશ્વનો પ્રથમ 2nm ચીપસેટથી સજ્જ છે આ સ્માર્ટફોન, જાણી લો કિંમત
સેમસંગે લોન્ચ કરી S26 સીરિઝ, વિશ્વનો પ્રથમ 2nm ચીપસેટથી સજ્જ છે આ સ્માર્ટફોન, જાણી લો કિંમત
સેમસંગે તેની નવી ફ્લેગશિપ સ્માર્ટફોન સીરિઝ, ગેલેક્સી S26 લોન્ચ કરી દીધી છે. આ સીરિઝમાં ગેલેક્સી S26, S26+ અને ગેલેક્સી S26 અલ્ટ્રાનો સમાવેશ થાય છે. આ વખતે કંપનીનું ધ્યાન કેમેરા, પરફોર્મન્સ અને AI એક્સપીરિયન્સ પર રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય રોજિંદા કાર્યોને સરળ બનાવવાનો છે. સેમસંગનું કહેવું છે કે, ‘આ સીરિઝમાં AI બેકગ્રાઉંડમાં કામ કરે છે, યુઝરને વારંવાર કઈ કરવાની જરૂરિયાત નથી. ફોન પોતે યુઝરની આદતોને સમજેને મદદ કરે છે.’
ગેલેક્સી S26 અલ્ટ્રા કંપનીનો અત્યાર સુધીનો સૌથી પાતળો અલ્ટ્રા ફોન હોવાનું કહેવાય છે. તેની જાડાઈ 7.9mm છે અને તેમાં એક નવી પ્રાઇવસી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સુવિધા જાહેર સ્થળોએ અન્ય લોકોની નજરથી સ્ક્રીનને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. મેટ્રો, કાફે અથવા ઓફિસમાં ફોનનો ઉપયોગ કરતી વખતે તે કામ આવે છે. સેમસંગે જણાવ્યું છે કે, ‘આ સામાન્ય પ્રાઇવસી ગ્લાસથી અલગ છે કારણ કે અહી હાર્ડવેર-સ્તરના પ્રાઇવસી ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે તેને નિયંત્રિત કરી શકશો. એટલે કે જો તમે ડિસ્પ્લેના કોઈપણ ભાગને અન્ય લોકોથી છુપાવવા માંગતા હો, તો તે પણ સેટિંગ્સ દ્વારા કરી શકાય છે.
ભારતની અંદર કિંમત શું છે?
સેમસંગ ગેલેક્સી S26 અલ્ટ્રા 3 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 256GB સ્ટોરેજ અને 12GB RAMવાળા મોડેલની કિંમત 1,39,999 રૂપિયા રાખવામાં આવી છે. 512GB સ્ટોરેજ અને 12GB RAMવાળા વેરિયન્ટની કિંમત 1,59,999 રૂપિયા છે. તો ટોપ વેરિયન્ટ 1TB સ્ટોરેજ અને 16GB RAM સાથે આવે છે, જેની કિંમત 1,89,999 રૂપિયા છે.
સેમસંગ ગેલેક્સી S26 પ્લસ બે વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે. 256GB સ્ટોરેજ અને 12GB RAMવાળા મોડેલની કિંમત 1,19,999 રૂપિયા છે. 512GB સ્ટોરેજ અને 12GB RAMવાળા વેરિયન્ટની કિંમત 1,39,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
સેમસંગ ગેલેક્સી S26ના બેઝ વેરિયન્ટમાં 256GB સ્ટોરેજ અને 12GB RAM આપવામાં આવી છે, તેની કિંમત 87,999 રૂપિયા છે. તો 512GB સ્ટોરેજ અને 12GB RAMવાળા વેરિયન્ટની કિંમત 1,07,999 રૂપિયા છે.
સેમસંગ ગેલેક્સી બડ્સ 4ની કિંમત ભારતમાં 16,999 રૂપિયા છે. ગેલેક્સી બડ્સ 4 પ્રોની કિંમત 22,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
પરફોર્મન્સ અને ચાર્જિંગમાં મોટા અપગ્રેડ
ગેલેક્સી S26 અલ્ટ્રામાં નવું સ્નેપડ્રેગન 8 એલીટ જેન 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આનાથી ફોનની સ્પીડ અને મલ્ટીટાસ્કિંગમાં સુધારો થાય છે. ગેમ રમતી વખતે અથવા ભારે એપ્લિકેશનો ચલાવતી વખતે ફોન ધીમો પડતો નથી. ભારતમાં ગેલેક્સી S26 અલ્ટ્રામાં ક્વોલકોમની 3nm-આધારિત ચિપસેટ મળશે. રસપ્રદ વાત એ છે કે, ગેલેક્સી S26 અને ગેલેક્સી S26 પ્લસમાં 2nm-આધારિત Exynos 2600 ચિપસેટ આપવામાં આવી છે. આ 2-નેનોમીટર આર્કિટેક્ચર પર બનાવવામાં આવેલો વિશ્વનો પ્રથમ ચિપસેટ છે. તે કેટલું ઝડપી છે તે જોવું રસપ્રદ રહેશે.
ચાર્જિંગમાં પણ મોટો સુધારો કરવામાં આવ્યો છે. ફોનમાં સુપર ફાસ્ટ ચાર્જિંગ 3.0 આપવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, બેટરી 30 મિનિટમાં 75% સુધી ચાર્જ થઈ જાય છે. ગેલેક્સી S26 અલ્ટ્રાની કેમેરા સિસ્ટમમાં ખૂબ અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ ફોન 30 fps પર 8K વીડિયો રેકોર્ડ કરી શકે છે. ફોટા અને વીડિયો ઓછા પ્રકાશમાં વધુ ક્લિયર આવે છે. નાઈટગ્રાફી વીડિયો ફીચરમાં સુધારો કરવામાં આવ્યો છે. અહી 200-મેગાપિક્સલ વાઈડ અને 50-મેગાપિક્સલ ટેલિફોટો લેન્સ છે. આ ઉપરાંત, બે વધુ લેન્સ આપવામાં આવ્યા છે.
ઓટો ફ્રેમિંગ ફીચર
ગેલેક્સી S26 સીરિઝમાં ઓટો-ફ્રેમિંગ ફીચર પણ છે. આની મદદથી, તમે ક્વાલિટી ઓછી કર્યા વિના સબજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને વીડિયો રેકોર્ડ કરી શકો છો. વીડિયો શૂટ કરતી વખતે હાથ ધ્રુજારી અટકાવવા માટે સુપર સ્ટેડી ફીચરને મજબૂત બનાવવામાં આવ્યું છે. સેલ્ફી કેમેરામાં પણ સુધારો કરવામાં આવ્યો છે. ચહેરાના રંગો હવે વિવિધ લાઇટિંગ પરિસ્થિતિઓમાં પણ વધુ કુદરતી દેખાય છે. ઘણા નવા ફોટો અને વીડિયો મોડ્સ પણ રજૂ કરવામાં આવ્યા છે.
આ ફોન હાઇ ક્વાલિટી વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. આનાથી વીડિયો ઓછા ડેટામાં સેવ થાય છે અને શેર કરવાનું સરળ બની જાય છે. સેમસંગે આ સીરિઝમાં AIને વધુ ઉપયોગી બનાવ્યું છે. નવી Now Nudge ફીચર સમયસર અને સંબંધિત સૂચનો પ્રદાન કરે છે. નોટિફિકેશનની ભીડ વિના આ ફીચર કામની વાતો યાદ અપાવે છે.
ગેલેરીમાં એક પ્રોમ્પ્ટ વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે, એટલે કે પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીને તમે ત્યાં જ ફોટા એડિટ કરી શકો છો. તમે લખીને ફોટા એડિટ કરાવી શકો છો. ઑબ્જેક્ટ દૂર કરવાથી લઈને અન્ય નવા વિકલ્પો સુધી, ઘણા નવા વિકલ્પો ઉમેરવામાં આવ્યા છે, જે ફોટો એડિટિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે.
આ ફીચર સાથે, કંપનીએ ક્રોસ-એપ AI વિકલ્પ રજૂ કર્યો છે. એટલે કે તમે એક એપ્લિકેશનમાં આદેશો આપીને મલ્ટિપલ એપ્લિકેશનો સાથે ઇન્ટ્રેક્ટ કરી શકો છો. જો કે, તેના માટે થોડી જ એપ્લિકેશનોનો સપોર્ટ છે. બિક્સબીને પણ વધુ સ્માર્ટ બનાવવામાં આવ્યું છે. હવે યુઝર સામાન્ય ભાષામાં બોલીને ફોનને નિયંત્રિત કરી શકે છે. સેટિંગ્સ બદલવા, કૉલ કરવો અથવા સંદેશા મોકલવા સરળ બન્યા છે. Now Brief અને Circle to Search જેવા ફીચર્સમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોનમાં Gemini અને Perplexity જેવા AI ટૂલ્સને પણ સપોર્ટ કરે છે.
સેમસંગે આ સીરિઝમાં સિક્યોરિટી પર ખાસ ધ્યાન આપ્યું છે. ફોનમાં એક ખાનગી આલ્બમ આપવામાં આવ્યું છે, જ્યાં ફોટા અને વીડિયો અલગથી લોક કરીને રાખી શકાય છે. કંપનીએ વચન આપ્યું છે કે ગેલેક્સી S26 સીરિઝમાં 7 વર્ષ માટે OS અપડેટ્સ અને સિક્યોરિટી અપડેટ્સ પ્રાપ્ત થશે. આ ફોન લાંબા સમય સુધી નવા જેવો કામ કરતો રહેશે.
ગેલેક્સી બડ્સ 4 પણ લોન્ચ
ગેલેક્સી S26ની સાથે, સેમસંગે ગેલેક્સી બડ્સ 4 અને બડ્સ 4 પ્રો પણ લોન્ચ કર્યા છે. બડ્સ 4 પ્રોમાં સારી સાઉન્ડ ગુણવત્તા માટે મોટું વૂફર આપ્યું છે. નોઇસ કેન્સલેશન અને કોલ ક્વાલિટીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. આ બડ્સમાં AI સુવિધાઓ પણ આપવામાં આવી છે. કોલ દરમિયાન અવાજ સ્પષ્ટ થાય છે.
ગેલેક્સી S26 સીરિઝના બધા ફોનમાં પ્રીમિયમ ડિઝાઇન સાથે આવે છે. કંપનીએ ઘણા નવા રંગ વિકલ્પો રજૂ કર્યા છે. સેમસંગનું કહેવું છે કે ગેલેક્સી S26 સીરિઝ માત્ર એક નવો ફોન નથી, તે કંપનીના AI ફ્યુચરની દિશામાં એક મોટું પગલું છે. કંપની ઇચ્છે છે કે યુઝર્સને ટેક્નોલોજી ઓછી અનુભવાય અને ફાયદો વધુ મળે.

