- Gujarat
- મંત્રી-ધારાસભ્યોને માન-સન્માન ન આપનારા અધિકારીઓની ખેર નહીં, થશે કાર્યવાહી
મંત્રી-ધારાસભ્યોને માન-સન્માન ન આપનારા અધિકારીઓની ખેર નહીં, થશે કાર્યવાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રીઓ અને ધારાસભ્યોને સરકારી અધિકારીઓ ગાંઠતા ન હોવાની અને જિલ્લાના પ્રવાસ દરમિયાન માન સન્માન ન મળતું ન હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ 2 મહિના અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અધિકારીઓ કામ ન કરતા હોવાની ફરિયાદ કરી હતી. તેમજ અધિકારીઓની માનસિકતા સામે જ ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા.
ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખવામાં આવેલા આ પત્રમાં અધિકારીઓની ટીકા કરી હતી. સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ લેખિત પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્રની સૂચનાઓનો ભંગ કરનાર સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં લોકપ્રતિનિધિઓના માન-સન્માન અંગે ઉઠતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ સાંસદ, મંત્રી અને ધારાસભ્યો સહિતના લોકપ્રતિનિધિઓ સાથે વિવેકપૂર્ણ અને સન્માનજનક વર્તન રાખે. સરકારને મળતી રજૂઆતોમાં લોકપ્રતિનિધિઓ સાથે યોગ્ય વ્યવહાર ન થતો હોવાની બાબતો સામે આવતા આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, હાલ રાજ્યમાં ઠેર-ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખંભોળે ચડ્યો છે. પ્રજાના કામ જાણે કે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી. એક સામાન્ય માણસે પોતાનું નાનું કામ ક સરકારી કચેરીમાં કરાવવું એ જાણે કે એક યુદ્ધ લડવા જેવું બની ગયું.
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈને તમામ નાના કર્મચારીઓ પોતાના ખરાબ મનસ્વીતા દર્શાવતા થઈ ગયા છે. અધિકારીઓએ (કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર તથા અન્ય વગેરે) પોતાની ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના સચિવો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિને જોયા જાણ્યા વિના ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે. સરકારને હકીકતથી દૂર રાખવામા આવે છે. પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપર પોતાને જ સરકાર સમજીને અંધાધૂન વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. જેનાથી સરકારની છબી ખરડાઇ રાહી છે.
સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે, ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલા કાર્યો કરવામાં આવતા નથી, ઉપરથી અધિકારીઓએ દ્વારા પ્રજાને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યોની મદદ કેમ માંગી? આ પ્રકારની ખરાબ માનસિકતા એ સુચારું રૂપથી વહીવટી તંત્રા ચલાવવા યોગ્ય. અમે વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ અગાઉ પણ આ પ્રકારની મૌખિક રજૂઆત કરી હતી અને હવે વિનંતી કરી રહ્યા છીએ કે ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા પ્રજાના કામોને પ્રાધાન્ય આપી પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે. સાથે જ જરૂરી સામે પગલાં લેવામાં આવે.
પરિપત્રમાં સરકારે ચેતવણી આપી છે કે જો કોઈ અધિકારી અથવા કર્મચારી દ્વારા આ સૂચનાઓનું ઉલ્લંઘન થશે તો તેમના સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ પગલું પ્રશાસનમાં પારદર્શિતા અને સમન્વય વધારવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
રાજકીય ગલિયારામાં આ પરિપત્રને પ્રજાના હિતમાં લેવાયેલો નિર્ણય ગણાવવામાં આવી રહ્યો છે. લોકપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચે સુમેળ જળવાશે તો પ્રજાના પ્રશ્નોનો ઉકેલ વધુ ઝડપથી આવી શકશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

