મામાની દીકરી સાથે લગ્નની જિદ્દ યુવક 90 ફૂટ ઊંચા ટાવર પર ચડ્યો, દીકરીની માતા તૈયાર પણ...
હરિયાણાના નૂહ જિલ્લામાં સોમવારે સવારે એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જ્યાં 19 વર્ષનો એક યુવક પોતાની મામાની દીકરી સાથે લગ્ન કરવાની જિદ્દ લઈને 90 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. યુવકના પિતા આ સંબંધની વિરુદ્ધમાં હોવાથી તેણે આ આત્યંતિક પગલું ભર્યું હતું. લગભગ 5 કલાક સુધી ટાવર પર બેસી રહ્યા બાદ ગ્રામજનો અને પોલીસની સમજાવટથી યુવક સલામત રીતે નીચે ઉતર્યો હતો.
બીજી તરફ, યુવકની મામીનું કહેવું છે કે, મને મારા ભાણેજનો જીવ વહાલો છે. હું તેના માટે મારી દીકરીના લગ્ન કરાવવા તૈયાર છું, પરંતુ છોકરાના પિતા આ વાત માનવા તૈયાર નથી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ગ્રામજનો સ્થળ પર પહોંચી ગયા હતા અને જોતજોતામાં લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ યુવકને સમજાવવાના સતત પ્રયાસો કર્યા હતા અને લગ્ન કરાવી દેવાની ખાતરી આપી હતી. 5 કલાકની જહેમત બાદ યુવક નીચે આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે હાલ તેની કાઉન્સેલિંગ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, ટાવર પર ચડનાર યુવકની ઓળખ તિગરા ગામના રહેવાસી અબ્દુલ રહીમના 19 વર્ષીય પુત્ર કેફ તરીકે થઈ છે. કેફને છેલ્લા કેટલાક મહિનાઓથી તેના મામાની દીકરી સાથે વાતચીત થતી હતી, જે દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ત્યાર બાદ કેફ તેની સાથે લગ્ન કરવા માટે જિદ્દે ચડ્યો હતો.
જાણવા મળ્યું છે કે કેફના મામાનો પરિવાર આ સંબંધ માટે સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ કેફના પિતા આ લગ્નની સખત વિરુદ્ધમાં છે. પરિવારમાં સહમતી ન સધાતા પોતાની વાત મનાવવા માટે કેફ આ રીતે મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો.
સોમવારે સવારે લગભગ 8:15 વાગ્યે કેફ હાથમાં મોબાઈલ લઈને 90 ફૂટ ઊંચા ટાવર પર ચડી ગયો હતો. તેને ટાવર પર ચડેલો જોઈને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરાતા જ ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવકને સુરક્ષિત નીચે ઉતારવાની કવાયત હાથ ધરી હતી.
કેફ પૂરા 5 કલાક સુધી ટાવર પર જ બેસી રહ્યો હતો. ગ્રામજનો અને પરિવારે તેની સાથે વાતચીત કરીને તેને નીચે આવવા સમજાવ્યો હતો. લોકોએ તેને સમજાવતા કહ્યું કે છોકરી હાલ સગીર છે, તેથી અત્યારે લગ્ન શક્ય નથી. જ્યારે તે પુખ્ત વયની થઈ જશે, ત્યારે પરિવાર લગ્ન અંગે નિર્ણય લેશે. ગ્રામજનોની આ સમજાવટ બાદ કેફ નીચે ઉતરવા માટે રાજી થયો હતો.

કેફ પોતે પ્રાઈવેટ ગાડી ચલાવીને પરિવારના ગુજરાનમાં મદદ કરે છે. તેના પિતા ખેતીકામ કરે છે અને ગામના જમીનદાર પરિવારમાંથી આવે છે. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાનું કહેવાય છે. બીજી તરફ, કેફના મામાનું લગભગ એક વર્ષ પહેલાં અવસાન થઈ ચૂક્યું છે. તેની મામી અને છોકરીનો પરિવાર કેફ સાથે સંબંધ બાંધવા તૈયાર છે, પરંતુ કેફના પિતા આ માટે તૈયાર નથી.
યુવક સુરક્ષિત રીતે નીચે ઉતર્યા બાદ પોલીસે તેની કાઉન્સેલિંગ શરૂ કરી છે. સદર પોલીસ સ્ટેશન (ફિરોઝપુર ઝિરકા)ના ઈન્ચાર્જ સુભાષ ચંદ્રે જણાવ્યું કે યુવકની કાઉન્સેલિંગ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરાશે. પોલીસ નાબાલિક છોકરી સાથે જોડાયેલા કાનૂની પાસાઓને ધ્યાનમાં રાખીને આગળનું પગલું ઉઠાવશે.

