- National
- નિવૃત્ત આર્મી ઓફિસરની પત્નીને નોકરાણીએ પતાવી દીધી; વારંવાર ચોર કહેવાથી હતી નારાજ
નિવૃત્ત આર્મી ઓફિસરની પત્નીને નોકરાણીએ પતાવી દીધી; વારંવાર ચોર કહેવાથી હતી નારાજ
હરિયાણાના પંચકુલા જિલ્લામાં ભૂતપૂર્વ આર્મી ઓફિસરની પત્નીની હત્યા કરી દેવામાં આવી. આરોપ ઘરે કામ કરતી ઘરેલુ નોકરાણી સુનિતા પર આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે સુનિતા પર વારંવાર ઘરેણાં ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, આ વાતને લઇને વિવાદ વધતો ગયો. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપી સુનિતા અને તેનો પુત્ર મહિલાના મૃતદેહને લઈ જતા દેખાય છે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, મૃતકની ઓળખ નિવૃત્ત આર્મી કેપ્ટન મનમોહન લાલ મહેતાની પત્ની નીરા મહેતા તરીકે થઈ છે. પોલીસે હત્યાના સંદર્ભમાં સુનિતા દેવી, તેના પુત્ર રાજા અને તેના પતિ શંકરની ધરપકડ કરી છે.
શું છે આખો મામલો?
મહિલાનો મૃતદેહ સુનિતાના ઘર નજીકના એક ઘરની છત પરથી મળી આવ્યો હતો. વીડિયોમાં ઘરની નોકરાણી સુનિતા અને તેનો પુત્ર મૃતદેહને પાડોશીની છત પર લઈ જઈને ચાદરથી છુપાવતા જોવા મળી રહ્યા છે. મોહનલાલ મહેતાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ આ મામલો સામે આવ્યો. ફરિયાદ મુજબ તેમણે જણાવ્યું કે ઘરમાંથી કેટલાક દાગીના ગાયબ હતા અને નીરાને શંકા હતી કે સુનિતાએ ચોરી કર્યા છે. આ કારણે નીરા સુનિતાના ઘરે ગઈ હતી પરંતુ ક્યારેય પાછી ફરી નહીં.
જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો તેમને સુનિતાના પાડોશીના ઘરની છત પર નીરાનો મૃતદેહ શોધી કાઢ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપીએ ગુનો કબૂલ્યો છે; જોકે, સુનિતાએ દાવો કર્યો હતો કે તેણે દાગીના ચોર્યા નથી.
પંચકૂલાના DSP અદિતિ સિંહે જણાવ્યું કે, માહિતી મળતા જ, પોલીસની એક ટીમ સુનિતાના ઘરે પહોંચી. જ્યાં તાળું મારેલું જોવા મળ્યું. જોકે, પોલીસે વૈકલ્પિક માર્ગે ઘરમાં પ્રવેશ કર્યો અને સામાન વેરવિખેર જોવા મળ્યો. ત્યારબાદ, પોલીસ પાડોશીની છત પર પહોંચી, જ્યાં નીરા મહેતાનો મૃતદેહ ગાલીચા નીચેથી મળી આવ્યો. આરોપી સુનિતાએ વારંવાર ચોર કહેવાથી ગુસ્સે થઈને હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ નક્કી થશે કે નીરાની હત્યા કેવી રીતે કરવામાં આવી છે. પોલીસ હાલમાં આ આ ઘટનાની તપાસ કરી રહી છે. DSPએ વિસ્તારના તમામ વરિષ્ઠ નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે પોલીસ તરફથી હેલ્પલાઇન નંબર (9115777026) જારી કરવામાં આવ્યો છે. વિસ્તારના વરિષ્ઠ નાગરિકો જોખમની સ્થિતિમાં આ નંબર પર કૉલ કરી શકે છે.

