- Astro and Religion
- બકરાની કુરબાની આપીને નહીં, ખીર અને સેવૈયા વહેંચીને ઇદની ઉજવણી
બકરાની કુરબાની આપીને નહીં, ખીર અને સેવૈયા વહેંચીને ઇદની ઉજવણી
ગુરુવારે દેશભરમાં બકરા ઇદની મુસ્લિમ બિરાદરોએ ઉજવણી કરી, પરંતુ આ પરંપરા હવે ધીમે ધીમે બદલાઇ રહી છે. આ વખતે કેટલાંક એવા કિસ્સા સામે આવ્યા જેના પરથી ખબર પડે છે કે હવે બકરાની કુરબાની લોકોને પસંદ નથી પડી રહી. ઉત્તર પ્રદેશના બાગપતના એક જૈન વેપારી જે બકરાની કુરબાની અપાવવાની હોય તે ખરીદીને પોતાના પ્લોટમાં કાળજી રાખે છે અને બકરાઓને જીવતદાન આપે છે. તો આગ્રામાં એક મુસ્લિમ પરિવાર છેલ્લાં 6 વર્ષથી બકરાના ફોટાવાળી કેકને કાપીને કુરબાની સમજી લે છે. હવે આવો જ કિસ્સો હરિયાણાથી સામે આવ્યો છે.
હરિયાણા ઝજ્જરમાં મુસ્લિમ સમાજના કેટલાંક લોકોએ એકબીજાને ખીર અને સેવઇયા વહેંચીને બકરી ઇદ મનાવી હતી. બકરાને કુરબાની ન આપવાનું આ ગામડાંથી શરૂ થયેલું ચલણ હવે શહેર સુધી પહોંચ્યું છે.આમ તો બકરી ઇદના પર્વને ઇસ્લામમાં માનનારા લોકો કુરબાનીના તહેવાર તરીકે ઉજવે છે.

હરિયાણાના ઝજ્જર શહેરની આજુબાજુના ગામમાં રહેતા મુસ્લિમ પરિવાર આ તહેવારના દિવસે બકારાની કુરબાની આપીને નહીં, પરંતુ ખીર અને સેવઇયા બધાને વહેંચે છે અને એ રીતે કુરબાની આપી દીધી એવું માની લે છે. વર્ષો પહેલાં એક ગામથી શરૂ થયેલી આ પરંપરા ધીમે ધીમે બીજા ગામો અને હવે શહેરો સુધી શરૂ થઇ ગઇ છે. આ વખતે તો મસ્જિદના મૌલવીએ પણ લોકોને કહ્યું હતું કે, તમારી ક્ષમતા મુજબ મિઠાઇ બનાવીને આસપાસમાં વહેંચજો.

બકરી ઇદના દિવસે જહાઆંરા બાગ વાળી મસ્જિદમાં મુસ્લિમ સમાજના લોકોએ નમાજ અદા કરી, બધા એકબીજાને ગળે મળ્યા અને પછી ખીર અને સેવૈયાની વહેંચણી કરીને ખુશી વ્યકત કરી. મૌલવી આબિદ હુસૈને કહ્યું કે ઝજ્જરમાં બકરાની કુરબાનીનો કોઇ રિવાજ નથી. લોકો મિઠાઇ બનાવીને મિત્રો, સ્વજનો વચ્ચે વહેંચે છે. તેમણે કહ્યું કે ઇદ પર કુરબાની નથી હોતી, માત્ર નમાજ અદા કરવામાં આવે છે. આબિદ હુસેને કહ્યું કે, અલ્લાહે કુરાનમાં કહ્યું છે કે નથી મારી માંસે માંસ પહોંચતું કે નથી પહોંચતું લોહી. હું તો તમને માત્ર અજમાવું છું. એટલે ઝજ્જરમાં બકરી ઇદ પર કુરબાનીની પરંપરા અમે બંધ કરી દીધી છે.
ઝજ્જરના નજીકના ગામમાં રહેતા અબ્દુલ ગફારે કહ્યું કે અહીં તેમના 9 ઘર છે જે એક જ ખાનદાનના છે. અહીં વર્ષો પહેલા કુરબાનીની પરંપરાને ખતમ કરી નાંખવામાં આવી હતી તેમણે કહ્યું કે ગામમાં કોઇ પણ પ્રકારનો ભેદભાવ ન રહે તેના માટે આ પરંપરા શરૂ કરવામાં આવી છે

